સામ્બે પેટ ચોળીને શૂળ ઉભું કર્યું

  • December 01, 2023 01:23 PM 

વીનાશકાળે વિપરિત બુધ્ધિ કહેવત જો સૌથી ચોટડૂક લાગુ પડતી હોય તો તે યાદવોને પડે છે. જે યાદવોને કનિષ્ઠ જાતી કહીને અન્યો ઉતારી પાડતાહતા, જેમના વિશે જેટલું ખરાબ બોલાય એટલું અન્ય રાજકુળો બોલતાં હતાં, કૃષ્ણને સન્માન આપતા કુ‚વંશીઓ પણ યાદવો વિશે કેટલી ખરાબ માન્યતા ધરાવતા હતા તે દુર્યોધનની પુત્રીને ઉપાડી લાવવાની કોશિશમાં કૃષ્ણનો પુત્ર સામ્બ કુ‚ઓના હાથે પકડાઈ ગયો તે ઘટનામાંથી જાણવા મળે છે. દુર્યોધનના ગુરુ અને કૃષ્ણના મોટાભાઈ બલરામ સામ્બને છોડાવવા ગયા ત્યારે ભીષ્મ સહિત કુ‚ આગેવાનોએ યાદવો વિશે નિમ્ન શબ્દો કહ્યા હતા. ‘પગની જુતી જેવા યાદવોને અમે માથે ચડાવ્યા એ જ અમારી ભુલ છે, જે યાદવો સિંહાસનના અધિકારી નહોતા એને અમે બનાવ્યા. અમારી જ દયાથી યાદવો રાજકુળમાં ગણાવા માંડ્યા’ કૃષ્ણના અવતરણ પહેલાં યાદવોને તમામ બદીઓથી ગ્રસ્ત જાતી માનવામાં આવતા તેના અનેક પુરાવાઓ મળી રહે છે. આવા અસંસ્કારી યાદવોને કૃષ્ણએ અજેય રાજકુળનો દરજ્જો અપાવ્યો. યાદવવંશે ગુમાવેલી પ્રતિષ્ઠાને કૃષ્ણએ પાછી અપાવી. અહસ્ત્રાર્જુન જેવા મહાપ્રતાપી રાજા જે વંશમાં થઈ ગયા હોય એ વંશની અધોગતિને કૃષ્ણએ પારખી અને ફરીથી તેને ગૌરવ અપાવ્યું. પણ યાદવો એ ગૌરવને પચાવી શક્યા નહીં. અત્યંત વૈભવ અને સલામતી તેમનામાં દરેક અનિષ્ઠ લાવ્યા. કૃષ્ણનો વંશ દા‚ડિયાઓનો અડ્ડો બની ગયો હોય એવી સ્થિતિ થઈ. યાદવવંશના યુવાનો ફાટીને ધુમાડે ગયા. મોટાંઓના સન્માનની ભાવના પણ રહી નહીં. ઋષિઓ, ગુ‚, બ્રાહ્મણનું સન્માન કરવાનું પણ તેમના વ્યવહારમાં રહ્યું નહીં.


