BREAKING NEWS

રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર પ્લાન્ટ બનશે

  • December 10, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પશ્ચિમ રાજકોટના ન્યારી રોડ, અવધ રોડ, કણકોટ રોડ, ન્યુ રિંગ રોડ, મોટામવા, મુંજકા સહિતના વિસ્તારોનો પાણી પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવા માટે તેમજ ભવિષ્યમાં આ વિસ્તારની આજુ બાજુના ગામો શહેરની હદમાં ભળે તો પણ વાંધો ન આવે તેવું ૨૦૪૫ સુધીનું પ્લાનિંગ તૈયાર કરીને રાજકોટ મહાપાલિકા દ્વારા કાલાવડ રોડ ઉપર કણકોટ એન્જિનિયરિંગ કોલેજ નજીક ૫૪,૫૫૮ ચો.મી. જમીનમાં ન્યારી આધારિત ૧૫૦ એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણ કરવામાં આવનાર છે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઇ છે જે મંજૂર કરવા આવતીકાલે મળનારી મિટિંગમાં નિર્ણય કરાશે.

ન્યારી-૧ ડેમ આધારિત ૧૫૦ એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટએ સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્રથમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે, જેનો પાણીનો સ્ત્રોત ન્યારી-૧ ડેમ રહેશે. ડેમમાં સંગ્રહાયેલું વરસાદી પાણી તથા સૌની યોજના દ્વારા ડેમમાં ઠાલવતા પાણીને પમ્પીંગ કરીને ફિલ્ટર પ્લાન્ટ ઉપર લાવવામાં આવશે.

કણકોટ રોડ ઉપર એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં મવડી ટી.પી.સ્કીમ નં.૩૪, ઓ.પી.નં. ૮૦ અને એફ.પી. નં.૮૦/૨ની ૫૪,૫૫૮ ચો.મી. જમીનમાં આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર થશે.

ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૮ ટકા જીએસટી સહિત રૂ.૧૩૬.૭૦ કરોડ થવા પાત્ર છે, જ્યારે ટેન્ડરમાં આવેલ ભાવો મુજબ કેપિટલ રકમ જીએસટી સહિત રૂ.૧૩૩ કરોડ ૪૭ લાખ, ૪૦ હજાર ૭૭૫ છે.

પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના રૂ. ૯.૬૦ કરોડ થશે. આ મુજબ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.૧૪૩.૦૮ કરોડ થશે. પ્રોજેક્ટની મુદ્દત

૨૪ મહિના છે, જેમાં વર્ક ઓર્ડર આપ્યાથી મહિનામાં ડીઝાઇન અને ત્યારબાદ ૨૪ મહિના કામગીરીના રહેશે.

આ પ્રોજેક્ટ માટે અમદાવાદની એજન્સી ક્રિષ્ના કોર્પ ઇન્ડિયા પ્રા.લી. અને ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપની અમદાવાદ (જોઇન્ટ વેન્ચર)ની ટેન્ડર ઓફર લોએસ્ટ વન હોય તેને કામ આપવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.



પ્રતિ દિવસ ૧૫ કરોડ લીટરની ટ્રીટમેન્ટ ક્ષમતા

કણકોટ રોડ ઉપર નિર્માણ થનારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસીટી ૧૫૦ એમએલડી (મિલિયન લીટર પર ડે ) મતલબ કે ૧૫ કરોડ લીટરની ક્ષમતા રહેશે.આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરથી હાલ નવા બનતા મોટા મવા હેડવર્કસ અને મુંજકા હેડ વર્કસ પર ૭૦ થી ૯૦ એમએલ સુધીનું પાણી સપ્લાય થશે જેનાથી હાલ ૧૫૦ ફૂટ રીંગ રોડની બંને તરફના નવા ભળેલા મોટામવા અને મુંજકા વિસ્તારના હાલના તમામ વિસ્તારોમાં પાણીની અવિરત સપ્લાય થઈ શકશે.વધુમાં સ્માર્ટસીટી અને તેની સામેના ભાગના નવા વિસ્તારને ધ્યાને રાખીને અંદાજીત ૩૦ એમએલ પાણી સપ્લાય કરવાની બાબતો પણ આવરી લેવામાં આવી છે.


