BREAKING NEWS

જામનગર : લ્યો બોલો...ફલાયઓવર પર બસ ચલાવનારને એસટી મેનેજરે દંડ ફટકારવાની વાત કરી

  • December 17, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રર૬.૯૯ કરોડના જંગી ખર્ચે બનેલા સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના ફલાયઓવરને બનાવવાનો મુખ્ય હેતુ એ જ હતો કે, શહેરની ટ્રાફીક સમસ્યા હળવી થઇ શકે, બ્રીજના ઓપનીંગ બાદ જોવા મળ્યું કે, એસટી અને ખાનગી બસો ફલાયઓવર પર દોડતી જ નથી અને નીચે ચાલતી હોવાથી ટ્રાફીકની સ્થિતિ ઠેરની ઠેર છે, આ બાબત ઘ્યાનમાં આવ્યા બાદ મીડીયા દ્વારા એવી ટકોર કરાઇ હતી કે, એસટી અને ખાનગીની બસો ફલાયઓવર દોડવી જોઇએ, આ બાબતને કદાચ એસટીએ જુદી રીતે લીધી અને નિયામકે એક પ્રેસનોટ બહાર પાડીને એસટીને એવું ફરમાન આપ્યું કે, શહેરના જુદા જુદા સ્થળો પર સ્ટોપ કરવા મતલબ કે, સીધી વાત છે આ સ્ટોપ જાહેર કરવાથી એસટી બસો ફલાયઓવર પર નહીં ચાલે, એવું આડકતરી રીતે જાહેર કરવામાં આવ્યું.


આ બાબતનો લોકો સહિત મીડીયાએ વિરોધ કર્યો, એસટી અને ખાનગી બસો ઉપર ચાલવી જોઇએ, તેવી ટકોર કરી, અફસોસ તેનો કોઇ નિવેડો હજુ આવ્યો નથી, આ દરમ્યાન કેટલીક એસટી બસ ફલાયઓવર પર દોડતી જોવા મળી રહી છે, જેનાથી એક રીતે સારી બાબત છે કે, આખરે એસટી પણ ઉપર દોડવા લાગી, એવું ફલિત થાય છે, બીજી તરફ મુસાફરો પણ ક્ધફયુઝ છે કે, આ નિયામકે તો શહેરના ચાર સ્ટોપ જાહેર કર્યા છે અને એસટી ઉપરથી જઇ રહી છે, તો હકીકતે શું છે ?


આ વાતનો જવાબ મેળવવા ગઇકાલે આજકાલ દ્વારા જ્યારે જામનગર એસટીના મેનેજર મોરી સાથે વાત કરી ત્યારે તો નવો ધડાકો થયો, આ અધિકારીએ સત્તાની તલવાર મ્યાનમાંથી કાઢીને એવી લલકાર કરી કે, જે એસટી બસ ફલાયઓવર પર ચાલશે તેને અમે દંડ કરીશું !


લાગણી અને માંગણી એવી છે કે, એસટી તથા ખાનગી બસો ફલાયઓવર પર જ ચાલે અને સુભાષ બ્રીજની આસપાસ સ્ટોપ આપવામાં આવી શકે છે, પરંતુ એસટીના નિયામક-મેનેજર જાણે શહેર-જિલ્લાના સર્વ સત્તાધીશ હોય એ રીતે વર્તી રહ્યા છે અને પોતાની રીતે ફતવા આપી રહ્યા છે, આ બાબતે જિલ્લા કલેકટર અને મ્યુ. કમિશ્નરે એસટીના અધિકારીઓને બોલાવીને તાત્કાલિક ફલાયઓવર સંબંધેની ચોખવટ કરવી જોઇએ અને એસટી બસો ઉપર દોડે એવી સૂચના એમને આપવી જોઇએ, આ જ રીતે ખાનગી બસના સંચાલકોને પણ અધિકારીઓએ બોલાવી બસો ઉપર દોડાવવા માટે ફરજ પાડવી પડશે.


જામનગર શહેરની ટ્રાફીક સમસ્યાને હળવી કરવા રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ફલાયઓવર બનાવવામાં આવ્યો છે, જેનું ગત માસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાયઓવર ઉપર જામનગર એસટી ડેપોના નિયામક દ્વારા લેખિત રાજ્યના તમામ ડીવીઝનોને અને વડી કચેરી રાણીપ ખાતે પત્ર લખીને ફલાયઓવર બન્યા બાદ જામનગરમાં આવતી તમામ આવતી જતી બસોને ફલાયઓવર નીચે અલગ અલગ સ્ટોપ આપવામાં આવ્યા તે દર્શાવવામાં આવ્યું હતું.


પરંતુ આ સ્ટોપ જાહેર કર્યા બાદ પણ એસટીની બસો ફલાયઓવરના નીચેના બદલે ઉપરથી દોડતી જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરોમાં પણ અણસમજ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્ટોપ મુજબ બસો ફલાયઓવર નીચે ઉભી રહેતી નથી અને આજકાલના તસ્વીરકારે લીધેલ તસ્વીરમાં ફલાયઓવર પર બસ દોડતી જોવા મળી રહી છે. આ બાબતે જામનગર એસટીના મેનેજર સાથે વાત કરીએ તો તેમને દોડનાર બસના ડ્રાઇવર સામે દંડનાત્મક કાર્યવાહીની વાત જણાવી હતી. ફલાયઓવર બન્યાના મહિના દિવસ જેવો સમય થવા આવ્યો છે છતાં હજુ સુધી જામનગર ડીવીઝનના નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલ સ્ટોપના પરિપત્રનો સંપૂર્ણપણે અમલ થઇ રહ્યો નથી તે ઉપર તસ્વીરમાં દોડતી બસથી ફલિત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application