મગફળી સહિતની કૃષિ પેદાશોની ખરીદી તારીખ 9 નવેમ્બરથી શરૂ કરવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ અત્યાર સુધી માત્ર મગફળીની ટેકાના ભાવે ખરીદીની કામગીરીમાં વ્યસ્ત સરકારે હવે મોડે મોડે આજથી અન્ય કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે.
રાજ્ય સરકારે આજથી ડાંગર બાજરી જુવાર મકાઈ અને રાગીની ખરીદીનો પ્રારંભ કર્યો છે અને તે આગામી તારીખ 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે . ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલો જથ્થો રજીસ્ટર થયેલા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્ર આ માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાજરી માટે 150 જુવાર માટે 50 મકાઈ માટે 82 અને રાગી માટે 19 કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે.
પ્રત્યેક ખેડૂત પાસેથી 1648 કિલો બાજરી હેકટર દીઠ ખરીદવામાં આવશે. જુવાર પ્રતિ હેક્ટર 1, 539 કિલોગ્રામ અને મકાઈ હેક્ટર દીઠ 1864 કીલો ગ્રામ ખરીદવામાં આવશે. રાગી માટે હેક્ટર દીઠ 903 કિલોગ્રામનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે.
સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તેમાં બાજરીના રુ.3,075, જુવાર હાઇબ્રીડ ના રુ.3999, જુવાર માલદંડીના રૂપિયા 4049 મકાઈના રૂપિયા 2,400 અને રાગી માટે 5186 નો ભાવ નક્કી કરાયો છે. ટેકા ના ભાવે ખરીદવામાં આવતી જણસીઓમાંથી મોટાભાગની રાજ્યના એનએફએસએ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ 74 લાખ પરિવારોના 3.60 કરોડ લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે,