રાજ્યમાં એક બાજુ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા પ્રગતિયાત્રાઓનું આયોજન સાફલ્યગાથા વર્ણવવા આવી રહી છે જયારે બીજી બાજુ આરોગ્ય જેવા અતિ મહત્વના મુદ્દે રાજકોટ સિવિલ હોસ્પિટલની સ્થિતિ ખુબ ગંભીર હોવા છતાં આરોગ્ય મંત્રાલય દ્વારા કે નેતાઓ દ્વારા કોઈ વ્યવસ્થા હાથ ધરવામાં આવતી ન હોવાથી દર્દીઓની સારવાર ઉપર દિવસેને દિવસે ગંભીર અસર પડવાની સાથે હવે નર્સિંગ કર્મચારીઓની હાલત પણ બદતર થવા પામી છે, સિવિલ અને ઝનાનામાં મોટાભાગના ઓપરેશન થિયેટરમાં માસ્ક પણ મળતા ન હોવાથી તબીબો અને નર્સીંગ સ્ટાફ એકને એક માસ્કનો બે થી ત્રણ દિવસ સુધી ઉપયોગ કરી જાતને પણ ઈન્ફેક્ટેડ કરી રહ્યા છે, આવી કુત્રિમ મેડિકલી વસ્તુઓની અછત ઉભી થવા છતાં હોસ્પિટલ તંત્ર હજુએ ટેન્ડર પ્રક્રિયામાં ઘૂંચવાયેલુ જોવા મળી રહ્યું છે.
એક બાજુ સરકારના જીએમસીએસએલ માંથી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની પણ પૂરતી સપ્લાય મળી રહી નથી બીજી બાજુ લોકલ ખરીદી ઉપર બ્રેક મારી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રકિયા છેલ્લા ચાર મહિનાથી ઘોચમાં પડી છે જેને લઈને સિવિલ અને ઝનાનાના એક એક વોર્ડમાં મેડીકલી વસ્તુઓની મોટી ઘટ ઉભી થઈ છે, જો આવું હજુ વધુ દિવસો સુધી ચાલશે તો દર્દીઓની સારવાર ઉપરની અસર તો ઠીક મેડીકલી વસ્તુઓના અભાવે મૃત્યુ પણ થઇ શકે એવી અતિ ગંભીર સ્થિતિ ઉભી થઇ શકે છે. આ મામલે લિકર પરમીટથી લઈ સારવાર માટે ભલામણો કરતા નેતાઓ પણ સરકારમાં ધ્યાન દોરી સિવિલને મેડિકલી વસ્તુઓના દુકાળમાંથી ઉગારે એ ખુબ જરૂરી છે.
મેડિકલી વસ્તુઓની કટોકટી સર્જાઈ ત્યાં સુધી સિવિલ તંત્રએ ટેન્ડરનો જ "ટ" ઘૂંટ્યા રાખ્યો
પાણીની સંગ્રહ શકતી વધારવા માટે ઉનાળાના સમયથી ડેમ, તળાવની રિપેરિંગની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ જો ચોમાસા સમયે રીપેરીંગનું કામ કરવામાં આવે તો તંત્રને પણ લોકો મૂર્ખ કહી હાંસી ઉડાવે છે, ટૂંકમાં કહીએ તો પાણી પહેલા પાળ બાંધવી પડે, પણ સિવિલમાં પાણી જ નહીં પૂર આવી ગયું ત્યાં સુધી હોસ્પિટલનું તંત્ર પાળ બાંધી ન શકતા હવે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે, પારદર્શક વહીવટ જરૂરી છે અને તેના માટે જ નવી ટેન્ડર પ્રકિયા કરવામાં આવી એ સારી બાબત છે પરંતુ એ પૂર્વે મેડીકલી વસ્તુઓની કટોકટી ન સર્જાય એ માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ જરૂરી હોય છેલ્લા ચાર મહિનાથી હોસ્પિટલનું તંત્ર ટેન્ડરનો ટ જ ઘૂટતું હોવાથી આજે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે.