BREAKING NEWS

આવતીકાલે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રેવન્યુ વિભાગની રિવ્યૂ મિટિંગનું આયોજન

  • July 29, 2026 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે રેવન્યુ વિભાગની મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાનારી આ બેઠકમાં જિલ્લાના તમામ પઉચ્ચ અધિકારીઓ તેમજ રેવન્યુ વિભાગના સંબંધિત અધિકારીઓ હાજર રહેશે.બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ચાલી રહેલી રેવન્યુ સંબંધિત કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને જમીન રેકોર્ડ, વારસાઈ નોંધ, હક્કપત્રક, નામ ફેરફાર, બિનખેતી (એન.એ.) અરજીઓ, સરકારી જમીન સંબંધિત કાર્યવાહી, મહેસૂલી અપીલો, કોર્ટ કેસો, ઈ-ધરા કામગીરી તેમજ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવશે. આ ઉપરાંત, વિભાગની કામગીરીમાં પારદર્શિતા અને સમયબદ્ધતા જળવાઈ રહે તે માટે બાકી રહેલા કેસો, અરજીઓના સમયસર નિકાલ અને નાગરિકોને આપવામાં આવતી સેવાઓની ગુણવત્તા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જ્યાં કામગીરીમાં વિલંબ અથવા ખામી જણાશે ત્યાં જરૂરી માર્ગદર્શન સાથે સુધારાત્મક સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતા છે. બેઠકમાં અધિકારીઓ અને કર્મચારીઓના પરફોર્મન્સનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. નિર્ધારિત લક્ષ્યાંકો સામે થયેલી કામગીરી, કેસોના નિકાલની ગતિ અને કામગીરીની ગુણવત્તાના આધારે કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. સંતોષકારક કામગીરી કરનાર અધિકારીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે, જ્યારે નબળું પ્રદર્શન કરનારને કામગીરીમાં સુધારો લાવવા સૂચના આપવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં પ્રાંત, મામલતદાર, ડીઆઈએલર, સિટી સર્વે, સ્ટેમ્પ ડ્યુટી સહિતના અનેક મહત્વપૂર્ણ વિભાગના અધિકારીઓ હાજર રહી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application