જર્મનીના કોલોન શહેરમાંથી એક અત્યંત અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટની બહાર રોબોટ દ્વારા 16 વર્ષીય સગીરા સાથે કથિત રીતે છેડતી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને કથિત રીતે ફિલ્માવવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર લાઈવ-સ્ટ્રીમ પણ કરવામાં આવી હતી. આ ગંભીર મામલે પોલીસે સત્વરે કાર્યવાહી કરીને બે કિશોરોના મોબાઈલ ફોન અને તે વિવાદાસ્પદ રોબોટ મશીનને જપ્ત કરી લીધા છે.
અંગ્રેજી અખબાર 'ડેલી મેલ'ના અહેવાલ મુજબ, આ ઘટના રવિવારની રાત્રે આશરે 11.45 વાગ્યે સેન્ટ્રલ કોલોનની 'Hohenzollernring' પર બની હતી. પીડિત છોકરી પોતાના મિત્રો સાથે એક રેસ્ટોરન્ટની બહાર ઊભી હતી, તે દરમિયાન લાલ અને સુવર્ણ રંગનો આશરે 1.2 મીટર ઊંચો રોબોટ અચાનક તેની પાછળથી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કૃત્યને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા માટે કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
કોલોન પોલીસના જણાવ્યા અનુસાર, આ મશીને કથિત રીતે 16 વર્ષીય છોકરીના કમરના ભાગને સ્પર્શ કર્યો હતો અને તેને ધક્કો પણ માર્યો હતો. પોલીસને પ્રબળ શંકા છે કે રોબોટના 16 વર્ષીય માલિક (જે વેગબર્ગનો રહેવાસી છે) અને તેના 19 વર્ષીય સાથીએ આ સમગ્ર ઘટનાનું શૂટિંગ કર્યું હતું અને ઘટના દરમિયાન લાઇવ કોમેન્ટ્રી પણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ યુવકોની ફોક્સવેગન કારની ડિક્કીમાંથી તે વિવાદાસ્પદ રોબોટ મળી આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષા અધિકારીઓએ પુરાવા એકત્ર કરવા માટે મશીન અને કિશોરોના મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા યૌન ઉત્પીડનના આશંકા હેઠળ ફોજદારી તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ હાલ એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ઘટનાના સમયે રોબોટ કેવી રીતે કાર્ય કરી રહ્યો હતો અને શું તેને કોઈ રિમોટ કે ડિજિટલ માધ્યમથી દૂરથી ઓપરેટ કરવામાં આવી રહ્યો હતો કે નહીં. તપાસકર્તાઓ એવું પણ શોધી રહ્યા છે કે શું છોકરીને જાણી જોઈને પરેશાન કરવાના ઈરાદાથી મશીનની અંદર કોઈ વિશેષ ફેરફાર કે પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું હતું કે કેમ. આ અનોખા મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.