સૌરાષ્ટ્રમાં નવરાત્રિ મેઘરાત્રિ સમાન બની રહી હતી, છેલ્લા ચાર નોરતામાં રોજ સાંજથી રાત્રિ દરમિયાન દરરોજ વરસાદ વરસતો રહ્યો, ગઇકાલે છેલ્લા દિવસે પણ વરસાદ ખાબક્યો હતો. હાથિયો વરસતા આસો માસમાં અષાઢી મેઘસવારી વરસી જેના કારણે ઓવરફ્લો થવાના બાકી રહ્યા હતા તેવા અનેક ડેમ છલકાયા અને અગાઉ ઓવરફ્લો થયેલા ડેમ વધુ એક વખત ઓવરફ્લો થયા છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ચાર ડેમમાં નવા નીરની આવક થઇ છે અને ૧૯ ડેમ સાઇટ ઉપર દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
વિશેષમાં રાજકોટ સિંચાઈ વર્તુળના ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં ભાદર-૧ ડેમમાં ૦.૨૦ ફૂટ, ગોંડલીમાં ૦.૩૩ ફૂટ, જામનગર જિલ્લામાં કંકાવટીમાં ૦.૨૬ ફૂટ નવા નીરની આવક નોંધાઇ હતી. જ્યારે કુલ ૮૩માંથી ૧૯ ડેમ સાઇટ ઉપર દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
રાજકોટવાસીઓ જે જળાશયો છલકાવાની રાહ જોઈ રહ્યા છે તે ભાદર-૧ ઓવરફ્લોમાં એક ફૂટ અને ન્યારી-૧ ઓવરફ્લો થવામાં દોઢ ફૂટનું છેટું રહ્યું છે.
સામાન્ય રીતે તા.૩૦ સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે પરંતુ આ વર્ષે ઓક્ટોબર સુધી વરસાદ વરસતો રહ્યો છે અને હજુ આગામી ત્રણ દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી યથાવત છે.