સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી એડમિશન માટેની પ્રથમ તબક્કાની પરીક્ષા લેવાઈ ગયા બાદ હવે બીજા તબક્કાની પરીક્ષા આગામી તારીખ 12 ના રોજ લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી અને કુલ ૧૩ વિષયમાં 179 વિદ્યાર્થીઓના ફોર્મ આ માટે આવ્યા છે.
અગાઉ જ્યારે યુનિવર્સિટી દ્વારા પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ માત્ર નેટ અને સ્લેટની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને જ તે માટે પાત્ર ગણવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં લેવાયેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 46 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પ્રથમ તબક્કાની પરીક્ષાના પરિણામ પછી ખાલી પડેલી જગ્યા માટે હવે બીજા તબક્કાની પરીક્ષા લેવામાં આવી રહી છે અને તેમાં નેટ -સલેટ પાસ ન હોય તો પણ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવ્યા છે.
તા.12 ના રોજ લેવાનારી પરીક્ષામાં 100 માર્કનું પેપર રાખવામાં આવ્યું છે અને તમામ પ્રશ્નો એમસીક્યુ પ્રકારના હશે પરીક્ષાર્થીઓએ જવાબ માત્ર ટીક માર્ક કરવાના રહેશે. પરીક્ષાનું આયોજન કોમ્પ્યુટરરાઈઝ સિસ્ટમથી કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા પૂરી કરી પોતાનું પેપર સબમિટ કરશે તે સાથે જ તેને સ્ક્રીન પર માર્ક જોવા મળી શકશે.
તારીખ 12 ના રોજ અલગ અલગ ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. સવારે 9:00 વાગ્યાથી પ્રથમ તબક્કો શરૂ થશે અને જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે એવા વિદ્યાર્થીઓ આજથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે તેમ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે.