પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર વૈશ્વિક બજારો પર જોવા મળી રહી છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અનિશ્ચિતતાના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જોકે, ગુરુવારે શરૂઆતના કારોબારમાં ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રહ્યા હતા. બીજી તરફ, સતત લગભગ સાત દિવસથી ચાલી રહેલા ભારતીય શેરબજારના ઘટાડા પર પણ બ્રેક લાગી છે અને બજારમાં ફરી તેજી જોવા મળી છે. આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળ્યો અને તે 77,611ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 187 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થયો હતો. સેન્સેક્સના ટોપ-30 શેરોમાં લગભગ તમામ શેર લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. લગભગ એક અઠવાડિયા બાદ બજારમાં પરત આવેલી તેજીએ રોકાણકારોમાં ઉત્સાહ વધાર્યો છે.
આજે ભારતીય શેરબજારમાં ફરી તેજી જોવા મળી. બજાર ખુલ્યા બાદ સેન્સેક્સના લગભગ તમામ શેર લીલા નિશાનમાં જોવા મળ્યા. માત્ર ટાટા સ્ટીલનો શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં ઇટર્નલ, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ફોસિસ અને બજાજ ફાઇનાન્સ આગળ રહ્યા હતા. ઇટર્નલનો શેર 2.28 ટકા, કોટક બેંક 1.80 ટકા, ઇન્ફોસિસ 1.66 ટકા અને બજાજ ફાઇનાન્સ 1.65 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યા હતા.
સતત ઘટાડા બાદ બજારમાં ખરીદી વધતા રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. તાજેતરના સાત સેશનના ઘટાડા બાદ ગુરુવારે નિફ્ટીએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ તેજીમાં આઈટી અને બેન્કિંગ શેરોનો મોટો ફાળો રહ્યો હતો. બજાર ખુલ્યા બાદ આઈટી ઇન્ડેક્સમાં પણ સારી તેજી જોવા મળી હતી. ઇન્ફોસિસ સહિતની મોટી આઈટી કંપનીઓના શેરોમાં ખરીદી વધતાં બજારને મજબૂતી મળી હતી.
હવે રોકાણકારોની નજર વૈશ્વિક બજાર, ક્રૂડ ઓઇલના ભાવ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર રહેશે. છેલ્લા કેટલાક દિવસોમાં આ પરિબળોને કારણે ભારતીય શેરબજાર પર દબાણ જોવા મળ્યું હતું. ગુરુવારે બજારમાં આવેલી તેજીથી રોકાણકારોને ચોક્કસપણે રાહત મળી છે.