રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કિવ પરના હુમલાઓ વધુ તેજ કરવામાં આવ્યા છે. મોસ્કો દ્વારા શહેરના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની કડીમાં તાજેતરમાં કિવના નોર્ધર્ન બ્રિજ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે.
કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શનિવારના આ હુમલામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાના કારણે રોડ અને ટ્રોલીબસને વીજળી પૂરતી પાડતી પાવર સપ્લાય સિસ્ટમ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત, નદી ઉપરના ટ્રાફિકને પણ તુરંત અસરથી રોકી દેવામાં આવ્યો છે જેથી વધુ નુકસાન અટકાવી શકાય.
આ હુમલો કિવના સધર્ન બ્રિજ પર થયેલા હુમલાના બરાબર એક દિવસ પછી જ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે સધર્ન બ્રિજ જમીની પરિવહન અને શહેરના સબવે સિસ્ટમ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેના પર 24 કલાક કરતા પણ ઓછા સમયમાં 5 વખત હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓના કારણે ગુરુવારથી જ મુસાફરીમાં ભારે અવરોધ ઊભો થયો છે. સધર્ન બ્રિજ હજુ પણ સંપૂર્ણપણે બંધ છે અને હવે નોર્ધર્ન બ્રિજ પર પણ ટ્રાફિક મર્યાદિત કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કિવ શહેર નીપર નદીના કારણે બે અલગ-અલગ હિસ્સામાં વહેંચાયેલું છે. નદીના જમણા કાંઠે શહેરના મોટાભાગના બિઝનેસ સેન્ટર, કોર્પોરેટ ઓફિસો અને મહત્વની સરકારી સંસ્થાઓ આવેલી છે. જ્યારે ડાબો કાંઠો મુખ્યત્વે રહેણાંક વિસ્તાર છે, જ્યાં રાજધાનીની ઓછામાં ઓછી 30% વસ્તી નિવાસ કરે છે. બ્રિજ પરના આ હુમલાઓના કારણે શહેરના બંને ભાગો વચ્ચેનો સંપર્ક અને અવરજવર ભારે પ્રભાવિત થઈ છે, જેનાથી નાગરિકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા અને ક્ષતિગ્રસ્ત વ્યવસ્થા સુધારવાના પ્રયાસો ચાલુ છે.