રાજકોટ શહેરમાં ત્રણ માસ પૂર્વે નિવૃત્ત શિક્ષકને બાર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે 1.14 કરોડ ખંખેરી લીધાનો સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ અગાઉ 14 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા બાદ સાયબર ક્રાઇમ ટીમે વધુ બે હરિયાણાના આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ એરપોર્ટ રોડ ઉપર પત્રકાર સોસાયટી નજીક એક્ઝાનનગર સોસાયટીમાં રહેતા કુરબાન વલીજી બદામી ઉંમર વર્ષ 76 નામના નિવૃત્ત શિક્ષકને ત્રણ માસ પૂર્વે તેમના મોબાઈલ ફોનમાં કોલ આવ્યો હતો અને પોતે જીઓ ટેલિકોમ કંપનીમાંથી બોલે છે, તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે કારણ કે તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલિંગ તેમજ સાયબર આતંકવાદમાં થયો છે.
જેથી નિવૃત્ત શિક્ષકે આ બાબતે અજાણ હોય આવી કોઈ પ્રવૃત્તિ કરી નથી કહેતાં સામેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલે છે અને તમારે અહીં ક્રાઈમ બ્રાન્ચમાં ખુલાસો કરવા માટે આવવું પડશે. વૃદ્ધ પોતે ઉંમરલાયક હોવાથી આવી શકે તેમ ન હોવાથી સામે છેડેથી વીડિયો કોલમાં વાત કરાવી દેશે ફોનમાં ખુલાસો કરી આપજો કહીને થોડીવાર બાદ નિવૃત્ત શિક્ષકને વૉટસએપમાં અન્ય એક નંબર મારફતે વીડિયો કોલ આવ્યો હતો.
વૃદ્ધે આ કોલ ઉપાડયો હતો જેમાં સામે છેડેથી પોલીસની વર્ધી પહેરેલી વ્યક્તિએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર શંકર સુરેશ પાટિલ હોવાની ઓળખ શિક્ષકના પરિવારની તમામ ડિટેઈલ માંગીને આધારકાર્ડ નંબર મેળવી લીધા હતા સાથે એવું કહ્યું હતું કે તમારા આ આધાર કાર્ડ પરથી અલગ-અલગ રાજ્યમાં ખાતા ખુલ્યા છે અને મની લોન્ડરિંગ તેમજ સાયબર ક્રાઈમના ઉપયોગમાં લેવાયા છે. સાયબર આતંકવાદમાં તમારું આધારકાર્ડ વપરાયું છે અને તમને દસ વર્ષની આજીવન કેદ થઈ શકે છે સાથે એવું પણ કહ્યું હતું કે તમને અત્યારે ફિઝિકલ એરેસ્ટ કરતા નથી પરંતુ ડિઝિટલ એરેસ્ટ કરવામાં આવેલ છે, તેમ કહી વીડિયો કોલ કરતા હોય જેથી ડરી ગયેલા હતા.
વૃદ્ધને તમારી સંપત્તિ શંકાના દાયરામાં છે. તમારી તમામ પ્રોપર્ટી લિક્વિટાઈઝ કરીને આરબીઆઈમાં રોકડા રૂપિયા જમા કરાવવા પડશે અને આ કેસ પૂર્ણ થયે તમને વ્યાજ સાથે પરત મળી જશે. સાયબર માફિયા ગેંગે વૃદ્ધને વૉટસએપમાં જ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી. રબીશંકરની સહી તથા સિક્કો મારેલા દસ્તાવેજો મોકલ્યા હતા.
જેથી ડરી ગયેલા વૃદ્ધે પોતાના બેન્કના પેન્શન એકાઉન્ટમાંથી તેમજ પત્નીના એકાઉન્ટમાંથી તા.૩ના રોજ ૬૫ લાખ, ૨૫ લાખ, પત્નીના ત્રણ એકાઉન્ટમાંથી ૨૪.૫૫ લાખ ટ્રાન્સફર કર્યા છતાં ફોનથી ધમકાવાઈ રહ્યા હતા કે હજુ દસ લાખ રૂપિયા નહીં ભરો તો ફિઝિકલ એરેસ્ટ કરવામાં આવશે અને ઑસ્ટ્રેલિયામાં રહેતી તમારી મોટી પુત્રી શબનમ અને કેનેડામાં રહેતી નાની પુત્રી ઈશરતને વિદેશથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવશે તેવું કહેતા વૃદ્ધે પોતાની નાની પુત્રી ઈશરતનો સંપર્ક સાધીને નાણાં માંગ્યા હતા.
પુત્રી ઈશરતને સમગ્ર ઘટનાની વાત કરતા તેને આ ફ્રોડ છે અને ફરિયાદ કરવા કહેતા ૧૯-૧૧-૨૦૨૫ના નિવૃત્ત શિક્ષક કુરબાનભાઈ બદામીએ ટોલ ફ્રી નં.૧૯૩૦માં ૧,૧૪,૫૫,૦૦૦ રૂપિયાનું સાયબર ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ સાયબર ક્રાઇમ એ અગાઉ 14 આરોપીઓની ધરપકડ કરી હતી. આજે ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપી શંકર સોહનલાલ રાજપૂત ઉંમર વર્ષ 27 રહે હરિયાણા, અને શુભમ રઘુવીરસિંઘ ઉંમર 30 રહે હરિયાણા વાળાને પીઆઇ એમ એ જાણકાત, પીએસઆઇ પઢીયાર સહિતની ટીમે ઝડપી લીધા હતા.
આરોપી શુભમ રઘુવીરસિંઘ યસ બેન્કનો સેલ્સ ઓફિસર
1.14 કરોડના સાઇબર ફ્રોડના ગુનામાં હરિયાણા થી ઝડપાયેલા આરોપીમાં શુભમ યસ બેન્ક માં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોય આરોપી શંકર રાજપૂતના નામે બેંક એકાઉન્ટ ખોલાવેલ જે બેન્ક એકાઉન્ટમાં ફરિયાદી સાથે થયેલ ફ્રોડના એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.