જામનગરના ડીકેવી કોલેજ પાસે એક રીક્ષાચાલક પર બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સો હુમલો કરી નાશી ગયા હતા ફરીયાદના આધારે આ વિસ્તારના કેમેરા ચેક કરી તપાસ કરવામાં આવી રહી છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ દાઉદભાઇ માકોડા નામના ૪૫ વર્ષના રિક્ષાચાલક ગઇકાલે ગાંધીનગર થી ડી.કે.વી કોલેજ વિસ્તારમાં રીક્ષાનું ભાડું લઇને આવ્યા હતા, રીક્ષામાંથી પેસેન્જુર નીચે ઉતારતા હોય ત્યારે બે અજાણ્યા શખ્સો મોટરસાયકલ લઇ ત્યાં પાછળથી આવીને ફરીયાદીના પતિ ઇબ્રાહીમભાઇને અપશબ્દો બોલી મુંઢ માર મારી ધમકી દઇને નાશી છુટયા હતા.
ત્યારબાદ ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેઓને હેમરેજ જેવી ઇજા પહોચતા દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતાં સિટી-બી ડિવિઝનની પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના પત્ની નફીશાબેન દ્વારા સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા હુમલાખોરોને શોધવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.