BREAKING NEWS

સ્ક્યુબ સર્વિસીસ ટુર્સના એજન્ટે ખોટી એરટિકિટ ધાબડી 14.82 લાખનો ચૂનો ચોપડયો

  • January 06, 2026 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં છેતરપિંડીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે રૈયા રોડ પર કાઠીયાવાડ પાઇપ્સ નામે પેઢી ધરાવતા વેપારીએ તેમના 30 જેટલા ડીલરો માટે બેંગકોક-પટાયાની ટૂરના બુકિગ પેટે યાજ્ઞિકરોડ પર આવેલ સ્ક્યુબ સર્વીસીસ નામની એજન્સીના એજન્ટને ૧૪.૮૨ લાખ ચૂકવી બુકિંગ કરાવ્યું હતું અને વેપારી સહિતનો કાફલો અમદાવાદ એરપોર્ટે પહોંચતા ટિકિટો બોગસ હોવાનું બહાર આવતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો રાજકોટના શાસ્ત્રીનગર ર માં રહેતા દેવીનભાઈ કાંતીલાલ ખાણદર ઉ.વ ૨૭ એ એ ડિવિઝન યાજ્ઞિક રોડ પર ગોલ્ડન કોમ્પલેશમાં આવેલી સ્ક્યુબ સર્વીસીસ નામની એજન્સીના એજન્ટ રવી અરજણભાઈ ગાઘેર રહે. નવલનગર મવડી સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું.


જેમાં ફરિયાદી રૈયારોડ પર 'કાઠીયાવાડ પાઇપ્સ" નામની પેઢી ધરાવતા હોય તેમણે તેમના ૩૦ જેટલા ડીલરો માટે બેંગકોક-પટાયાની ટૂરનું આયોજન કર્યું હતું. આ અંગે ટુર બુકિંગ માટે 'સ્ક્યુબ સર્વીસીસ' નામની

એજન્સીના એજન્ટ રવી અરજણભાઈ ગાધેરનો સંપર્ક કર્યો હતો.


રવીએ પ્રતિ વ્યક્તિ ૪૦,૪૦૦ મુજબ ૩૦ લોકો માટે એસ્ટીમેટ આપ્યું હતું,વેપારીએ ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ટૂર પેટે કુલ ૧૪,૮૨,૫૨૮ ઓનલાઈન, ક્રેડિટ કાર્ડ અને રોકડ સ્વરૂપે ચૂકવ્યા હતા.આરોપીએ વિશ્વાસ જીતવા માટે વોટ્સએપ પર પ્લેનની ટિકિટો મોકલી આપી હતી.


ત્યાર બાદ ગત ૩ જાન્યુઆરીના જ્યારે વેપારી અને તેમના ડીલરો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને કાઉન્ટર પર ટિકિટ બતાવી ત્યારે જાણવા મળ્યું કે આ તમામ ટિકિટો ખોટી છે,એરપોર્ટ પર ભાંડો ફૂટતા જ એજન્ટ રવી 'પેમેન્ટ લેવા જઉં છું' તેમ કહીને ગાડીમાંથી ઉતરી ગયો હતો અને ત્યારબાદ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાસી છૂટયો હતો.


જેથી વેપારીએ રાજકોટ આવી તપાસ કરતા એજન્ટ તેની ઓફિસ પર પણ મળી નહીં આવતા વેપારી દેવીનભાઈએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એજન્ટ રવી ગાધેર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઇ આર એમ બરાડીયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application