પુરા રાજકોટને ચાલે તેટલી સ્ટોરેજ ક્ષમતા

હાલ નવા બનનાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જ ઇએસઆર (પાણીનો ટાંકો) બનાવવામાં આવનાર છે જેનાથી આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સામેના ભાગમાં આવનાર સમયમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભળનાર નવા વિસ્તારોમાં પણ સુગમતાના ધોરણે પાણી સપ્લાય કરી શકાય તે બાબતો ધ્યાને લેવામાં આવેલ છે.આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પૂર્ણ થયેથી પ્રથમ વખત સમગ્ર રાજકોટ શહેરના પાણીના કુલ વપરાશ જેટલી ક્ષમતા ધરાવતું સ્ટોરેજ થશે આ પ્લાન્ટથી અંદાજે ચાર લાખ લોકોને પીવાના ચોખ્ખા પાણીની સુવિધા પ્રાપ્ત થશે


વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુખ્ય ટેકનિકલ બાબતો

(૧) ન્યારી ડેમથી રો વોટર લાવવામાટે ૧૪૦૦ મિ.મિ. ડાયાની ૫૮૫૦૨ મીટર લંબાઈની એમ.એસ. રાઈઝીંગ મેઈન લાઈન

(૨) ચાર એમ એલ કેપેસીટીના કુલ ત્રણ નંગ કલેરી ફોક્યુલેટર, ઇનલેટ ચેમ્બર, સ્લજ થીકનર અને પમ્પરૂમ

(૩) જીએસઆર ગ્રાઉન્ડ સ્ટોરેજ ૬પ.૦૦ એમએલ (૬.૫૦ કરોડ લીટર),૧૨૫૦૦ ચો.મી. બિલ્ટ-અપ એરિયા જેમાં બે અથવા વધુ ભાગો હશે.

(૪) ઇએસઆર ૨૫ મીટર સ્ટેટિક ઉંચાઈ ધરાવતી પાણીની ટાંકી ત્રણ એમએલ ( ૩૦ લાખ લીટર)

(૫) ફિલ્ટર હાઉસ જેમાં ૧૪ નંગ ટવીન ફિલ્ટર બેડ

(૬) ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મર યાર્ડ, સ્વીચરૂમ, HT અને એલટી રૂમ, પુરતી કેપેસીટીના જનરેટર

(૭) કલોરીનેશન યુનિટ

(૮) પમ્પીંગ સ્ટેશન (આ એક આગવું પમ્પીંગ સ્ટેશન છે કે જેના દ્વારા ૧૫૦ એમએલ પાણી એટલેકે ૧૫ કરોડ લીટર પાણી પ્રતિ દિવસ ટ્રાન્સફર કરી શકાશે જેમાં મોટામવા હેડવર્કસ અને મુંજકા હેડવર્કસ ને ડાયરેકટ પાણી સપ્લાય કરવામાં આવશે તથા અહીંથી જ ઇએસઆર ભરીને સપ્લાય જાળવવા પમ્પીંગ થશે આ સીસ્ટમ ડયુઅલ હશે.

(૯) પ્લાન્ટ ફરતે ૧૦૧૬.૨૦ મીટર લંબાઈની કમ્પાઉન્ડ વોલ

(૧૦) એડમિનિસ્ટ્રેશન ઓફીસ, લેબોરેટરી

(૧૧) કોન્ફરન્સ હોલ, ૫૦ વ્યક્તિઓની સીટીંગ કેપેસીટી સાથે રાઉન્ડ ટેબલ, ખુરશીઓ, પ્રોજેક્ટર, ટી.વી., એરકંડીશન વિગેરે સુવિધાસભર

(૧૨) સીસીટીવી, પીઓપી,પેન્ટ્રી રૂમ, આર.ઓ. વોટરકુલર, ફ્રીજ સાથે

(૧૩) ૮ ઈલેક્ટ્રીકલ અને મીકેનીકલ આઈટમોને રીપેરીંગ તથા સ્ટોરેજ કરી શકાય તે માટે બે સ્ટોર

(૧૪) સ્ટાફ ક્વાટર્સ યુનિટ, પાર્કિંગ શેડ, સ્પેશીયલ સિકયુરીટી રૂમ, વૃક્ષા રોપણ સાથે સમગ્ર આંતરિક એરિયાનું ડેવલપમેન્ટ

(૧૫) ઝીરો લીકવીડ ડિસ્ચાર્જ એટલેકે પાણીનું એક પણ ટીપું બગાડે નહિ તે પ્રકારની ટેકનોલોજી દ્વારા અતિઆધુનિક સ્કાડા સીસ્ટમ દ્વારા પ્લાન્ટનું સંચાલન

(૧૬) પ્લાન્ટ તથા જીએસઆર વોશ આઉટ માટે નજીકના વોટર વે સુધીની ગ્રેવિટી લાઈન



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application