BREAKING NEWS

રાજકોટમાં સચેત-પરંપરાનો શો સુપરહિટ; વ્યવસ્થા થર્ડ ક્લાસ, VIP પાસવાળા પણ ધક્કે ચડ્યા, ઓડિયન્સમાં ખુરશીઓની ખેંચાખેંચી, પોલીસ દોડાવવી પડી

  • November 20, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના બાવનમા સ્થાપના દિવસ નિમિતે ગત રાત્રે રેસકોર્સ મેદાનમાં બોલિવૂડના ખ્યાતનામ સિંગર સચેત અને પરંપરાની ભવ્ય મ્યુઝિકલ નાઇટનું જાહેર જનતા માટે આયોજન કરાયું હતું. બન્ને સિંગર્સએ તેમના સુપરહિટ સોંગ્સની પેશકશ કરતા લાઇવ ઇન કન્સર્ટ તો સુપરહિટ રહી હતી પરંતુ મહાપાલિકા તંત્રની થર્ડ ક્લાસ વ્યવસ્થાને કારણે રાજકોટવાસીઓમાં ભારે દેકારો બોલ્યો હતો અને અસંખ્ય નાગરિકોને મ્યુઝિકલ નાઇટ માણ્યા વિના જ ઘરે પરત ફરવું પડ્યું હતું, જ્યારે પ્રવેશથી વંચિત રહેલા અનેક લોકોએ રેસકોર્સ રિંગ રોડની પાળીએ બેસીને દૂરથી જ ગીતો સાંભળ્યા હતા.


મ્યુઝિકલ નાઇટમાં સર્વે પ્રેક્ષકોને પ્રવેશ નિઃશુલ્ક હતો, છતાં રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા નિમંત્રણ કાર્ડ કમ પાસનું વિતરણ કરાયું હતું. દરમિયાન મહાપાલિકાએ આપેલ વીઆઇપી પાસ લઇને ગયેલાઓ ધક્કે ચડ્યા હતા અને ઓડિયન્સમાં મુકાયેલી પ્લાસ્ટિકની ખુરશીઓની ખેંચાખેંચી થઇ હતી. અંદાજે ૮૦૦૦ જેટલા પાસનું વિતરણ કરાયું હતું જેની સામે માંડ ૧૦ હજારની બેઠક વ્યવસ્થા નિર્માણ કરી હતી જ્યારે ૩૦ હજાર જેવી જંગી મેદની ઉમટતા પ્રવેશથી જ ધક્કામુકી શરૂ થઇ હતી.


એક તબક્કે તો ઓવર ક્રાઉડ થતા કાર્યક્રમ બંધ કરવો પડ્યો હતો અને ખુદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતનાઓએ સ્ટેજ ઉપર જઇને પબ્લિકને બેસી જવા માટે વારંવાર અપીલ કરવી પડી હતી. ખાસ કરીને ગ્રાઉન્ડમાં ઉભા કરેલા લાઈટિંગ અને એલઇડી ટાવર ફરતે ટોળા એકત્રિત થતા તેમજ ફેસબુક અને યુટ્યુબ લાઇવ તથા ઇન્સ્ટાગ્રામ માટે રિલ્સ બનાવવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએસર્સ સોફા અને ખુરશીઓ ઉપર ચડીને ઉભા રહેતા હોબાળો મચ્યો હતો તેને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ વિજિલન્સ પોલીસ અને શહેરને પોલીસને ગ્રાઉન્ડમાં ઉભેલા પ્રેક્ષકોને બેસાડવા માટે દોડાવી હતી.સદનસીબે નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા રહી ગઇ હતી તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.