એક દિવસ ઋષિ વિશ્ર્વામિત્ર, કણ્વ અને નારદ દ્વારકા પધાર્યા. ત્રણેય ઋષિઓને આવેલા જોઈને યાદવ કુમારોને તેમની મજાક કરવાનું સુઝ્યું. જાંબવતીથી થયેલા કૃષ્ણના પુત્ર સામ્બને આ યાદવ રાજકુમારોએ સ્ત્રીના કપડાં પહેરાવ્યા અને ઋષિઓ પાસે લઈ જઈને કહ્યું કે રાજા બભુની આ રાણી પુત્રને જન્મ આપશે કે પુત્રીને? તમે ઋષિઓ જો ખરેખર જ્ઞાની હો તો કહી બતાવો. યાદવકુમારો મજાક કરવા માટે પુરુષને સ્ત્રીનો વેશ પહેરાવીને લાવ્યા છે એ જાણી ગયેલા ઋષિઓ આ અપમાનથી ક્રોધિત થયેલા ઋષિઓએ જવાબ આપ્યો કે કૃષ્ણનો પુત્ર એવો આ સામ્બ યાદવો અને અંધકોનો વિનાશ કરનાર લોઢાના ભયંકર મુસળને જન્મ આપશે. વૃષ્ણ્યઅંધકવિનાશાય. ઉધ્ધત વ્યવહાર કરનાર તમે યાદવો આ મુસળના પ્રભાવથી ક્રુર અને ક્રોધાન્વિત બનીને કૃષ્ણ અને બલરામ સિવાયના સમગ્ર યદુકુળનો વિનાશ કરશો. શ્રીમાન બલરામ સમુદ્રમાં પ્રવેશ કરીને દેહનો ત્યાગ કરશે અને જશ નામનો પારધી કૃષ્ણને ભૂમિ પર સુતેલી અવસ્થામાં જ બાણ વડે વીંધી નાખશે. ‘શયાનં ભૂમિ ભેત્સ્પતિ’ યાદવકુમારોની મજાકથી અત્યંત ક્રોધિત થયેલા તે ઋષિઓ આ શાપ સંભળાવ્યા પછી કૃષ્ણની પાસે ગયા અને સામ્બ વગેરે રાજકુમારોએ કરેલી હલકી મજાક બાબતે અને પોતે આપેલા શાપ બાબતે તેમને વિગતવાર વાત કરી.


યાદવોના વિનાશ બાબતે ગાંધારીના શાપ વખતથી જાણતા કૃષ્ણએ ઋષિઓને પણ કહ્યું કે એમ જ થશે. આપ લોકોએ જે શાપ આપ્યો છે એ જ પ્રમાણે યદુકુળનો વિનાશ થશે. ઋષિઓને આમ કહીને કૃષ્ણ પોતાના આવાસમાં જતા રહ્યાક, તેમણે શાપને અન્યથા કરવાની ઈચ્છા ન કરી એવું મહાભારતકાર લખે છે. સામાન્ય રીતે શાપ આપનારને રીઝવીને, મનાવીને તે શાપ નિષ્ક્રીય કરવા અથવા તેને હળવો કરવા અથવા તેનાથી છૂટવાના ઉપાય જાણવા પ્રયત્ન કરવાના કિસ્સા મોટાભાગના શાપની સાથે જોડાયેલા છે. કૃષ્ણએ ગાંધારીને શાપ આપતા રોકી નહોતી અને ઋષિઓને પણ શાપ પાછો લેવા કે હળવો કરવા વિનંતિ કરી નહીં અથવા પોતે પણ શાપને બિનઅસરકારક કરવા માટે કોઈ પ્રયત્ન કર્યો નહીં. જમતનિયંતા તરીકે કૃષ્ણએ ધાર્યું હોત તો પોતે જ શાપને નિષ્ફળ બનાવી શક્યા હોત અથવા નારદ વગેરે ઋષિઓ કૃષ્ણને એટલું સન્માન આપતા હતા કે જો કૃષ્ણ કહે તો તેઓ શાપ પાછો ખેંચી લેતાં પણ અચકાય નહીં. પરંતુ કૃષ્ણએ એવું કર્યું નહીં કારણ કે પૃથ્વી પરનો રહ્યો સહ્યો ભાર પણ તેઓ ઉતારવા માગતા હતા. તેમનું અવતારકાર્ય જ અધર્મીઓના ભારથી પૃથ્વીને મુક્ત કરવા માટેનું હતું. મહાભારત યુધ્ધમાં કૃષ્ણની વિશાળ નારાયણી સેના નાશ પામી હતી પણ યાદવ અગ્રણીઓ એ સેનામાં સામેલ નહોતા. આ યાદવ અગ્રણીઓ મહાભારત યુધ્ધમાં લડ્યા નહીં એટલે બચી ગયા હતા તેમનો વિનાશ થવો આવશ્યક હતા અને કૃષ્ણ જેવા અનાસક્ત પુરુષ જરા પણ મમત્વ દેખાડ્યા વગર આ કામ કરે તો જ તેમણે આપેલો ગીતાનો સંદેશ યથાર્થ થાય.


