BREAKING NEWS

રાજકોટ સહિત રાજ્યભરમાં એસટી બસના ટિકિટ મશીન બંધ થતા મુસાફરોમાં હોબાળો

  • February 27, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત રાજ્યભરમાં એસટી બસોના કંડકટરોને મુસાફરોને ટિકિટ આપવા માટે અપાયેલા ઇલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીન ગઇકાલે બંધ થઇ જતા મુસાફરોમાં ભારે હોબાળો મચ્યો હતો.ગત બપોરે સર્વર ડાઉન થતા અનેક બસો વ્હેલા મોડી થઇ હતી. ટિકિટીંગ મશીન શરૂ થતા ન હોય મુસાફરોને ટિકિટ આપ્યા વિના બસ કેમ ઉપાડવી ? તેવા પ્રશ્નો સર્જાયા હતા.

વિશેષમાં મુસાફર વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ગઇકાલે તા.૨૬ ફેબ્રુઆરીના રોજ બપોરે એકથી ત્રણ વાગ્યા સુધી ત્રણેક કલાક સુધી રાજકોટ સહિત રાજ્યભરમાં એસટી બસ કંડક્ટરોને ટિકિટ આપવા માટે અપાયેલા ઇલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીનમાં સર્વર ડાઉન હોવાને કારણે સમસ્યા સર્જાતા દેકારો બોલી ગયો હતો. આવા કારણોસર રાજ્યના અનેક ડેપોમાં બસો ઉપડતી બંધ થઈ હતી અને હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાને કારણે ટિકિટો કાપવાનું કામ મુશ્કેલ બન્યું હતું અને મશીનોમાં ટિકિટો અપડેટ થતી ન હતી. અન્ય ડેપોમાં વિગતો મેળવતા જાણવા મળ્યું કે જે કંડક્ટરો રનીંગ ટ્રીપ કરી અને આવ્યા હોય અને એ જ મશીન જો બીજા કંડકટરને આપી દેવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ થતો ન હતો. આવા કારણોસર ગઇકાલે રાજકોટ બસપોર્ટ ઉપરથી ઉપડતી અનેક બસો મોડી પડી હતી. દરમિયાન આ મામલે મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


આજથી કામગીરી રાબેતા મુજબ-વિભાગીય નિયામક

રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક એમ.પી.રાજએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સિસ્ટમનું સર્વર ડાઉન થઇ જતા ફક્ત રાજકોટ નહીં પરંતુ રાજ્યભરમાં ઇલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીન બંધ થયા હતાં પરંતુ તે સમસ્યા ઉકેલાઇ ગઈ છે અને આજથી સેવા રાબેતા મુજબ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application