રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ હિરાસરમાં હોવાને કારણે ખોબા જેવડું હિરાસર ગામ રાતોરાત વિશ્વના નકશામાં ચમક્યું છે.દરમિયાન હવે હિરાસર ગામનું રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે, ગુજરાત રાજ્યમાં મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથેના સેટેલાઇટ ટાઉન્સ ડેવલપ કરવાના પ્રોજેક્ટમાં અમદાવાદના સાણંદ, વડોદરાના સાવલી, સુરતના બારડોલી અને ગાંધીનગરના કલોલ સાથે રાજકોટના હિરાસરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેટેલાઇટ ટાઉન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં અર્થાત્ માર્ચ- ૨૦૩૦ સુધીમાં પૂર્ણ થશે. પ્રોજેક્ટ માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સહિત ૧૧ સભ્યની કમિટી રચાશે.ડેવલપમેન્ટની કામગીરી રૂડા હસ્તક રહેશે અને ખર્ચની સંપૂર્ણ રકમ રાજ્ય સરકાર તરફથી મળશે.
વિશેષમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજયમાં આવેલ મુખ્ય શહેરોની નજીકમાં આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન્સનો વિકાસ કરવા માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂા.૫૦ કરોડની બજેટ જોગવાઇને રાજ્ય સરકારની વહીવટી મંજુરી મળી છે. રાજ્યના મુખ્ય અર્બનાઇઝડ શહેરો (મધર સિટી)ની નજીકમાં આવેલ ઝડપી વિકાસ પામી રહેલ નગરો પૈકી ગુજરાતના ચાર પ્રમુખ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની નજીકના નાના શહેરોને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવા તેમજ પસંદગી પામેલ સેટેલાઇટ ટાઉન્સને આધુનિક સુવિધાઓ અને સુનિયોજિત મોબિલિટી પ્લાનના આયોજનની સાથોસાથ આયોજનના ભાગરુપે નિશ્વિત કરાયેલ પ્રોજેક્ટ્સ માટેની પ્રોજેક્ટ સેંકશનિંગ અને મોનિટરીંગ કમિટીનું ગઠન કરવાની બાબત રાજ્ય સરકારની સક્રીય વિચારણા હેઠળ હતી.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં પુખ્ત વિચારણાના અંતે શહેરી વિકાસ વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ અનુસાર રાજ્યના ચાર પ્રમુખ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટના પાંચ સેટેલાઇટ ટાઉન્સની પસંદગી કરવામાં આવી છે જેમાં કુલ પાંચ સેટેલાઈટ ટાઉનનું લાગુ પડતા સંબંધિત શહેરી વિકાસ સત્તામંડળએ ડેવલપમેન્ટ કરવાનું રહેશે. જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરનું અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા, અમદાવાદ જિલ્લાના સાણંદનું અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા, વડોદરા જિલ્લાના સાવલીનું વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા, સુરત જિલ્લાના બારડોલીનું સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અને રાજકોટ જિલ્લાના હિરાસરનું રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવશે.ઉપરોક્ત પાંચ સેટેલાઇટ ટાઉન્સમાં આધુનિક સુવિધાઓ અને સુનિયોજિત મોબિલિટી પ્લાનના આયોજનની સાથોસાથ આયોજનના ભાગરુપે નિશ્વિત કરાયેલ પ્રોજેક્ટ્સ માટે ભાગરુપે નિશ્વિત કરાયેલ પ્રોજેક્ટ્સ માટેની પ્રોજેક્ટ સેંકશનિંગ અને મોનિટરીંગ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત પસંદગી પામેલ પાંચ સેટેલાઈટ ટાઉન્સના આયોજન કરવા માટેના કન્સેપ્ટ નોટ, ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી, બ્રોડ પેરા મીટર્સ ફોર અર્બન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન, આઉટ કમ્સ વિગેરે બાબતો મુખ્ય નગર નિયોજક, ગુજરાત રાજ્ય દ્વારા કમિશનર, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન, ગુજરાત રાજ્યને પૂરી પાડવાની રહેશે.જ્યારે કમિશનર, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન, ગુજરાત રાજ્યએ પ્રોજેકટ હેઠળના સમગ્ર સમયગાળા દરમિયાન કાર્યનું એકંદર દેખરેખ અને સમયાંતરે પ્રગતિ સમીક્ષા કરવાની રહેશે.
પ્રોજેક્ટ હેઠળ દર્શાવેલ બધી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવાની સમયમર્યાદા પાંચ વર્ષ એટલે કે માર્ચ-૨૦૩૦ સુધીની રહેશે.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં તેના સેટેલાઇટ ટાઉન્સના સુદ્રઢ આયોજન અને તેના અમલીકરણ માટે સંબંધિત સત્તામંડળો દ્વારા પ્રોજેકટની કામગીરી માટે મેનપાવરની જરૂરિયાત મુજબ વિભાગને દરખાસ્ત કર્યેથી આઉટસોર્સથી ભરવાની મંજૂરી આપવા અંગેની વિચારણા કરવામાં આવશે.
પ્રોજેક્ટ કમિટીમાં કોણ સમાવિષ્ટ ?
૧.કમિટીના અધ્યક્ષ પદે અગ્ર સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૨.સભ્ય સચિવ, કમિશનર, મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
૩.સભ્ય પદે અગ્ર સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પ્રતિનિધિ (સંયુક્ત સચિવ કક્ષાના)
૪. સભ્ય પદે સચિવ (પ્રવાસન), ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૫.સભ્ય પદે સચિવ (સિવિલ એવિયેશન), ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૬.સભ્ય પદે સચિવ (હાઉસીંગ), શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૭.સભ્યપદે મુખ્ય નગર નિયોજક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
૮.સભ્ય પદે ખાસ ફરજ પરના અધિકારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૯.સભ્ય પદે નાણા સલાહકાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
૧૦. સભ્ય પદે મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ
૧૧. આમંત્રિત સભ્ય પદે શૈક્ષણિક/વિષય નિષ્ણાત