શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. બીએસઈ સેન્સેક્સ, ૮૪,૧૫૦ ની નીચી સપાટીએ પહોંચ્યા પછી હવે ૫૦૭ પોઈન્ટ વધીને ૮૪,૮૯૮ પર પહોંચી ગયો છે. દરમિયાન, એનએસઈ નિફ્ટી ૧૬૧ પોઈન્ટ વધીને ૨૫,૭૫૮ના સ્તર પર પહોંચ્યો છે.
કોટક બેંક, એટરનલ, મારુતિ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બીઈએલ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, રિલાયન્સ, એલ એન્ડ ટી અને એચયુએલ સેન્સેક્સમાં ટોચના વધનારા છે.
અમેરિકામાં થતી કોઈપણ નાણાકીય હલચલની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળતી હોય છે. બુધવારે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં આ વર્ષે સતત ત્રીજીવાર કાપ મૂકવામાં આવ્યો છે. યુએસ પોલિસી રેટ 25 બેસિસ પોઈન્ટ (0.25 ટકા) ઘટાડીને 3.50-3.75 ટકાના દાયરામાં લાવવામાં આવ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં આ ઘટાડો ભારત જેવા ઊભરતા બજારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
વ્યાજ દરમાં ઘટાડો થવાથી અમેરિકામાં ડૉલરનું વળતર ઘટી જાય છે, જેના કારણે રોકાણકારો ડૉલરમાંથી નાણાં કાઢીને ઊભરતા દેશોના બજારોમાં રોકાણ કરે છે. આ સકારાત્મક સંકેત બાદ ભારતીય બજારમાં જોવા મળતી મંદી પર બ્રેક લાગી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આરબીઆઈએ પણ રેપો રેટમાં 0.25 ટકા નો ઘટાડો કરતાં 5.25 ટકા પર લાવી દીધા હતા. જેના બાદ લોકો માટે રાહતના સમાચાર આવ્યા હતા.
સૌથી વધુ આ શેરોમાં ઉછાળો આવ્યો
કારોબારની શરૂઆતમાં લગભગ 1014 કંપનીઓના શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 995 કંપનીઓના સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં તેજી વચ્ચે સૌથી વધુ ભાગનારા મુખ્ય શેરોમાં કોટક બેન્ક (2.57 ટકા), મારુતિ (1.40 ટકા), અને ટાટા સ્ટીલ (1.20 ટકા) નો સમાવેશ થાય છે. મિડકેપ શેરોમાં કિયનેસ (3.45 ટકા) અને ડીકસોન (3.40 ટકા) માં વધારો હતો, જ્યારે સ્મોલકેપ શેરોમાં નીઓજેન (14 ટકા) અને યાત્રા (10 ટકા) ના ઉછાળા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા.