રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાન મસાલાના હોલસેલર્સની દુકાનોમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ વિમલ, રજનીગંધા અને રાજશ્રી સહિતના પાન મસાલાના સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ સેફ્ટી ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, (૧) સેફ્રોન બ્લેન્ડેડ વિમલ પાન મસાલાનું સેમ્પલ મહાદેવ એજન્સી, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ ખાતેથી (૨) પ્રીમિયમ રજનીગંધા ફ્લેવર્ડ પાન મસાલા ટીન પેકિંગનું સેમ્પલ સ્થળ- પ્રતિક ટ્રેડર્સ, માધવતીર્થ એપાર્ટમેન્ટ, તિરુપતિ કુરિયરની બાજુમાં, સદગુરુ તીર્થ ધામ સામે, રૈયા રોડ, રાજકોટ ખાતેથી તેમજ (૩) રાજશ્રી પાન મસાલાનું સેમ્પલ સ્થળ- મિરા સેલ્સ એજન્સી, સ્વસ્તિક કોમ્પ્લેક્ષ, શોપ નં.૧, લાખના બાંગલાવાળો રોડ, આશાપુરા ચોક, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું, આ તમામ સેમ્પલ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લેવાયેલા પાન મસાલાના સેમ્પલનો તાજેતરમાં રિપોર્ટ આવ્યો હતો જેમાં ટોબેકો, નિકોટીન, મેગ્નેશિયમ કાર્બોનેટ જેવા કેન્સર કારક તત્વો હોવાનું સામે આવતા ધંધાર્થીઓને ૨૩ લાખ જેવો દંડ અને કેદની સજા ફરમાવવામાં આવી હતી. દરમિયાન હવે ફરી પાઉચ અને ટીન પેકિંગમાં વેંચાતા પાન મસાલાનું સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે.
ઉપરોક્ત ચેકિંગ અને સેમ્પલિંગ ઉપરાંત પોલ સ્ટાર કોમ્પ્લેક્ષ, ગિરિરાજ હોસ્પિટલની પાછળ, જગન્નાથ ચોક, રાજકોટ મુકામે આવેલ ભોલા જનરલ સ્ટોર પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ નમકીન તથા બેકરી પ્રોડક્ટસ વગેરે તપાસતા એક્સપાયરી ડેટ વીતેલ હોય કુલ ૧૦ અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે આપવામાં આવી હતી.
જ્યારે શહેરના ગોંડલ રોડ ઉપર બોમ્બે હોટલ સામે, રાજકોટ મુકામે આવેલ શ્રીરામ પંજાબી ચાઇનીઝ પેઢીની તપાસ કરતા સ્થળ ઉપર સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ ખાદ્યચીજોનો કુલ બે કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
રૈયા ચોકડી, અંબિકા કોમ્પ્લેક્ષ, રૈયા રોડ, રાજકોટ મુકામે આવેલ ન્યુ જલારામ રેસ્ટોરેન્ટ પેઢીની તપાસ કરતા સ્થળ ઉપર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
મહિલા કોલેજ બ્રીજ ઉપર, ભવાની ગોલાની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ એન્જલ મદ્રાસ કાફે પેઢીની તપાસ કરતા સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા ફૂડ લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
નાગેશ્વર એરિયા નો-લાયસન્સ ઝોન ?
જામનગર રોડ ઉપરના નાગેશ્વર મેઈન રોડ ઉપર ચેકિંગ કરવામાં આવતા (૧) ચામુંડા કિરાણા સ્ટોર (૨)ગાયત્રી ડેરી ફાર્મ (૩)બાલાજી પાણીપૂરી (૪)શ્રીજી મેડિકલ સ્ટોર (૫)બાઇટ બોક્સ (૬)સુરેશ નમકીન (૭)જલારામ જનરલ સ્ટોર અને (૮)મહાવીર ફરસાણ સહિતની દુકાનો પાસે ફૂડ લાઇસન્સ ન હોય તમામને વ્હેલી તકે લાયસન્સ લેવા નોટિસ ફટકારવામાં આવી હતી.
ઇન્દિરા સર્કલે પિત્ઝા કન્ટ્રીમાં ચેકિંગ
યુનિવર્સિટી રોડ ઉપર ઇન્દિરા સર્કલ નજીક આવેલા કલાકૃતિ કૉમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર ઉપર કાર્યરત પીઝા કન્ટ્રી શોપમાંથી મંચુરિયન પ્રિપેર્ડ-લુઝનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત મિક્સ દૂધ લુઝનું સેમ્પ સ્થળ-ગજાનન ડેરી ફાર્મ, ચુનારાવાડ ચોક, પાવર હાઉસ સામે, દૂધસાગર રોડ ખાતેથી, ભેસનું દૂધ લુઝનું સેમ્પલ સ્થળ- મહાદેવ ડેરી એન્ડ મીઠાઇ મોલ, દૂધ સાગર રોડ, ચુનારાવાડ ચોક પાસે, ન્યુ પાવર હાઉસ સામેથી, મિક્સ દૂધ લુઝનું સેમ્પલ સ્થળ- (ટેન્કર નં. જીજે ૦૩ બીવાય ૬૦૪૬માંથી), આજીડેમ પોલિસ સ્ટેશન, રણુજા મંદિર આગળ, કોઠારીયા મેઇન રોડ ખાતેથી લેવાયું હતું.