BREAKING NEWS

જામનગર શહેર ભાજપના સંગઠનની પૂર્ણ રચના માટે લેવાઇ સેન્સ

  • November 07, 2025 05:28 PM 


જામનગર શહેર ભાજપ સંગઠનની પૂર્ણ રચના માટે રાજયભરના પગલે પ્રક્રિયા શરૂ થઇ છે અને નકકી થયા મુજબ આજે તા.૭ના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે જેમાં શહેર સંગઠનના બાકીના હોદાઓ માટે દાવેદારોને સાંભળવામાં આવશે અને આ પછી ભાજપની પઘ્ધતિ મુજબ પ્રદેશ સમક્ષ નામો રજૂ કરવામાં આવ્યા બાદ કોના શીરે તાજ પહેરાવો તે નકકી થશે અને એ પછી સંગઠન પૂર્ણ થશે. 


માર્ચ મહીનામાં શહેર ભાજપ પ્રમુખ તરીકે બિનાબેન કોઠારીની વરણી થયા બાદ ઉપપ્રમુખ, મહામંત્રીઓ, મંત્રીઓ અને ખજાનચીના મહત્વપૂર્ણ પદો પર કોને બેસાડવામાં આવશે તેનો ઇન્તેજાર હતો અને રાજયકક્ષાના કેટલાક કારણોને લઇને આ પ્રક્રિયા અટકી ગઇ હતી. 



અગાઉ જણાવવામાં આવ્યા મુજબ પ્રદેશ પ્રમુખની વરણી થયા પછી અને ખાસ કરીને ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ બાદ રાજયના તમામ શહેરોના સંગઠનને પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ થશે એવી વાત બહાર આવી હતી અને મુજબ થઇ રહ્યું છે, જુદા-જુદા શહેરોમાં પ્રમુખ સિવાયના હોદાઓ માટે સેન્સ મેળવવાનું શરૂ થયું છે. 


આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી અરવલ્લીના જિલ્લા પ્રભારી રાજુભાઇ શુકલ, કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા નિરીક્ષક તરીકે આવ્યા હતાં અને પ્રદેશ મળેલી ગાઇડલાઇન મુજબ ભાજપના સ્થાનિક ધુરંધરો સેન્સ પ્રક્રિયામાં એમની સાથે જોડાયા હતાં. 


જામનગર-દેવભુમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, રાજયમંત્રી રિવાબા જાડેજા, મેયર વિનોદભાઇ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા પ્રભારી પલ્લવીબેન ઠાકર, પૂર્વ મંત્રીઓ પરમાણંદભાઇ ખટ્ટર તથા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતાં અને નિરીક્ષકો સાથે જોડાયા હતાં. 

​​​​​​​

અત્રે નોંધનીય છે કે, પ્રમુખ સિવાયના હોદાઓ માટે ભાજપમાં જે સેન્સ પ્રક્રિયા થઇ આવું પ્રથમ વખત બન્યું છે, આટલું જ નહીં આ સેન્સ પ્રક્રિયામાં પૂર્વ મંત્રીઓને પણ સામેલ કરવાનો હાઇ કમાન્ડનો જે આદેશ હતો તે પ્રક્રિયાનો નવો ભાગ દેખાય છે. 


સંભવત બપોર સુધી સેન્સની આ પ્રક્રિયા પૂર્ણ થવાની શકયતા છે અને શહેર ભાજપના ઉપરોકત હોદાઓ માટે કોણ-કોણ દાવેદારી કરે છે, કયાં હોદા માટે કેટલી દાવેદારી આવે છે તે હવે પછી સામે આવશે. 


ભાજપની પઘ્ધતિ મુજબ નિરીક્ષકો દાવેદારોના નામ લઇને પ્રદેશ સમક્ષ પહોંચશે અને આ પછી સંભવત પ્રદેશની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં દાવેદારોના નામની ચર્ચા થયા બાદ શહેર સંગઠનના હોદાઓ માટે નામ જાહેર કરવામાં આવી શકે છે. 


ભાજપ હાલમાં સૌથી મોટો રાષ્ટ્રીય પક્ષ છે, કેન્દ્રમાં, ગુજરાતમાં, મહાનગરપાલીકામાં ભાજપનું શાસન છે, ત્રીપલ એન્જીન સરકાર ચાલી રહી છે અને એટલા માટે આ પક્ષમાં જયારે કોઇ હોદા આપવાની વાત હોય ત્યારે સ્વભાવીક રીતે મોટી સંખ્યામાં દાવેદારો સામે આવતા હોય છે, એ શકયતાના અનુસંધાને આજે સેન્સ પ્રક્રિયા પછી પણ દાવેદારો મોટા પ્રમાણમાં સામે આવી શકે છે. 


આજની સેન્સ પ્રક્રિયા મહત્વની છે, ઉપરાંત સંગઠનની વરણીમાં પ્રદેશ ભાજપ તરફથી રીપીટ થીયરી ચલાવવામાં આવે છે કે નો-રીપીટ એ પણ જોવું મહત્વનું બની રહેશે, હાલમાં ઉપપ્રમુખ પદે રાજુભાઇ યાદવ તેમજ મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણીયા અને વિજયસિંહ જેઠવા મહામંત્રી પદે છે, આ ચહેરાઓમાંથી કોઇ રીપીટ થાય છે કે કેમ ? તે હાલ કહી શકાય નહીં, બની શકે કે રાજયના મંત્રીમંડળની જેમ ભાજપ યુવા ચહેરાઓને વધુ તક આપી શકે એટલે નવા ચહેરા પણ જોવા મળી શકે છે, એકાદ ચહેરો રીપીટ થવાની સંભાવના પણ નકારી શકાતી નથી.


સામાન્ય રીતે ઉપપ્રમુખ, મહામંત્રીઓ સહિતના હોદાઓ માટે પહેલા સેન્સ લેવાતી ન હતી, આ વખતે આ હોદાઓ માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હોવાથી એ બાબતનો પણ સંકેત મળે છે કે, પ્રદેશ ભાજપ હાઇ કમાન્ડ પ્રમુખ સિવાયના હોદાઓ માટે પણ કોઇ અસંતોષ થાય એવું ઈચ્છતી નથી, કદાચ એટલા માટે જ પહેલી વખત આ હોદાઓને લઇને સેન્સ મેળવવામાં આવી છે. 


એ બાબત પણ જાણીતી છે કે, ભાજપ કયારેય પોતાની રણનીતિ લીક કરવા દેતું નથી એટલે જયાં સુધી સતાવાર રીતે નામ જાહેર ન થાય ત્યાં સુધી સંભવીતોના નામ દેવા એ હવે કમસેકમ ભાજપના મામલામાં યોગ્ય લાગતું નથી એટલે જોઇએ આ હોદાઓ માટે કોને લોટરી લાગે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application