BREAKING NEWS

સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ ગગડ્યો, આઈટી શેરોમાં ભારે વેચવાલી, જાણો બજાર તૂટવા પાછળના કારણો

  • September 09, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ, કાચા તેલની વધતી કિંમતો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે પણ બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 663 વધુ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ દબાણ હેઠળ રહ્યો હતો અને ૧૬૯ પોઈન્ટના ઘટાડા સાથે 23,466ના સ્તરે ટ્રેડ થયો હતો. બજારમાં ગભરાટનો માહોલ હોવા છતાં નિષ્ણાતો લાંબા ગાળાના રોકાણકારો માટે આ ઘટાડાને ખરીદીની તક તરીકે જોઈ રહ્યા છે.

સેન્સેક્સના શેરોમાં સૌથી વધુ ઘટાડો આઈટી કંપનીઓમાં જોવા મળ્યો હતો. ઇન્ફોસિસ 4.26 ટકા ઘટીને સૌથી મોટો લૂઝર રહ્યો હતો. આ ઉપરાંત એચસીએલ ટેક 4.18 ટકા, ટેક મહિન્દ્રા 3.60 ટકા, ટીસીએસ 2.65 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.16 ટકા નીચે રહ્યા હતા.

બીજી તરફ સન ફાર્મામાં 0.77 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સમાં 0.72 ટકા, ટ્રેન્ટમાં 0.71 ટકા, અદાણી પોર્ટ્સમાં 0.59 ટકા અને કોટક મહિન્દ્રા બેન્કમાં 0.49 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

શેરબજાર પર સૌથી મોટું દબાણ પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે છે. આ તણાવના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે અને ભાવ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચતા ભારત માટે ચિંતા વધી છે. ભારત પોતાની જરૂરિયાતના મોટા હિસ્સા માટે ક્રૂડ ઓઈલની આયાત કરે છે. તેથી મોંઘું ક્રૂડ મોંઘવારી અને કંપનીઓના ખર્ચ પર પણ અસર કરી શકે છે.

આ ઉપરાંત આઈટી શેરોમાં ભારે વેચવાલી, અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિને લઈને અનિશ્ચિતતા અને વિદેશી રોકાણકારોની વેચવાલીએ પણ બજારને અસર કરી છે.

એનએસઈના આંકડા અનુસાર, મંગળવારે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 123 કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી કરી હતી. બીજી તરફ ભારતીય રૂપિયો પણ શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલર સામે 14 પૈસા નબળો પડીને 94.88 રૂપિયા પ્રતિ ડોલર પર આવી ગયો હતો.

આ પહેલાં મંગળવારે, 8 સપ્ટેમ્બરે પણ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 555.23 પોઈન્ટ એટલે કે 0.73 ટકા ઘટીને 75,577.58 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 144.05 પોઈન્ટ એટલે કે 0.61 ટકા ઘટીને 23,635.10 પર બંધ રહ્યો હતો.

હવે રોકાણકારોની નજર અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ, ક્રૂડ ઓઈલના ભાવ, વિદેશી રોકાણકારોની ખરીદી-વેચવાલી, રૂપિયાની સ્થિતિ અને અમેરિકન ફેડની આગામી નીતિ પર રહેશે. બજારના આ ઘટાડા વચ્ચે નિષ્ણાતો ગુણવત્તાયુક્ત શેરોમાં તબક્કાવાર રોકાણ કરવાની તક પણ જોઈ રહ્યા છે, જોકે ટૂંકા ગાળામાં અસ્થિરતા ચાલુ રહેવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application