શહેરમાં આત્મહત્યાના વધતા બનાવો વચ્ચે વધુ એક સ્યુસાઈડ પોલીસ ચોપડે નોંધાયો છે. અંબિકા ટાઉનશીપ નજીક એલીના એન્કલેવ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત એએસઆઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પત્નીને દૂધ લેવા મોકલ્યા બાદ પાછળથી પગલું ભરી લીધું હતું. આત્મહત્યા પહેલા એક ચીઠી પણ લખી હતી જેમાં પોતે માનસિક ચિંતા અને જિંદગીથી કંટાળી જાતે આપઘાત કરું છું તેમ લખ્યું હતું . બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.
પતિને બેભાન હાલતમાં જોઈ પત્નીએ બુમાબુમ કરી
પ્રાપ્ત વિગત મુજબ નાના મવા રોડ પર જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ નજીક આવેલ એલીના એન્કલેવ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૧૦૨માં રહેતાં નિવૃત એએસઆઇ કિશોરભાઇ કરસનભાઇ સવાની (ઉ.વ.૭૧)ના સાંજે ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પત્ની બહારથી આવતા પતિને બેભાન હાલતમાં જોઈ બુમાબુમ કરતા આસપાસર રહેતા લોકો દોડી આવ્યા હતા અને કોઈએ ૧૦૮ને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી કિશોરભાઇને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મૃતકને સંતાનમાં ત્રણ દીકરા
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર કિશોરભાઇ સવાણી અગાઉ પોરબંદર પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચુક્યા હતાં ને હાલમાં નિવૃત જીવન જીવતા હતા. સંતાનમાં ત્રણ દિકરા છે. નાનો પુત્ર કામથી સુરત ગયો હતો અને પત્નીને દૂધ લેવા બહાર મોકલ્યા બાદ પાછળથી ઝેરી દવા પી લીધી હતી. પોલીસે એક સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી જેમાં લખ્યું હતું કે, માનસિક ટેન્શન અને જિંદગીથી કંટાળી પગલું ભરૂ છું.