આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 122 બેઠકનું મતદાન થયું છે. આ મતદાનમાં 3.70 કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરેરિયા અને કિશનગંજ સહિત 11 જિલ્લામાં મતદાન થશે. આ તમામ વિસ્તાર નેપાળની સાથે સરહદ ધરાવતા ક્ષેત્ર છે.
122 મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા 1.75 કરોડ છે. 3.67 લાખ મતદારો સાથે નવાડા જિલ્લાની હિસુઓ બેઠક સૌથી મોટો મતવિસ્તાર છે. જ્યારે લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખીમાં સૌથી વધુ 22-22 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 121 મતવિસ્તારોમાં 65 ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.
મોટાભાગના જિલ્લા સીમાંચલમાં આવેલા છે અને અહીં મુસ્લિમોની વસ્તી મોટાપાયા પર હોવાથી ઇન્ડિયા બ્લોકના સારા પર્ફોર્મન્સની જવાબદારી તેના શિરે છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને શાસક પક્ષના કેબિનેટ પ્રધાન બિજેન્દ્રપ્રસાદ યાદવ સળંગ રેકોર્ડ બ્રેક સળંગ આઠમી વખત તેમની સુપૌલની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે.
આ જ રીતે તેમના કેબિનેટના સહયોગી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમકુમાર પણ આઠમી વખત તેમની બેઠક જાળવવા મેદાનમાં ઉતરશે. અન્ય જાણીતા ચહેરોઓમાં જોઈએ તો ભાજપના મંત્રી બેટ્ટિયાના રેણુદેવી અને છતપુરના નીરજકુમાર જેવા જાણીતા ચહેરાની પણ બરોબરની કસોટી થશે. આ સિવાય જેડીયુના લેશીસિંહની ધમદાહા, શીલા મંડલની ફુલપારસ અને ચૈનપુરમાં ઝમાખાનના બળાબળના પારખા થશે.
ભાજપના જ અન્ય જાણીતા ચહેરાઓમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ સળંગ પાંચમી ટર્મ માટે તેમની કટિહાર સીટ જાળવવા ચૂંટણીના જંગમાં ઉતરશે. કટિહાર જિલ્લો બલરામપુર અને કડવા વિધાનસભા બેઠકો પણ ધરાવે છે. અહીં સીપીઆઈ-એમએલના મહેબૂબ આલમ અને શકીલ એહમદ ખાન તેમની સીટ જાળવવા ત્રીજી વખત ઉતરશે.
4 લાખથી વધુ કર્મચારી તૈનાત
બીજા તબક્કાના મતદાનમાં કુલ ચાર લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. કુલ 45399 મતદાન મથકો પર મતદાન થઇ રહ્યું છે, તેમાથી 40073 મતદાન મથક ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે. કુલ મતદાતાઓમાં અડધા ઉપરાંતના એટલે કે 2.28 કરોડ જેટલા મતદાતા 30 થી 60 વર્ષની વયના છે. જ્યારે ફક્ત 7.69 લાખ મતદાતા જ 18 થી 19 વર્ષના વયજૂથમાં છે.
દિલ્હીના વિસ્ફોટ બાદ બિહારમાં હાઈ એલર્ટ
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટ બાદથી, બિહાર પણ હાઈ એલર્ટ પર છે. નવાદામાં, પોલીસ અધિક્ષક અભિનવ ધીમાને ભગતસિંહ ચોક પર બે કલાક સુધી સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, ચૂંટણી પંચના નિરીક્ષકના વાહન, આબકારી વિભાગના વાહન અને પોલીસના વાહનોની પણ તપાસ કરવામાં આવી હતી. દરેક વાહનને રોકવામાં આવ્યું હતું.
મતદારો પર લાઠીચાર્જ થઈ રહ્યો હોવાનો પપ્પુ યાદવનો આરોપ
બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે કહ્યું, પોલીંગ બૂથ નંબર 49 અને 45 માં લોકોને અંદર જવા દેવામાં આવતા નથી. મતદારો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે. મેં જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે. વર્તમાન પરિસ્થિતિ ખોટી છે. લોકશાહીની સ્વસ્થ પરંપરાઓ જાળવી રાખો. હું ફક્ત એટલું જ જાણું છું કે જે કોઈ સીમાંચલ અને કોસીને ટેકો આપશે તે સરકાર બનાવશે.
ઔરંગાબાદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાનનો બહિષ્કાર
ઔરંગાબાદ વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 54 પર મતદાનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, ગ્રામીણ મતદારો મતદાન કરવાથી દૂર રહ્યા છે. લોકોએ કહ્યું કે જિલ્લા અધિકારીઓને ચાર મહિના પહેલા જાણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બૂથમાં 353 મતદારો છે. ગ્રામજનો કહે છે કે રસ્તો બનાવવામાં આવ્યો નથી, જેના કારણે તેઓ મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે.
સવારે 9 વાગ્યા સુધીમાં 14.55 ટકા મતદાન
બિહાર ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વહેલી સવારે મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.55 ટકા મતદાન થયું હતું. રામનગર વિધાનસભા મતવિસ્તારના આઠ બૂથ પર કોઈ મતદાન થયું ન હતું. ૧૧ થી ૧૮ બૂથ પર એક પણ મતદાતા હાજર રહ્યો ન હતો. મતદાન કર્મચારીઓ બૂથ પર મતદારોની રાહ જોઈ રહ્યા હતા. નૌરંગિયા ડોન અને ગોબરહિયા ડોનના ગ્રામજનોએ સ્થાનિક મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું.
બપોરે ૧ વાગ્યા સુધીમાં બિહારમાં ૪૭.૬૨ ટકા મતદાન
બિહારમાં ચૂંટણીના બીજા તબક્કા માટે બપોરે ૧ વાગ્યા સુધીમાં, બિહારમાં ૪૭.૬૨ ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમિયાન અરરિયાના મતદાન મથક પર કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના સમર્થકોએ કોંગ્રેસના મતદારોને માર મારવાનું કહ્યું હતું. રામનગર વિધાનસભા મતવિસ્તારના આઠ બૂથ પર કોઈ મતદાન થયું ન હતું. ૧૧ થી ૧૮ બૂથ પર એક પણ મતદાતા હાજર રહ્યો ન હતો. મતદાન કર્મચારીઓ બૂથ પર મતદારોની રાહ જોઈ રહ્યા હતા. નૌરંગિયા ડોન અને ગોબરહિયા ડોનના ગ્રામજનોએ સ્થાનિક મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.