મેક્સિકોમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં શુક્રવારે (4 સપ્ટેમ્બર) મેક્સિકોના પૂર્વ વેરાક્રુઝ રાજ્યમાં દેશની સત્તાધારી 'મોરેના' પાર્ટીના કોંગ્રેસમેન (સાંસદ) શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલા મળી આવ્યા હતા. તેમના શરીર પર ગોળી વાગ્યાની નિશાની મળી આવી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મેક્સિકોના કોસ્ટલ સ્ટેટ વેરાક્રુઝનું પ્રતિનિધિત્વ કરતા ફેડરલ ધારાસભ્ય ઝેન્યાઝેન એસ્કોબાર (Zenyazen Escobar) પોતાની કારની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના શરીર પર ઓછામાં ઓછી એક ગોળી વાગ્યાનું નિશાન જોવા મળ્યું છે.

રાજ્યના એટર્ની જનરલ લિસ્બેથ જિમેનેઝે જણાવ્યું છે કે આ મામલે તપાસ ફાઇલ તૈયાર કરવામાં આવી રહી છે, પરંતુ હાલમાં વધુ વિગતો આપવામાં આવી નથી. વેરાક્રુઝના સેક્રેટરી જનરલ રિકાર્ડો અહુએડના જણાવ્યા અનુસાર, મૃતક ધારાસભ્યના વાહન પર હિંસા કે તોડફોડના કોઈ ચિહ્નો જોવા મળ્યા ન હતા.
ચૂંટણી પહેલા ફેલાયો ભયનો માહોલ
આગામી જૂન મહિનામાં મેક્સિકોમાં મેયર, રાજ્ય વિધાનસભા, સિટી કાઉન્સિલ અને ગવર્નર પદ માટે ચૂંટણીઓ યોજાવાની છે, જેનાથી બરાબર એક વર્ષ પહેલા આ ઘટના બની છે. અગાઉની ચૂંટણીઓમાં પણ સંગઠિત અપરાધ જૂથો (ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) દ્વારા રાજકીય હસ્તીઓ પર હુમલા અને હિંસાની ઘટનાઓ સામે આવતી રહી છે. દેશની લોઅર હાઉસ ઓફ કોંગ્રેસે એસ્કોબારના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ન્યાયિક અધિકારીઓને આ મામલે "ઊંડાણપૂર્વક તપાસ" કરવા અપીલ કરી છે.