કૃષ્ણને જાણ હતી કે જો આ યાદવો જીવતા રહી જશે તો જ્યારે પોતે પૃથ્વી પર નહીં હોય ત્યારે તેઓ કોઈના નિયંત્રણમાં નહીં રહે અને અનર્થ સર્જશે. જે યાદવો કૃષ્ણ અને બલરામના કહ્યામાં ન રહ્યા હોય, તેમની સલાહને પણ માનતા ન હોય તેઓ પોતાની અનુપસ્થિતિમાં કેટલા ફાટીને ધુમાડે જાય તે કૃષ્ણ સમજતા હતા. યાદવોમાં પરસ્પર વિખવાદ વધી ગયો હતો. દા‚ સહિતની બદીઓ એટલી હદે વકરી ગઈ હતી કે તેઓ સન્માર્ગે ચાલે એવી કોઈ શક્યતા જ બચી નહોતી. આવા યાદવોને જો જીવતા રહેવા દેવામાં આવશે તો તેઓ હાહાકાર મચાવશે એ સમજતા કૃષ્ણએ ગાંધારીના અને ઋષિઓના બંને શાપને સ્વીકાર્યા. શાપ તો નિમિત માત્ર હતા, વાસ્તવમાં કૃષ્ણ પોતે જ ઈચ્છતા હતા કે દુરાચારી યાદવોનો સામુહિક વિનાશ થાય અને પોતાની હયાતીમાં જ થાય.
કૃષ્ણએ જીવનભર નિશ્ર્ચિત કામ કરતા રહેવું પડ્યું છે. અસુરોથી વૃંદાવન અને ગોકુળને સુરક્ષિત રાખવાથી માંડીને યાદવોને બચાવવા માટે કંસનો વધ, પાંડવોનું રક્ષણ કરવાથી માંડીને તેમને મહાભારતનું યુધ્ધ જીતાડી દેવું, પોતાની ટીકા થવાની સંભાવના હોવા છતાં યુધ્ધમાં ભીષ્મથી માંડીને દુર્યોધન સુધીના યોધ્ધાઓના વધ માટે વ્યવસ્થા ગોઠવવાના કામથી માંડીને દ્રોપદીના પુત્રો અને બચી ગયેલા રાજાઓ, સેનાઓનો વધ થાય ત્યારે પાંડવો બચી જાય અથવા અશ્ર્વત્થામાને સંહાર કરવાનો મોકો પાંડવોની ગેરહાજરીમાં મળી રહે તે માટે માત્ર પાંચ પાંડવોને નદી કિનારે રાત્રી રોકાણ માટે લઈ જવા, ગાંધારીના શાપથી પાંડવોને બચાવીને પોતે શાપ લેવાથી માંડીને ઉત્તરાના ગર્ભને અશ્ર્વત્થામાના બ્રહ્મસ્ત્રથી બચાવવા સુધીના પોતાના માટે નિશ્ર્ચિત થયેલા કામ તેઓ અવતારકૃત્ય તરીકે કરતા રહ્યા. એમાંનું છેલ્લું કામ યાદવકુળનો વિનાશ હતું. કૃષ્ણએ એ કામ પણ કશા જ દુ:ખ વગર કર્યું.
​​​​​​​
ઋષિઓના શાપને લીધે સામ્બે બીજા જ દિવસે લોખંડના એક ભયાનક મુસળને જન્મ આપ્યો. ડરી ગયેલા યાદવકુમારોએ રાજા ઉગ્રસેનને એ મુસળ આપ્યું. મહાભારતમાં ઉગ્રસેનને ઘણા સ્થળે આહુક તરીકે સંબોધવામાં આવ્યા છે. અહીં પણ આહુકને મુસળ અપાયું એવું કહેવાયું છે. આહુક ઉગ્રસેનના પિતાનું નામ છે. ઉગ્રસેને પોતાની બુધ્ધિ મુજબ મુસળનું અત્યંત બારીક ચૂર્ણ કરાવી નાખ્યું અને તેને સમુદ્રમાં ફેંકાવી દીધું. આ ચૂર્ણમાંથી સમુદ્રના કિનારે એરકા નામનું મોટું ઘાસ ઉગી નીકળ્યું. મુસળનો એક બચી ગયેલો ટુકડો સમુદ્રકાંઠે જશ નામના પારધીને મળ્યો, જશએ આ ટુકડામાંથી પોતાના બાણનું તિક્ષ્ણ ફણું બનાવડાવ્યું. યાદવવંશના મહાવિનાશ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application