મહાપાલિકાએ આપેલા નિમંત્રણ કાર્ડ જેને પાસ તરીકે વ્યાખ્યાયિત કરાયા હતા તેમાં વિતરિત કરાયેલા પિન્ક પાસ (વીઆઇપી) અને સ્કાય બ્લ્યુ પાસ (ઓર્ડીનરી) લઇને મ્યુઝિકલ નાઇટમાં સહ પરિવાર પહોંચેલા અનેક નાગરિકોને તો પ્રવેશ પણ મળ્યો ન હતો અને જેમને પ્રવેશ મળ્યો તેમને બેસવા ખુરશી તો દૂર મેદાનમાં નીચે બેસવાની જગ્યા પણ મળી ન હતી. અંદાજે એકાદ હજારથી વધુ લોકોએ તો સ્ટેજની બન્ને બાજુએ ઉભા ઉભા જ કાર્યક્રમ માણ્યો હતો. જેમને ઉભા રહેવા જગ્યા મળી ન હતી તેવા કેટલાય પ્રેક્ષકો તો પરત ફર્યા હતા. ક્રાઉડ ધારણા કરતા વધવા લાગતા નિમંત્રણ કાર્ડ (પાસ) હોય તો પણ એન્ટ્રી આપવાનું બંધ કરાયું હતું, ખુદ મ્યુનિ.સ્ટાફ પોતે વિતરિત કરેલા પાસનું મહત્વ જાળવતો ન હતો જેનાથી લોકોએ ભારે આંચકો અનુભવ્યો હતો કે શું નિમંત્રણ કાર્ડ (પાસ)ની આટલી જ વેલ્યુ ? કે પાસ હોવા છતાં કાર્યક્રમ સ્થળે એન્ટ્રી ન મળે !? જો ખુદ તંત્રવાહકો જ પોતે મોકલેલા નિમંત્રણ કાર્ડની અવહેલના કરે તો ભવિષ્યમાં હવે મ્યુનિ.કાર્યક્રમોના નિમંત્રણનો ભરોસો કોઇ કરશે નહીં.


મોટા ભાગના સોફા અને ખુરશીઓ ઉપર આગેવાનો અને કાર્યકરોએ જ અડિંગો જમાવ્યો હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા, સામાન્ય જનતાને જમીન ઉપર ભારતીય બેઠકમાં બેસીને તેમજ ઉભા ઉભા કાર્યક્રમ માણવા ફરજ પડી હતી. સહ પરિવાર આવેલા મહાપાલિકાના અનેક અધિકારીઓ અને ઇજનેરોને તેમજ તેમના પરિવારજનોને પણ બેસવા ખુરશી મળી ન હતી!


એકંદરે ક્રાઉડ નહીં પરંતુ વ્યવસ્થા એ જ સફળતાનો માપદંડ છે. જંગી જનમેદની ઉમટે એટલે ઇવેન્ટ સફળ થઇ એવી વ્યાખ્યા ટિકિટ શો માટે હોય શકે, પરંતુ જ્યારે મહાપાલિકા આયોજિત પબ્લિક ઇવેન્ટ હોય ત્યારે તેમાં પ્રેક્ષકો માટે કેવી વ્યવસ્થા નિર્માણ કરાઇ અને નાગરિકો કેટલા આનંદથી ઇવેન્ટને માણી શક્યા તે બાબત જ સફળતાનો સાચો માપદંડ કહેવાય. પબ્લિક તો કલાકારના બ્રાન્ડ નેમથી, પ્રચાર પ્રસારથી કે વિનામૂલ્યે કાર્યક્રમ હોય તેવા કારણે ઉમટે પરંતુ કાર્યક્રમની સાચી સફળતા તો ત્યારે કહેવાય જ્યારે આવનાર લોકો દિલથી કાર્યક્રમ માણી શકે અને તેમને કોઇ મુશ્કેલી ન પડે. ઓવર ક્રાઉડ થયું એટલે અવ્યવસ્થા થઇ એવું જાહેર કરીને છેલ્લે દોષનો ટોપલો પબ્લિક ઉપર જ ઢોળીને ઇવેન્ટને સફળ ગણાવવા પ્રયાસો થશે પરંતુ ઇવેન્ટ તો સફળ જ રહી છે, ફ્ક્ત વ્યવસ્થા સુપર ફ્લોપ રહી છે.ઓવરક્રાઉડ થાય તો શું કરવું તે માટેનો કોઇ પ્લાન કે મેનેજમેન્ટ ન હોવું તેને નિષ્ફળતા નહીં તો બીજું શું કહી શકાય ? શું મહાપાલિકા તંત્રને રેસકોર્સ મેદાનના માપ સાઇઝનો ખ્યાલ ન હતો ? રેસકોર્સમાં જાહેર સભામાં ૫૦ હજારથી એક લાખની મેદની સમાય છે ત્યાં ૩૦ હજાર લોકો કેમ ન સમાઇ શક્યા ? શું તંત્ર પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું ? તે સહિતના અનેક સવાલો રાજકોટની જનતામાંથી ઉઠી રહ્યા છે.​​​​​​​


