વનવિભાગના પરિપત્રના લીરા: વર્ષ ૨૦૨૩ થી પ્રતિબંધ થતાં પર્યાવરણને નુકશાનકર્તા અને જન આરોગ્ય માટે જોખમી રોપાની હાઇવે પર બેફામ વાવેતરથી અનેક સવાલ: ધોરીમાર્ગોને રૂપકડા દેખાડવા પર્યાવરણ અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા: ચોખ્ખી મનાઇ હોવા છતાં રોપાના વાવેતર-ઉછેર પાછળ કોની ભૂંડી ભૂમિકા તે તપાસનો વિષય
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરીમાર્ગો પર પ્રતિબંધિત કોનોકાર્પસ રોપાની હારમાળાથી ભારે ચકચાર સાથે અનેક સવાલ ઉઠ્યા છે, કારણ કે પર્યાવરણને નુકશાનકર્તા અને જન આરોગ્ય માટે જોખમી આ રોપાના વાવેતર પર વર્ષ ૨૦૨૩ માં વન વિભાગે પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં દ્વારકા જિલ્લાના ધોરીમાર્ગો પર આ રોપાના વાવેતર અને ઉછેર કરવામાં આવતા તેની પાછળ કોની ભૂંડી ભૂમિકા છે તે તપાસનો વિષય બન્યો છે. બીજી બાજુ ધોરીમાર્ગોને પકડા દેખાવા પર્યાવરણ અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવતા પર્યાવરણપ્રેમીઓ અને નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ગત તા. ૨૬-૯-૨૦૨૩ ના વિદેશી પ્રજાતિના કોનોકાર્પસ રોપા કે જેના સંશોધનના અહેવાલોમાં આ પ્રજાતિના રોપા પર્યાવરણને નુકશાનકર્તા હોય અને માનવજીવન ઉપર નકારાત્મક અસરો કરી રહ્યા હોય. વન વિસ્તાર તેમજ અન્ય કોઇપણ સ્થળે આ પ્રજાતિના રોપાનું વાવેતર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ પરિપત્રના પગલે જે તે સમયે જામનગર અને દ્વારકા શહેર-જિલ્લામાંથી આ રોપા જે સ્થળે હોય તે સ્થળેથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના ધોરીમાર્ગો પર આવેલા ડીવાઇડરોમાં પ્રતિબંધિત કોનોકાર્પસ રોપાનું વાવેતર કરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે, નવાઇની વાત તો એ છે કે આ રોપા ખૂબ મોટા અને ઘટાટોપ થઇ ચૂક્યા છે, ભાટીયાથી દ્વારકા, કુરંગાથી દ્વારકા અને દ્વારકાથી શ થતો નવો કોસ્ટલ હાઇવે કે જે છેક ધોલેરા સુધી જાય છે, ત્યાં પણ વચ્ચેના ડીવાઇડરોમાં આ પ્રતિબંધિત રોપાનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના વન વિભાગે આ રોપા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરીમાર્ગો પર આટલી મોટી સંખ્યામાં કોનોકાર્પસ રોપા કોના આદેશથી વાવવામાં આવ્યા અને તેનો ઉછેર કરવામાં આવ્યો તે ખરેખર તપાસનો વિષય બન્યો છે. આ રોપા પર્યાવરણને નુકશાનકર્તા હોય અને જનઆરોગ્ય માટે પણ જોખમી હોવા છતાં દ્વારકા જિલ્લાના ધોરીમાર્ગો પર આ રોપાના વાવેતરમાં કોઇની ભૂંડી ભૂમિકા છે કે પછી હાઇવેને પકડા દેખાવા આ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. તે તપાસનો વિષય બન્યો છે. બીજી બાજુ પર્યાવરણ અને માનવજીવન માટે હાનિકર્તા આ રોપા તાકીદે હાઇવે પરથી દૂર કરી અન્ય રોપાનું વાવેતર કરવું જોઇએ તેવી માંગ ઉઠી છે.
રોપાના મુળ જમીનમાં ઉંડે સુધી જતા હોય પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે
કોનોકાર્પસ છોડ યુએએસથી વાયા ઇરાન થઇ ભારત આવ્યો છે, આ છોડી ઓછી દેખભાળ, ઓછી સારસંભાળ અને પાણીની ખૂબ જ ઝડપથી વિકાસ પામતો હોય, તેનું વાવેતર વઘ્યું હતું. પરંતુ આ છોડના મૂળ જમીનમાં ઉંડે સુધી જઇને ખૂબ જ ટુંકાગાળામાં વિકાસ પામે છે. જેના કારણે પર્યાવરણ અને પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. આટલું જ નહીં સંદેશા વ્યવહારના કેબલ, ડ્રેનેજ લાઇન માટે પણ હાનિ કરતા છે. આથી આ રોપા પર વર્ષ ૨૦૨૩ માં વન વિભાગે પ્રતિબંધ મૂક્યો છે.
રોપાના કારણે લોકોને શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી સહિતના રોગ થાય છે
કોનોકાર્પસ રોપાના સંશોધનના અહેવાલ મુજબ આ વૃક્ષમાં શિયાળાની ઋતુમાં ફૂલો આવે છે, જેના પરાગરાજકો આજુબાજુના વિસ્તારમાં ફેલાઇ છે, જેના કારણે નાગરિકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી સહિતના રોગ થવાની શક્યતા હોવાનું નોંધાયું છે. આથી વન વિસ્તાર તેમજ અન્ય કોઇપણ સ્થળે આ પ્રજાતિના રોપાના વાવેતર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં દ્વારકા જિલ્લાના ધોરીમાર્ગો પર આ રોપાનું વાવેતર કરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે.
આજુબાજુના વૃક્ષો અને છોડના મૂળીયાનું પાણી શોષી લેતા નાશ પામે છે
કોનોકાર્પસ રોપાએ દેશી ગાંડાબાવળ જેવી જ પ્રજાતિ છે, આ રોપા પોતાનું જ નહીં તેની આજુબાજુ આવેલા અન્ય વૃક્ષો અને છોડના મૂળીયાનું પાણી પણ શોષી લ્યે છે, આથી તેની આજુબાજુના વૃક્ષ કે છોડ નાશ પામે છે. જેના કરારણે જમીન બંજર થઇ જવાની શક્યતા વધી જાય છે.
વન વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં કે મીલીભગત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના ધોરીમાર્ગો પર પ્રતિબંધિત કોનોકાર્પસ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ધોરીમાર્ગો નેશનલ હાઇવે ઓથોરીટીની હેઠળ આવતા હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે. વર્ષ ૨૦૨૩ માં વન વિભાગે પર્યાવરણ અને માનવજીવન માટે નુકશાનકર્તા આ રોપા પર પ્રતિબંધ મૂકયો છે. આમ છતાં દ્વારકા જિલ્લાના ધોરીમાર્ગો પર આ રોપાનું મોટાપાયે અને બેફામ વાવેતર કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે કે મીલીભગત છે તે તપાસનો વિષય બન્યો છે.