BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં મિલકત નોંધણીથી રૂ.૮૬.૭૯ કરોડની આવક

  • September 01, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં જમીન અને મિલકત ખરીદ-વેચાણના વ્યવહારોમાં ભારે તેજી જોવા મળી રહી છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા ઓગસ્ટ-૨૦૨૬ના સત્તાવાર આંકડા અનુસાર, સમગ્ર જિલ્લાની વિવિધ સબ-રેજિસ્ટ્રાર કચેરીઓમાં માત્ર એક જ મહિનામાં કુલ ૧૪,૪૫૩ દસ્તાવેજોની નોંધણી થઈ છે. આ નોંધણી પ્રક્રિયા દ્વારા સરકારે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પેટે કુલ રૂ. ૮૬,૭૯,૮૧,૮૬૬ની માતબર આવક મેળવી છે. સૌથી વધુ દસ્તાવેજ નોંધણી અને આવક રાજકોટના શહેરી વિસ્તારોમાં નોંધાઈ છે. જેમાં મોરબી રોડ અવ્વલ ક્રમે રહ્યો છે. 

નોંધણી કચેરીએથી પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ એસ.આર.ઓ.-૨ (મોરબી રોડ) કચેરી ૨,૫૩૭ દસ્તાવેજો સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે રહી છે, જ્યાં રૂ. ૧.૬૧ કરોડથી વધુની ફી અને રૂ. ૮.૯૫ કરોડથી વધુની ડ્યુટી મળીને કુલ રૂ. ૧૦,૫૭,૬૦,૬૨૬ ની સર્વોચ્ચ આવક થઈ છે. જ્યારે રાજકોટ એસ.આર.ઓ.-૪ (રૈયા) કચેરી ભલે દસ્તાવેજોની સંખ્યામાં (૯૮૭ દસ્તાવેજ) પાછળ રહી હોય, પરંતુ મોંઘી પ્રોપર્ટીઝના કારણે કુલ રૂ. ૧૦,૩૪,૩૮,૪૬૬ ની આવક સાથે બીજા ક્રમે રહી છે. એસ.આર.ઓ.-૩ (રતનપર) માં ૧,૧૧૨ દસ્તાવેજો સાથે રૂ. ૮.૨૨ કરોડ, જ્યારે માવડી (એસ.આર.ઓ.-૬) માં ૧,૨૧૫ દસ્તાવેજો સાથે રૂ. ૭.૯૪ કરોડની આવક નોંધાઈ છે. મવા (એસ.આર.ઓ.-૫) પણ રૂ. ૯.૫૭ કરોડની આવક સાથે મિલકત બજારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. રાજકોટના ગ્રામ્ય અને તાલુકા મથકોની વાત કરીએ તો, ગોંડલ એસ.આર.ઓ. માં ૧,૨૧૯ દસ્તાવેજોની નોંધણી સાથે કુલ રૂ. ૫.૦૬ કરોડની આવક થઈ છે. જ્યારે સૌથી ઓછી મિલકત નોંધણી વિંછીયા એસ.આર.ઓ. માં માત્ર ૫૪ દસ્તાવેજો સાથે થઈ છે, જેમાંથી રૂ. ૧૦.૯૩ લાખની આવક થઈ છે. જામકંડોરણા કચેરીમાં પણ ઓગસ્ટ માસ દરમિયાન માત્ર ૮૫ દસ્તાવેજો નોંધાયા હતા, જેનાથી રૂ. ૧૪.૯૨ લાખની આવક મળી છે. આમ જિલ્લાની તમામ ૧૮ સબ-રેજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધાયેલા દસ્તાવેજો: ૧૪,૪૫૩, એકત્રિત થયેલી કુલ ફી: રૂ. ૧૨,૨૧,૬૯,૩૪૦ જ્યારે વપરાયેલી કુલ ડ્યુટી (સ્ટેમ્પ): રૂ. ૭૪,૫૮,૧૨,૫૨૬ મળી કુલ મહેસૂલી આવક: રૂ.૮૬,૭૯,૮૧,૮૬૬ નોંધાઈ છે. જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચાલી રહેલી આ તેજી સૂચવે છે કે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેણાંક તેમજ વાણિજ્યિક મિલકતોની માંગ સતત વધી રહી છે, જે રાજ્ય સરકાર માટે પણ મોટા પ્રમાણમાં મહેસૂલ ઉપાર્જનનું માધ્યમ બની છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application