BREAKING NEWS

રશિયાએ યુક્રેનના ડેટા સેન્ટર પર કર્યો હુમલો: યુક્રેનનો રશિયન સૈન્યના ડઝનબંધ હુમલા નિષ્ફળ બનાવ્યાનો દાવો

  • September 30, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે તેના સશસ્ત્ર દળોએ છેલ્લા 24 કલાક દરમિયાન યુક્રેનના લોજિસ્ટિક્સ, કમ્યુનિકેશન અને મહત્વપૂર્ણ ડેટા સેન્ટરો પર મોટા પાયે હુમલા કર્યા છે. બીજી તરફ, યુક્રેનના જનરલ સ્ટોફે દાવો કર્યો છે કે તેમના સૈન્યએ રશિયા દ્વારા કરવામાં આવેલા ડઝનબંધ સૈન્ય હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી દીધા છે અને રશિયન દળોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.


રશિયન સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, રશિયન સેનાએ ખાર્કિવ ક્ષેત્રના એક મહત્વપૂર્ણ વિસ્તાર અને ડોનેટ્સકના અનેક વ્યૂહાત્મક મકાનો પર પૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. આ ઉપરાંત, રશિયાએ ડ્રોન હુમલાઓ દ્વારા યુક્રેનના લોજિસ્ટિક્સ સેન્ટરો, બંદર અને પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ લશ્કરી સેવાઓ આપતા જહાજોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં કિલિયા બંદર પર સ્થિત યુક્રેનિયન નેવલ બેઝ 'ઈસ્ટ' ના કમાન્ડ સેન્ટર અને કીવમાં આવેલા મુખ્ય ડેટા પ્રોસેસિંગ સેન્ટરને પણ ગંભીર નુકસાન પહોંચાડવાનો દાવો કરાયો છે.


બીજી તરફ, યુક્રેનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે માહિતી આપતાં જણાવ્યું હતું કે યુક્રેનિયન એરફોર્સ, મિસાઈલ દળો અને આર્ટિલરીએ રશિયાના અનેક સૈન્ય ઠેકાણાઓ પર પલટવાર કર્યો છે. યુક્રેની સેનાએ છેલ્લા 24 કલાકમાં રશિયાના 26 થી વધુ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. આ જવાબી કાર્યવાહીમાં યુક્રેને રશિયાની અનેક ટેન્કો, બખ્તરબંધ વાહનો, આર્ટિલરી સિસ્ટમ્સ, એર ડિફેન્સ સિસ્ટમ્સ અને ગ્રાઉન્ડ રોબોટ સિસ્ટમ્સને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે.


​​​​​​​યુક્રેનિયન રિપોર્ટ મુજબ, રશિયાના અનેક ડ્રોન, લશ્કરી વાહનો અને વિશેષ સાધનોને પણ તબાહ કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે સરહદી અને વ્યૂહાત્મક વિસ્તારોમાં તીવ્ર ગોળીબાર અને બોમ્બમારો સતત ચાલુ છે. રશિયા દ્વારા યુક્રેનની સંચાર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાને નિશાન બનાવવાથી યુક્રેનના નાગરિક અને લશ્કરી સંચાર પર મોટી અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે બંને પક્ષો પોતપોતાના વિજયના દાવાઓ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News