મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં સંજુ સેમસને શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. વાનખેડેની બેટિંગ ફ્રેન્ડલી પિચ પર તેણે મેદાનની ચારેબાજુ આકર્ષક શૉટ્સ રમ્યા હતા. સંજુએ માત્ર 54 બોલમાં અણનમ 101 રન બનાવ્યા, જેમાં તેણે 10 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. ખાસ વાત એ છે કે, તેણે ઇનિંગના છેલ્લા બોલ પર ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે નવો રેકોર્ડ
આ સદી સાથે સંજુ સેમસને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે. સીએસકે માટે સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં તે હવે ટોચ પર છે:
સંજુ સેમસન: 2 સદી (સૌથી ઓછી ઇનિંગ્સમાં)
ઋતુરાજ ગાયકવાડ: 2 સદી
મુરલી વિજય: 2 સદી
શેન વોટસન: 2 સદી
IPL ઇતિહાસના દિગ્ગજોની યાદીમાં એન્ટ્રી
સંજુ સેમસનની આ આઈપીએલ કરિયરની કુલ 5મી સદી છે. આ સાથે જ તે આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોમાં સંયુક્ત રીતે ચોથા સ્થાને પહોંચી ગયો છે.
આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ સદી:
વિરાટ કોહલી: 8 સદી
જોસ બટલર: 7 સદી
ક્રિસ ગેલ: 6 સદી
સંજુ સેમસન: 5 સદી*
કેએલ રાહુલ: 5 સદી
CSK એ ખડક્યો વિશાળ સ્કોર
સંજુ સેમસનની 187.03 ના સ્ટ્રાઈક રેટ વાળી ઇનિંગની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. સંજુ ઉપરાંત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 22 રન, ડેવાલ્ડ બ્રેવિસે 21 રન અને કાર્તિક શર્માએ 18 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈના બોલરો સંજુના ક્લાસ સામે લાચાર દેખાતા હતા.
સીઝનની શરૂઆતમાં નબળા ફોર્મમાં જણાતા સંજુએ માત્ર 4 મેચોમાં બે સદી ફટકારીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેની આ શાનદાર ફોર્મ ચેન્નાઈ માટે પ્લેઓફની રેસમાં અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે.