રાજસ્થાન રોયલ્સની ઇનિંગ દરમિયાન 11મી ઓવરમાં આ દુર્ઘટના ઘટી હતી. ઓવરના ચોથા બોલ પર એક ફિલ્ડરે રન આઉટ કરવાના ઈરાદે થ્રો ફેંક્યો હતો, પરંતુ બોલ પિચ પર પડ્યા બાદ અચાનક ઉછળ્યો અને પંત કંઈ સમજે તે પહેલા જ સીધો તેના નાક પર જઈ વાગ્યો હતો. પંતે તરત જ હેલ્મેટ ઉતારી દીધું હતું અને તે ખૂબ જ પીડામાં જણાતા હતા.
મેદાન પર દોડી આવ્યા ફિઝિયો
પંતને ઈજા થતા જ રમતને થોડીવાર માટે રોકી દેવામાં આવી હતી. લખનૌ સુપર જાયન્ટ્સના ફિઝિયો તરત જ મેદાન પર દોડી આવ્યા હતા અને પંતની તપાસ કરી હતી. સદનસીબે, બોલ નાક પર વાગ્યો હોવા છતાં ગંભીર ઈજા કે લોહી નીકળ્યું નહોતું. નિષ્ણાતોનું માનવું છે કે જો બોલ થોડો પણ આડોઅવળો હોત તો પંતની આંખને ગંભીર નુકસાન થઈ શક્યું હોત. ટૂંકી સારવાર બાદ પંત ફરી રમવા માટે તૈયાર થયા હતા.
ઈજાઓનો 'સિલસિલો' યથાવત
આઈપીએલ 2026માં રિષભ પંત ત્રીજી વખત ઈજાગ્રસ્ત થયા છે, જે લખનૌની ટીમ માટે ચિંતાનો વિષય છે.
RCB સામેની મેચ: ડાબા હાથની કોણી પર બોલ વાગવાને કારણે તેમને 'રિટાયર્ડ હર્ટ' થઈને મેદાન છોડવું પડ્યું હતું.
પંજાબ કિંગ્સ સામે: આ મેચ દરમિયાન તેમના જમણા હાથમાં ઈજા થઈ હતી.
રાજસ્થાન સામે: હવે નાક પર ઈજા થતા પંતના ફિટનેસને લઈને સવાલો ઉભા થયા છે.
શાનદાર કેચ અને મોટી ભૂલ
ઈજા બાદ પણ પંતે મેદાન પર પોતાનું જોર બતાવ્યું હતું. મોહમ્મદ શમીના બાઉન્સર પર યશસ્વી જયસ્વાલના ગ્લવ્સને અડીને ગયેલા બોલને પંતે હવામાં ઉછળીને શાનદાર રીતે પકડ્યો હતો. જોકે, 15મી ઓવરમાં પંતની એક ભૂલ ટીમને ભારે પડી હતી. ફરેરાને રન આઉટ કરવાની તક હતી, પરંતુ પંતે બોલ હાથમાં આવે તે પહેલા જ બેલ્સ પાડી દીધી હતી, જેના કારણે બેટ્સમેનને જીવનદાન મળ્યું હતું.
પંતની આ ઈજા કેટલી ગંભીર છે અને તે આગામી મેચોમાં રમી શકશે કે નહીં, તેના પર લખનૌના મેનેજમેન્ટની ચાંપતી નજર છે. ભારતીય ટીમ માટે પણ પંતનું ફિટ રહેવું અત્યંત જરૂરી છે.