ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ હેઠળ કાર્યરત મુખ્ય ડિજિટલ પોર્ટલ્સ E-Dhara, iORA અને AnyROR પર સિસ્ટમ મેન્ટેનન્સ અને અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે નોંધણી પ્રભાગની તમામ મહત્વપૂર્ણ ઓનલાઈન સેવાઓ આજે 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:30 કલાકથી શરૂ કરીને આગામી 6 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાત્રે 11:30 કલાક સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. મહેસૂલ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદીમાં નાગરિકો અને અરજદારોને આ અંગે અગાઉથી જાણ કરીને જરૂરી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, આ 4 દિવસના સમયગાળા દરમિયાન ગરવી (GARVI) પોર્ટલ મારફતે થતી ખેતીની જમીનના દસ્તાવેજો માટેની ઓનલાઈન ડેટા એન્ટ્રી તેમજ એપોઇન્ટમેન્ટ બુકિંગની કામગીરી સ્થગિત રહેશે. આ ઉપરાંત, ગરવી પોર્ટલ પર ખેતીની જમીનના દસ્તાવેજોની ઓનલાઈન નોંધણી (રજિસ્ટ્રેશન), iORA પોર્ટલ મારફતે મેળવવામાં આવતી અનુક્રમણિકા-2 (Index-2) ની પ્રમાણિત નકલો તેમજ iORA મારફત જમીન-મિલકતના દસ્તાવેજોની સત્તાવાર પ્રમાણિત નકલ મેળવવાની તમામ ઓનલાઈન સેવાઓ આ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં.
રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી અને યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે સમયાંતરે ડિજિટલ પોર્ટલ્સનું સર્વર મેન્ટેનન્સ કરવું અનિવાર્ય હોય છે. આ ટેકનિકલ કામગીરી પૂર્ણ થયા બાદ તમામ પોર્ટલ પુનઃ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થઈ જશે.
જોકે, પોર્ટલ્સ બંધ રહેવાના કારણે સબ-રજિસ્ટ્રાર કચેરીઓ અને જમીન-મિલકતની નોંધણી કરાવવા ઈચ્છતા નાગરિકો, ખેડૂતો તેમજ બિલ્ડરોને થોડા દિવસો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મહેસૂલ વિભાગે તમામ સંબંધિત પક્ષકારોને વિનંતી કરી છે કે તેઓ આ તારીખો અને સમયપત્રકને ધ્યાનમાં રાખીને જ પોતાની જમીન દસ્તાવેજ, એપોઇન્ટમેન્ટ બુકિંગ અને અન્ય મહેસૂલી કામગીરીનું આયોજન કરે, જેથી કરીને કોઈ પણ પ્રકારની બિનજરૂરી અગવડતાથી બચી શકાય. 6 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:30 કલાક બાદ તમામ સેવાઓ પૂર્વવત શરૂ થઈ જશે.