વિશ્વમાં શાંતિ સ્થાપવામાં પોતાની ભૂમિકા મહત્વની રહી હોવાનું ગાણું વારંવાર ગાતા અમેરિકી પ્રમુખ ટ્રમ્પએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ઘુટણીયા ટેકવી દીધા છે અને અંતે સ્વીકારી લીધું કે અત્યાર સુધીમાં 8 યુદ્ધ રોકાવ્યા પરંતુ આ યુદ્ધનો ઉકેલ મુશ્કેલ છે. વોશિંગ્ટનમાં કેબિનેટની બેઠક પહેલા મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ સંઘર્ષ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે અને તેનો ઉકેલ લાવવો સરળ રહેશે નહીં. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે અગાઉના આઠ યુદ્ધોનો ઉકેલ લાવી દીધો છે અને આ નવમું યુદ્ધ હોઈ શકે છે, જેને સમાપ્ત કરવા માટે તેમની ટીમ હાલમાં રશિયામાં વાટાઘાટો કરી રહી છે. ટ્રમ્પનું આ બયાન એવા સમયે સામે આવ્યું છે કે જયારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી આયર્લેન્ડની મુલાકાતે પહોચ્યા છે.
ટ્રમ્પે કહ્યું, "અમે આ યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.પરંતુ તે સરળ નથી. પરિસ્થિતિ ખૂબ જ અવ્યવસ્થિત છે.ટ્રમ્પની ટિપ્પણીઓ ત્યારે આવી જ્યારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી આયર્લેન્ડની મુલાકાતે છે. ડબલિનમાં એક કાર્યક્રમ દરમિયાન, ઝેલેન્સકીએ શાંતિ વાટાઘાટો અંગે હળવો આશાવાદ પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે તાજેતરમાં વાટાઘાટોમાં તીવ્રતા અને અમેરિકન હિતોએ સકારાત્મક સંકેતો આપ્યા છે.
ઝેલેન્સકીએ યુનાઇટેડ સ્ટેટ્સ વિશે શું કહ્યું?
ઝેલેન્સકીએ કહ્યું, "વાટાઘાટો થોડી ગતિ પકડી છે અને યુએસ પક્ષ રસ દાખવી રહ્યો છે, તેથી થોડી આશા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે યુએસ કોઈપણ રાજદ્વારી વાટાઘાટોથી પાછળ હટતું નથી, જે અમારા માટે સારો સંકેત છે.
રશિયાની યુરોપિયન દેશોને ચેતવણી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન દેશોને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો યુરોપ રશિયા સામે યુદ્ધ કરવાનો પ્રયાસ કરશે, તો તેને એટલી ઝડપી અને નિર્ણાયક હારનો સામનો કરવો પડશે કે રશિયા પાસે વાટાઘાટો કરવા માટે કોઈ પક્ષ નહીં રહે. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુરોપિયન અને નાટો દેશો તરફથી યુક્રેનને લશ્કરી સમર્થન સતત વધી રહ્યું છે.હાલમાં, રશિયા યુક્રેનના લગભગ 19% પ્રદેશ પર નિયંત્રણ ધરાવે છે, જે 2023 કરતા લગભગ 1% વધુ છે. જોકે રશિયાએ 2025 માં પહેલા કરતા વધુ ઝડપી પ્રગતિ કરી છે, તે હજુ પણ સમગ્ર યુક્રેન પર કબજો કરવામાં નિષ્ફળ રહ્યું છે.