અવ્યવસ્થા અંગે જનતાના મનપાને સવાલ

(૧) ૮૦૦૦ પાસનું વિતરણ કર્યું ને બેઠક વ્યવસ્થા કેમ માંડ ૧૦ હજાર જેટલી જ હતી ? વિશાળ ગ્રાઉન્ડ હોવા છતાં પ્રેક્ષકોને જમીન ઉપર બેસવાની પણ જગ્યા કેમ ન મળી ? શું પાસ ફ્ક્ત આગેવાનો અને કાર્યકરો માટે જ હતા અને ભૂલમાં જનતાને અપાઇ ગયા હતા ? સ્ટેન્ડિંગ ચેરમેન અને સમાજ કલ્યાણ ચેરમેને સ્ટેજ ઉપર જઇને કાર્યક્રમ અટકાવી લોકોને બેસી જવા અને શાંતિથી કાર્યક્રમ માણવા અપીલ કરવી પડી તો મ્યુનિ. અધિકારીઓ શું કરતા હતા ?


(૨ ) સોફા અને ખુરશીઓ શું રાજકીય નેતાઓ અને કાર્યકરો માટે જ મુકાઇ હતી ? અન્ય પ્રેક્ષકોને ખલેલ પહોંચે તે રીતે ખુરશી અને સોફા ઉપર મિનીટો સુધી ઉભા થઇને ઇન્સ્ટાગ્રામ રિલ્સ બનાવતા કે એફબી અને યુટ્યુબ લાઇવ કરનારાઓને રોકવા કોઇ આયોજન ન હતું ? સુરક્ષા સ્ટાફ ક્યાં હતો ? શા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત મંગાયો ન હતો ?


(૩) પાસ લઇને આવેલા ધક્કે ચડ્યા, અમુકને એન્ટ્રી જ ન મળી તો પાસ વિના આવેલાઓ સોફા ઉપર અને ખુરશીઓ ઉપર ગોઠવાઇ ગયા આવું કેમ બન્યું ? આ માટે જવાબદાર કોણ ? નિમંત્રણ કાર્ડ કમ વીઆઇપી પાસ લઇને આવેલાને બેસવા ખુરશી નહીં મળતા તેઓ પદાધિકારીને રજૂઆત કરવા જતા પદાધિકારીઓ તેમને હાથ જોડીને આઈ એમ સોરી તેવું શા માટે કહેતા હતા ?


(૪) રેસકોર્સમાં ઉભા રહેતા ચકરડીવાળાઓ અને રેંકડીવાળાઓ કે જેને સીએમ કે પીએમના કાર્યક્રમ વખતે બહાર ખસેડાય છે તેને મ્યુઝિકલ નાઇટ દરમિયાન કેમ બહાર ખસેડાયા નહીં ? તેના લીધે પ્રેક્ષકોને ભોગવવી પડેલી પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા માટે જવાબદાર કોણ ?


(૫) પ્રજાના પૈસેથી યોજાયેલી મ્યુઝિકલ નાઇટના પ્રચાર પ્રસાર માટે જેટલી મહેનત કરી તેનાથી અડધી મહેનત પણ આયોજન અને વ્યવસ્થા પાછળ કરાઇ હોય તો લોકોને ઉભા રહીને કાર્યક્રમ માણવો પડ્યો ન હોત. શું અવ્યવસ્થા બદલ તંત્રવાહકોને અફસોસ છે ખરો ? શું કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી ફ્ક્ત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર અને સુરેન્દ્રસિંહ વાળાની જ હતી ? અન્ય કોર્પોરેટરો, અધિકારીઓ ક્યાં હતા અને શું કરતા હતા ?


(૬) મ્યુઝિકલ નાઇટના સ્થળે થયેલા આડેધડ વાહન પાર્કિંગ માટે જવાબદાર કોણ ? કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકોને પોતાનું વાહન શોધવામાં અને ગ્રાઉન્ડ બહાર નીકળવામાં અડધો કલાક થઇ, બહાર નીકળ્યા બાદ પણ રિંગ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો, આટલી ભયંકર અવ્યવસ્થા શા માટે થઇ?


(૭) મહાપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ફક્ત મહાનુભાવો અને મહેમાનોને જ આવકાર આપતા હતા, સામાન્ય જનતાની સામે નજર પણ કરતા ન હતા, શું તેઓ જાણી જોઇને અજાણ્યા બની જતા હતા ? મોબાઇલ ફોનમાં કરાતા કોલ પણ રિસિવ કરતા ન હતા ? આવું કેમ ?? શું વ્યવસ્થામાં નિષ્ફળતાની તપાસના આદેશ કરી જવાબદારો સામે પગલા લેવાશે ખરા?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News