વિશ્વભરના શેરબજારોમાં ઘટાડાનું વાતાવરણ હોવા છતાં ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ધનતેરસના દિવસે સેન્સેક્સ ૭૩૪ ઉછળીને ૮૦,૦૦૪ સપાટી પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ આશરે ૧૬૬ પોઇન્ટનો વધારો નોંધાયો હતો અને તે 24,702ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતીય શેરબજારમાં સતત સાતમા દિવસે તેજી નોંધાઈ છે. 28 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન સેન્સેક્સમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉના દિવસે પણ શેરબજારમાં આ વર્ષની બીજી સૌથી મોટી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 2,009 પોઇન્ટના ઉછાળા સાથે 79,310 પર બંધ થયો હતો. આ પહેલાં 8 એપ્રિલના રોજ સેન્સેક્સમાં 2,946 પોઇન્ટનો મોટો ઉછાળો નોંધાયો હતો.
અમેરિકાના શેરબજારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત શેરોમાં ભારે વેચવાલી અને સેમિકન્ડક્ટર કંપનીઓના શેરોમાં ઘટાડાને કારણે વૈશ્વિક બજારોમાં નબળાઈ જોવા મળી હતી. અમેરિકાનો નાસ્ડેક કમ્પોઝિટ 5.52 ટકા, એસ એન્ડ પી 500માં 4.36 ટકા અને ડાઉ જોન્સમાં 3.44 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એશિયન બજારોમાં પણ તેની અસર જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ 225 પાંચ ટકાથી વધુ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી છ ટકાથી વધુ તૂટ્યો હતો. ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગના હેંગસેંગમાં પણ ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 2.35 ટકાનો વધારો નોંધાયો હતો અને તે પ્રતિ બેરલ 100.6 ડોલર પર પહોંચ્યો હતો. આમ, વૈશ્વિક બજારોની નબળાઈ છતાં વિદેશી રોકાણકારોની ખરીદી અને કંપનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામોના સહારે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત રહ્યો હતો.
વૈશ્વિક મંદી છતાં ભારતીય બજારે કેવી રીતે મજબૂતી જાળવી રાખી?
વિશ્વના બજારોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારને વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદીથી મજબૂતી મળી રહી છે. એક્સચેન્જના આંકડા અનુસાર, ગઈકાલે વિદેશી રોકાણકારોએ આશરે રૂ.14,974.68 કરોડના શેર ખરીદ્યા હતા. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં તેમનું કુલ ચોખ્ખું રોકાણ રૂ.35,781 કરોડ રહ્યું હતું.
અમેરિકી શેરબજારમાં ૧૮ મહિનાનો સૌથી મોટો ઘટાડો: ટ્રમ્પે ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવ્યા
અમેરિકી શેરબજારમાં છેલ્લા ૧૮ મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. નાસ્ડેક ૫.૫ટકા, ડાઉ જોન્સ ૩.૪ટકા અને એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ ૪.૩ટકા નીચે ગબડ્યા હતા. આ મંદીના પરિણામે, એક જ દિવસમાં અમેરિકી શેરબજારના બજાર મૂલ્યમાં ૨.૫ ટ્રિલિયન ડોલર આશરે રૂ. ૨૩૬ લાખ કરોડનો ઘટાડો થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટાડા માટે મધ્યસત્ર ચૂંટણીઓ અને ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવ્યા હતા. ભારે વેચવાલી અને એઆઈ ક્ષેત્રે કડક નિયમનો લાવવાની ચર્ચાઓને કારણે રોકાણકારોને આ નુકસાન વેઠવું પડ્યું છે. છેલ્લા ૧૮ મહિનામાં નાસ્ડેક ઇન્ડેક્સ માટેનો આ એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે, જ્યારે એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ માટે એપ્રિલ ૨૦૨૫ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે.