BREAKING NEWS

સાવરકુંડલા નગરપાલિકાનું કરોડોનું 'ભૂતીયા રોજમદાર કૌભાંડ

  • October 08, 2026 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલા નગરપાલિકામાં ભ્રષ્ટાચારની તમામ હદો વટાઈ ચૂકી હોય તેમ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાની લૂંટ ચલાવતું કુખ્યાત 'બોગસ રોજમદાર કૌભાંડ' હાલ ચરમસીમાએ પહોંચ્યું છે. સરકારશ્રીના સ્પષ્ટ અને કડક પરિપત્ર મુજબ કોઈપણ પાલિકા પ્રાદેશિક નિયામકની પૂર્વ મંજૂરી વિના એક પણ રોજમદાર રાખી શકે નહીં. તેમ છતાં, સાવરકુંડલા પાલિકાના શાસકોએ કાયદા અને નિયમોને ઘોળીને પી જઈને મનસ્વી રીતે ઢગલાબંધ રોજમદારોના નામો કાગળ પર ચડાવી દીધા અને વગર નોકરીએ લાખો-કરોડો રૂપિયાની સરકારી તિજોરી પર તરાપ મારીને પોતાના મળતિયાઓની તિજોરીઓ ભરી દીધી છે!
​આ ગંભીર કૌભાંડ મામલે જ્યારે ઉચ્ચ કક્ષાએ ભાંડો ફૂટ્યો અને સખત ફરિયાદો થઈ, ત્યારે ભ્રષ્ટાચાર છુપાવવા માટે શાસકો દ્વારા રાતોરાત પેલા 'ભૂતીયા રોજમદારો'ના નામો રેકોર્ડ પરથી ગુલ કરી દેવામાં આવ્યા હોવાના અત્યંત ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે.
​હાલ ગાંધીનગર કમિશનર કચેરીની તપાસ ટીમ સાવરકુંડલા પાલિકા ખાતે દોડી આવી છે અને તપાસ ચલાવી રહી છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે શું ટીમ માત્ર પાલિકામાં હાજર રહેલા ગણ્યાગાંઠ્યા નામો ચકાસીને સંતોષ માની લેશે? જો ગાંધીનગરથી આવેલી આ ટીમ ખરેખર નિષ્પક્ષ અને સઘન તપાસ કરવા માગતી હોય, તો તેણે ફરિયાદ થયા બાદ જે નામો રાતોરાત રેકોર્ડ પરથી કાઢી નાખવામાં આવ્યા છે તેની ફોજદારી અદાલતી ઢબે તપાસ કરવી જ પડશે. જો આ રદ કરાયેલા નામોની ફાઇલ ખોલવામાં આવે, તો જ આ કરોડો રૂપિયાની સરકારી તિજોરીની ચોરીનો અસલી પર્દાફાશ થઈ શકે તેમ છે.
​આ કૌભાંડના પુરાવાઓ સદંતર 'ઓન-રેકોર્ડ' હોવા છતાં જો રાજકીય દબાણ હેઠળ કે લાપરવાહીથી તંત્ર દ્વારા કોઈ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો જાગૃત નાગરિકો દ્વારા નામદાર હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને આ ભ્રષ્ટ વહીવટકર્તાઓને કાનૂની કઠેડામાં ઊભા કરવામાં આવશે તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાવરકુંડલાની જનતા હવે આ ખુલ્લી લૂંટ સામે ચૂપ બેસવાના મૂડમાં નથી, ત્યારે ગાંધીનગરની ટીમ આ કૌભાંડની જડ સુધી પહોંચે છે કે કેમ તેના પર સૌની મીટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application