BREAKING NEWS

ન્યુ રિંગ રોડ ઉપર મવડીમાં સૌરાષ્ટ્રનું સૌથી ઉંચું ૩૮ માળનું બિલ્ડિંગ બનશે

  • November 26, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્માર્ટ સિટી રાજકોટ હવે મેટ્રોપોલિટન સિટી બનવા વિકાસની હરણફાળ ભરવા તરફ આગળ ધપી રહ્યું છે, દરમિયાન આજે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં ન્યૂ રિંગ રોડ ઉપર મવડી વિસ્તારમાં ૩૮ માળની ઊંચાઈના (૧૪૫ મીટર/ ૪૭૬ ફૂટ) સ્કાયલાઇન હાઇરાઇઝ બિલ્ડિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

વધુમાં આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટોલ બિલ્ડિંગ પોલિસીને અનુસરતા રાજકોટ શહેરમાં આધુનિક, સસ્ટેનેબલ અને આયોજનબદ્ધ વિકાસને વધુ વેગ મળશે. રાજકોટને મેટ્રો લેવલના વિકાસ તરફ લઈ જવું એ મહાપાલિકાનું મુખ્ય ધ્યેય છે, અને આ પ્રોજેક્ટ શહેરને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે.

રાજકોટ શહેરના અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક શહેરી આયોજનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી ઊંચી ૧૪૫ મીટર ગગનચુંબી ઇમારતના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારની ટોલ બિલ્ડિંગ પોલિસીને અનુરૂપ અને નવા વિકાસલક્ષી દ્રષ્ટિકોણને આગળ વધારતા આ નિર્ણય શહેરના અર્બન લેન્ડસ્કેપને મેટ્રોપોલિટન સ્તરે પહોંચાડશે. ૧૪૫ મીટર ઊંચી આ ઇમારત ન માત્ર સૌરાષ્ટ્રની પ્રથમ ગગનચુંબી ઇમારત બનશે, પરંતુ ભવિષ્યમાં શહેરમાં ઊભરતા આકાશી વિકાસ માટે પ્રેરક તબક્કો પણ સાબિત થશે. ઇમારતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ ડિઝાઇન, ફાયર સેફ્ટી નોર્મ્સ, ગ્રીન બિલ્ડિંગ સિસ્ટમ્સ, પુષ્કળ પાર્કિંગ, તેમજ આરામદાયક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભવિષ્યના રાજકોટની દિશામાં આ એક ઐતિહાસિક પગલું છે, રાજકોટ મહાપાલિકાના જણાવ્યા મુજબ, ટોલ બિલ્ડિંગ પોલિસી અંતર્ગત પ્રાપ્ત થતી નવી તક હેઠળ ઉંચાઈવાળા વિકાસને પ્રોત્સાહન મળશે, જેમાં શહેરની જમીનની કાર્યક્ષમતા વધશે, વધારે ઓપન સ્પેસ અને આયોજનબદ્ધ ટ્રાફિક સુગમતા મળશે, આધુનિક વ્યાપારી અને રહેણાંક પ્રોજેક્ટ્સનો માર્ગ મોકળો થશે, શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો અર્બન ડેવલપમેન્ટ મોડેલ વિકસશે.

આ ગગનચુંબી ઇમારત રહેઠાણ, બિઝનેસ અને શહેરી જીવનસુવિધાઓના ઓલ ઇન વન મોડેલ તરીકે શહેરના વિકાસને નવી દિશા આપશે. તે સાથે રોજગાર તકોમાં વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુણાત્મક સુધારો થશે. શહેરના હોરાઇઝનમાં વિશ્વસ્તરીય ઓળખ જેવા વિસ્તૃત ફાયદાઓ પ્રાપ્ત થશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલ આ મહત્વપૂર્ણ નિર્ણય સાથે રાજકોટનું ભવિષ્ય વધુ આત્મનિર્ભર, આધુનિક અને દૃઢ બની રહ્યું છે. શહેરની સ્કાય લાઇન હવે વધુ ઊંચી, વધુ મજબૂત અને વધુ આયોજનબદ્ધ બનવા જઇ રહી છે.

સૌરાષ્ટ્રની ગૌરવવંતી ગગનચુંબી ઇમારતના સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટના ડેવલપર્સ સેટ ડેવલપર્સના પાર્ટનર મનસુખભાઈ ભીમાણી છે તથા ઇમારતની આર્કિટેક્ચરલ ડિઝાઇન એન્જીનીયર ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવી છે.મંજૂર કરાયેલ આ ભવ્ય ઇમારતની ઊંચાઈ ૧૪૫.૧૫ મીટર (લગભગ ૪૭૬ ફૂટ) રહેશે.

આ ઇમારતની મંજૂરી અન્વયે ફાયરસેફ્ટી, ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન તથા વિન્ડ લોડ કેપેસિટીના તમામ સલામતી ધોરણોનું સઘન પરીક્ષણ કરવામાં આવ્યું છે. સત ડેવલપર્સના પાર્ટનર મન્સુખભાઇ એલ. ભીમાણી તથા ભાવેશ પટેલ સહિતની ટીમ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ પ્રોજેક્ટ શહેરમાં વિકાસના નવા માઈલસ્ટોન તરીકે ઉભરી આવશે. ડેવલપરએ જણાવ્યું હતું કે આ વિકાસ રાજકોટને વિકાસશીલ અને આધુનિક શહેર તરીકેની તેની ઓળખને વધુ મજબૂત બનાવશે. જ્યારે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર આકર્ષણ જ નહીં, પરંતુ વિકાસની દિશામાં વધુ એક પગલું આગળ ભરશે.


પ્રોજેક્ટની મહત્વપૂર્ણ માહિતી

૧.પ્રોજેક્ટનું નામ: સ્કાય લાઇન

૨.લોકેશન: મોજે. મવડી રે.સ.નં. ૨૭૦/પૈકી ૧, ફાઈનલ ટી.પી. ૨૮ (મવડી), એફ.પી. નં. ૩૭/૧, પ્લોટ નં. સિંગલ યુનીટ ૧

૩.એડ્રેસ: સ્કાય લાઇન, પરસાણા ચોક પાસે, ન્યૂ રીંગ રોડ, મવડી, રાજકોટ.

૪.કુલ માળ: આ પ્રોજેક્ટ ૩૮ માળનો હશે.

૫.યુનિટ્સની સંખ્યા: ૧૩૬ રહેણાંક એકમો અને ૧૨ પ્રીમિયમ વાણિજ્યિક એકમો

૬.પોડિયમ સુવિધા: બીજા માળના સ્તરે એક વિશાળ પોડિયમ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application