મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય આધેડના બંધ રહેલા મકાનમાંથી કોઈ તસ્કરો રૂપિયા બે લાખ પાંચ હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
મૂળ પશ્ચિમ બંગાળના રવિન્દ્રનગર દમદમના વતની અને હાલ મેઘપર- પડાણા નજીક હાઇવે રોડ પર આવેલા સ્વામિનારાયણ રેસીડેન્સીમાં ભાડેથી રહેતા ભોળાનાથ સુખમય ડે નામના આધડે પોતાના રહેણાક મકાનના સ્ટીલની પેટીમાં રૂપિયા ૨,૦૫,૦૦૦ની રોકડ રકમ રાખી હતી, અને પોતે કામસર બહાર ગયા હતા.
જે દરમિયાન તા. ૮ ના સવારે આઠ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના રૂમના બારી-દરવાજા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
જે બનાવા અંગે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એ.જી. જાડેજા તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા છે, અને સમગ્ર મામલે બધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી તપાસને લંબાવવામાં આવી રહી છે.