BREAKING NEWS

રાજકોટના વોર્ડ નં. 17માં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર 1000ની લાંચ લેતા ઝડપાયો, સફાઈ કામદારોને નોકરીમાં હેરાન કરવાની ધમકી આપી નાણાં પડાવતો

  • January 19, 2026 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના વોર્ડ નંબર 17 (બ) અટીકા ઓફિસમાં ફરજ બજાવતા મહાનગરપાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટરે સફાઈ કર્મચારીને નોકરીમાં પરેશાન નહીં કરવા તેમજ મળવા પાત્ર રજામાં પગાર કપાત ન કરવા અંગે 2,000ની લાંચની માંગ કરતા 1000 આપી દીધા બાદ ફરિયાદીએ રાજકોટ એસીબી એકમમા ફરિયાદ નોંધાવતા એસીબીની ટીમે છટકુ ગોઠવી અટીકા વોર્ડ નંબર 17 (બ)ની ઓફિસમાં જ લાંચના બાકી 1000 સ્વીકારતા જ રંગેહાથ ઝડપી લેતા મહાનગરપાલિકામાં ફફડાટ ફેલાઈ ગયો છે.


2000ની લાંચની માંગ કરી હતી

એસીબી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના વોર્ડ નંબર 17 અટીકા ફાટક નજીક આવેલ વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતા સફાઈ કામદાર ને તેની નોકરીમાં હેરાન પરેશાન ન કરવા અને બાકી રહેતી મળવાપાત્ર રજામાં કપાત કરી શકે તેમ હોય તે ન કરવા કર્મચારી પાસે વોર્ડ ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટરે રૂપિયા 2000ની લાંચની માંગ કરી હતી. પરંતુ ફરિયાદી વધુ લાંચની રકમ આપવા માંગતા ન હોય જે અંગે રાજકોટ શહેર એસીબી એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા, તેમજ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે રાજકોટ શહેર એસીબી પીઆઇ આર આર સોલંકી અને ટીમે અટીકા ફાટક નજીક આવેલ વોર્ડ નંબર 17 (બ)ની ઓફિસમાં છટકુ ગોઠવ્યું હતું.


ઓફિસમાં જ લાંચની રકમ સ્વીકારતા ઝડપાયો

તે દરમિયાન લાંચના વધુ રૂપિયા 1000 સ્વીકારતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રમેશભાઈ ગડિયલને તેની જ ઓફિસમાં લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લેતા વોર્ડ ઓફિસમાં સોપો પડી ગયો હતો,


અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદીને પરેશાન નહીં કરવા તેમજ રજા પગાર કપાત નહીં કરવા અંગે 2000ની લાંચ માંગી હતી તે પૈકી ફરિયાદીએ બે દિવસ પૂર્વે રૂપિયા 1000 આપી દીધા હતા, અને લાંચ અંગેની લેતી દેતી બાબતની વાતચીતનું મોબાઇલ રેકોર્ડિંગ કરી લીધા બાદ એસીબીમાં રજૂ કર્યા બાદ લાંચના 1000 બાકી લેતા એસીબીએ ટ્રેપ ગોઠવી સેનેટરી સબ ઇન્સ્પેક્ટરને ઝડપી પાડ્યો હતો.


મ.ન.પા.માં પોણા બે વર્ષમાં એસીબીના ચાર ગુના નોંધાયા

ચકચારી ટીઆરપી અગ્નિકાંડમાં સંડોવાયેલા સસ્પેન્ડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા, ત્યારબાદ પૂર્વ ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા, તેમજ કચ્છથી મુકાયેલ પૂર્વ સસ્પેન્ડ ચીફ ફાયર ઓફિસર અનિલ મારું સામે એસીબીના ગુના નોંધાયા બાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17 ના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે એસીબીએ છેલ્લા પોણા બે વર્ષમાં ચોથો ગુનો દાખલ કરતા મહાનગરપાલિકામાં ચકચાર જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application