આજથી બરાબર એક વર્ષ પહેલા અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ171 ક્રેશ થઈ હતી, જેમાં એક મુસાફર સિવાય તમામ 241 લોકો માર્યા ગયા હતા. વિમાન મેડિકલ કોલેજ કેમ્પસમાં અથડાતાં માત્ર પાઇલટ, ક્રૂ અને મુસાફરો જ નહીં, પરંતુ જમીન પર રહેલા ઘણા લોકો પણ માર્યા ગયા હતા. દુર્ઘટનાના એક વર્ષ પછી મોટો ઘટસ્ફોટ થયો છે. એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એફઆઇબી) ચીફ કેપ્ટન સીએસ રંધાવાએ જણાવ્યું હતું કે બોઇંગ 787 એ ક્રેશ પહેલા ઓછામાં ઓછા દસ એન્ક્રિપ્ટેડ (કોડ વર્ડ્સમાં) હેલ્થ મોનિટરિંગ કોડ મોકલ્યા હતા, જેને અવગણવામાં આવ્યા હતા. વિમાન ઉડાન ભર્યાના 15 મિનિટ પહેલા અને મુસાફરી દરમિયાન ઓછામાં ઓછા દસ ખાસ કોડ મોકલવામાં આવ્યા હતા.
રંધાવાએ જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટનાના એક વર્ષ પછી પણ, ઘણા પ્રશ્નો બાકી છે. અકસ્માત કેમ અને કેવી રીતે થયો, કોની ભૂલ હતી? આવા મહત્વપૂર્ણ પ્રશ્નોના નક્કર જવાબો હજુ પણ અધૂરા છે. દરમિયાન, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (એફઆઇબી)એ તપાસમાં નોંધપાત્ર ખામીઓનો આરોપ લગાવ્યો છે. તેઓએ તપાસની તકનીકી દિશા અને એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી)ની પારદર્શિતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. એફઆઇબીનો દાવો છે કે ક્રેશ થયેલા વિમાને ટેકઓફ પહેલાં દસ ચેતવણીઓ મોકલી હતી.
શરૂઆતની તપાસ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા રંધાવાએ કહ્યું, તપાસ ઉતાવળમાં પાઇલટ પર કેન્દ્રિત કરવામાં આવી હતી, ઇલેક્ટ્રિકલ નિષ્ફળતાની શક્યતા પર નહીં. ક્રેશ વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા, રંધાવાએ કહ્યું, પ્રારંભિક રિપોર્ટમાંથી એરક્રાફ્ટ કોમ્યુનિકેશન એડ્રેસિંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમના મેસેજોને બાકાત રાખવામાં આવ્યા હતા.
રંધાવાએ સમજાવ્યું કે આ કોડ ફક્ત બોઇંગ દ્વારા જ ડીકોડ કરી શકાય છે, પરંતુ એર ઇન્ડિયા પણ તેમને વાંચી શકતી નથી. તેમણે સમજાવ્યું કે આ સિસ્ટમ એન્જિનની ગતિ, ફ્યુલનું દબાણ, હાઇડ્રોલિક દબાણ વગેરે સહિત સેંકડો પરિમાણો પર મેસેજો મોકલે છે. તેમણે પ્રશ્ન કર્યો, આ ડેટા એએઆઇબી સાથે કેમ શેર કરવામાં આવ્યો નથી? અમે મંત્રાલયને પત્ર લખીને માંગ કરી છે કે આ ટ્રાન્સક્રિપ્ટ તાત્કાલિક ડીકોડ કરવામાં આવે.
રંધાવાએ એએઆઇબીની ટીકા કરતા પૂછ્યું કે અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર મુસાફરની દસ મહિના સુધી પૂછપરછ કેમ કરવામાં આવી નહીં. આ વિલંબ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યો કે પાઇલટના 91 વર્ષીય પિતાને હેરાન કરવામાં આવ્યા હતા. રંધાવાએ આરોપ લગાવ્યો કે વિમાને એઆઇ171 તરીકે ઉડાન ભરતા પહેલા ટેકનિકલ ખામીની જાણ કરી હતી. તેમણે કહ્યું કે વિમાને દિલ્હીથી એઆઇ423 તરીકે ઉડાન ભરી હતી અને તેમાં સ્ટેબિલાઇઝર સંબંધિત સમસ્યા હતી. ત્યારબાદ, કેટલીક મોટરો બદલવામાં આવી અને વિમાનને ઉડાન માટે મંજૂરી આપવામાં આવી હતી. રંધાવાએ કહ્યું, એકમાત્ર બચી ગયેલા મુસાફરે જોયું કે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન લાઇટો ઝબકતી હતી. આ ઇલેક્ટ્રિકલ સમસ્યાનો સ્પષ્ટ સંકેત છે.