BREAKING NEWS

અમદાવાદ રોડથી મોરબી રોડ: રૂડાએ ન્યુ રિંગ રોડના ફેઈઝ- 5 માટેનું કામ હાથ ધર્યું

  • January 05, 2026 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે મહતમ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા ઉચ્ચ કક્ષાએથી મળતા ધડાધડ કામો શરૂ થયા છે. દરમિયાન તાજેતરમાં રૂડાએ ન્યુ રિંગ રોડના ફેઈઝ ફાઇવ મતલબ કે અમદાવાદ રોડથી મોરબી રોડ સુધીના રોડનું કામ હાથ ધરવા ટેન્ડર પ્રસિધ્ધ કર્યું છે.

રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા દૂર કરવા રૂડા અને મહાનગરપાલિકા દ્વારા નવા રીંગ રોડનું કામ છેલ્લા ચાર વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે. ફેઝ-૧થી લઈને ૪નું એટલે કે જામનગર રોડથી લઈને અમદાવાદ રોડ સુધીના ફોરલેન રોડનું કામ પુર જોશમાં ચાલુ છે. જ્યારે બાકી રહેલા અમદાવાદ રોડથી મોરબી રોડને જોડતા ફેજ-5નું કામ ઝડપથી શરૂ થાય તે માટે તાજેતરની બોર્ડ બેઠકમાં રૂા.૯૮.૪૫ કરોડના ખર્ચને મંજુરી અપાતા રૂડાએ ફેઝ-૫ ના કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. અને તા.૨૬ બાદ રીંગરોડનું કામ શરૂ થશે તેમ જાણવા મળેલ છે.

શહેરના મધ્યમાંથી પસાર થતાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ટ્રાફિક ભારણ વધતા તેમજ રીંગરોડની ઉપરની સાઈડમાં સોસાયટીઓ તેમજ વિસ્તારમાં વધારો થતાં ચાર વર્ષ પહેલા રીંગરોડ-2 બનાવવાનું આયોજન કરી જમીન સંપાદન સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રથમ ફેઈઝ એટલે કે જામનગર રોડથી કાલાવડ રોડ સુધીનું કામ પૂર્ણ કરવામાં આવેલ ત્યાર બાદ જામનગર રોડથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડ તેમજ ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધીનું નવા રીંગ રોડનું કામ હાલ પુર જોશમાં ચાલુ છે. વચ્ચે આવતા સાત થી વધુ પુલિયાનું કામ પૂર્ણ થવામાં છે. તેમજ જામનગર રોડથી ગોંડલ રોડને જોડતા સીંગલ રોડનું ફોરલેનનું કામ મંજુર થતાં હાલ બન્ને સાઈડમાં કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ રીંગરોડ પુરો કરવા માટે અમદાવાદ રોડથી મોરબી રોડ અને મોરબી રોડથી જામનગર રોડ સુધીનું કામ બાકી હોય રૂડાના જનરલ બોર્ડમાં તાજેતરમાં નવા રીંગ રોડ ફેઝ-5 એટલે કે, અમદાવાદ રોડથી મોરબી રોડને જોડતા કામના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

અમદાવાદ રોડથી મોરબી રોડને જોડતા રીંગ રોડ-૨ના ફોરલેન કામ માટે જમીન સંપાદનની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવામાં છે. કપાત બાદ થયા બાદ લાઈનદોરી મુજબ ફોરલેન રોડનું કામ શરૂ કરવામાં આવશે. રૂડા દ્વારા ગઈકાલે રૂા. ૯૮.૪૫ કરોડના રોડના કામનું ટેન્ડર પ્રસિદ્દ કરવામાં આવ્યું છે. બીડ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ સંભવત: જાન્યુઆરીના અંતમાં રોડનું કામ શરૂ કરવામાં આવશે. રૂડામાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ચાર ફેઝનું કામ પૂર્ણ થવામાં હોય પાંચમા ફેઝનું કામ પૂર્ણ થતાં ૧૮ માસ જેટલો સમય લાગશે ત્યાર બાદ મોરબી રોડથી જામનગર રોડને જોડતા ફોરલેન રોડનું કામ અને સાથો સાથ એઈમ્સને જોડતા રોડનું બાકી રહી ગયેલું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવા રીંગ રોડનુ કામ શરૂ થયેલ ત્યારે જામનગર રોડથી વાયા અટલ સરોવર અને કાલાવડ રોડ સુધીમાં સિંગલ પટ્ટી રોડ તૈયાર કરવામાં આવેલ પરંતુ સ્માર્ટસીટી અંતર્ગત તેમજ બીઆરટીએસ રૂટ માટે કાલાવડ રોડથી અટલ સરોવર સુધી બીઆરટીએસ રૂટ તૈયાર કરવાનો હોય ફોરલેન રોડ બનાવવામાં આવ્યો છે. જ્યારે થોડા સમય પહેલા બાકી રહી ગયેલા કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના ફોરલેનનું કામ શરૂ થયું છે. ત્યારે હવે અમદાવાદ રોડથી મોરબી રોડ સુધીના રોડના કામ માટે રૂા. ૯૮.૪૫ કરોડ જેવી રકમ ખર્ચ થવાની હોય પ્રારંભથી જ ફોરલેન રોડ બનાવવામાં આવશે. તેવી જ રીતે આ રોડની વચ્ચે આવતા પુલિયા તેમજ નાલાનું કામ પણ સાથો સાથ શરૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application