અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા અને તેનાથી સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. યુદ્ધને કારણે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પ્રિ- ઓપનીંગના સેન્સેક્સ ૭૨૦૦ પોઈન્ટ ડાઉન થયો હતો. પરંતુ બજાર ખુલતા સેન્સેક્સ 2,743 પોઈન્ટ અથવા 3.38 ટકા ઘટીને 78,543 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 519 પોઈન્ટ અથવા 2.06 ટકા ઘટીને 24,659 પર બંધ થયો. બેંક નિફ્ટી 1,300 પોઈન્ટથી વધુ ઘટી ગયો. શેરબજાર થોડા સમય બાદ રીકવરી મોડ પર આવી ગયું. સેન્સેક્સ 1,000 પોઈન્ટ અથવા 1.21 ટકા ઘટીને 80,282 પર ટ્રેડ થયો, અને નિફ્ટી 300 પોઈન્ટ ઘટીને 24,900 ની સપાટી પર ટ્રેડ થયો હતો.
યુદ્ધની સ્થિતિના પરિણામે સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીના ભાવમાં આજે એકાએક મોટો ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજારમાં એમસીએક્સ પર ચાંદીના ભાવમાં આજે એકઝાટકે રૂ.10,056નો તોતિંગ વધારો થયો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ. 2,82,644 હતો, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ ભાવ ઉછળીને રૂ. 2,92,700ની સપાટીએ પહોંચી ગયા હતા. સોનાના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ રૂ. 1,62,104 હતો, જે આજે વધીને રૂ. 1,67,915ના સ્તરે ખૂલ્યો છે, આમ સોનામાં પ્રતિ દસ ગ્રામ રૂ. 5,811નો જંગી ઉછાળો નોંધાયો છે.
ક્રૂડ ઓઇલના ભાવ 10 ટકાથી વધુ ઘટી ગયા છે. નિષ્ણાતો કહે છે કે જો યુદ્ધ ચાલુ રહેશે, તો ઘટાડો વધુ ગંભીર બની શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલર સુધી પહોંચી શકે છે.
બીએસઈના ટોચના 30 શેરોમાંથી 29 શેરોમાં તીવ્ર ઘટાડો થયો, જેમાં ફક્ત બીઈએલનો શેર 1 ટકા વધ્યો. ઇન્ડિગોના શેર લગભગ 5 ટકા, એલ એન્ડ ટીનો શેર લગભગ 4 ટકા, અદાણી પોર્ટ્સનો શેર 3 ટકા અને ઈટર્નલનો શેર 2 ટકા ઘટ્યો.
ઓટો, એફએમસીજી, આઈટી, બેંકો, આરોગ્યસંભાળ, નાણાકીય અને અન્ય તમામ ક્ષેત્રો લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ વળ્યા હોવાથી ફક્ત મેટલ ક્ષેત્રમાં જ વધારો જોવા મળ્યો. બધા ક્ષેત્રોમાં લગભગ 1 ટકાનો ઘટાડો થયો.
ઈરાન પરના હુમલાને કારણે આજે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન, બીએસઈ પર 3,660 એક્ટીવ શેરોમાંથી, 510 શેરોમાં સુધારો થયો, જ્યારે 2,985 શેરોમાં ઘટાડો થયો, અને 165 યથાવત રહ્યા. 43 શેર 52-સપ્તાહના ઉચ્ચતમ સ્તર પર, 663 52-સપ્તાહના નીચલા સ્તર પર બંધ થયા, અને 162 શેરો નીચા સર્કિટ પર બંધ થયા.
એશિયન બજારોમાં પણ ઉથલપાથલ
ભારતીય બજારની સાથે, અન્ય એશિયન બજારોમાં પણ ઉથલપાથલ જોવા મળી. જાપાનનો નિક્કી 225 874.07 પોઈન્ટ ઘટીને 57,976.20 પર ખુલ્યો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 11.08 પોઈન્ટ ઘટીને 4,151.80 પર ખુલ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ શરૂઆતના વેપારમાં 2 ટકા થી વધુ ઘટીને 324.96 પોઈન્ટ ઘટીને 26,305.58 પર બંધ થયો. તાઇવાન સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક 2.3 ટકા ઘટીને 137.01 પોઈન્ટ ઘટીને 35,277.48 પર ખુલ્યો હતો.
રોકાણકારોના રૂ.8 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે આજે રોકાણકારોને ભારે નુકસાન થયું. બીએસઈ માર્કેટ કેપમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. શુક્રવારે, બીએસઈ માર્કેટ કેપ રૂ. 463.50 લાખ કરોડ હતું, જે સોમવારે લગભગ રૂ. 457.50 લાખ કરોડ થયું. આ રોકાણકારોના મૂલ્યાંકનમાં રૂ. 8 લાખ કરોડનું નુકસાન દર્શાવે છે.