એલસીબીનો દરોડો : રોકડ, બાઇક, મોબાઇલ મળી ૧.૬૭ લાખનો મુદામાલ કબ્જે
જામનગરના ગોકુલનગર પાણાખાણ શેરી નં. ૧માં એક મકાનમાં તિનપતી જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી સાત શખ્સોને દબોચી લીધા છે, તેની પાસેથી ૮૦ હજારની રોકડ અને મોબાઇલ તથા એક બાઇક મળી ૧.૬૭ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહીબીશન તથા જુગારના કેસો શોધી કાઢવા જણાવેલ હોય જેથી જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબી પીઆઇ વી.એ.મ લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ પી.એન. મોરી તથા પીએસઆઇ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે શહેરમાં ગોકુલનગર પાણાખાણ શેરી નં. ૧ પીઠડ પાનની બાજુમાં નારણ ડેર નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસો ભેગા કરી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.
રેઇડ દરમ્યાન ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાણાખાણના નારણ ઉર્ફે ભીખો વેજાણંદ ડેર, ગોકુલનગરના વેપાર કરતા વનરાજ સવજી પારજીયા, ખોડીયારનગરના રમેશ બાબુ મકવાણા, ગોકુલનગરના નવાનગરમાં રહેતા ભીખુ પોલા ડાંગર, સંજય બાબુ તરાવીયા રહે. લાલપુર બાયપાસ સિલ્વર પાર્ક, અજય ભીખુ જંડાલીયા, ગોવિંદ નાથા રાઠોડ રહે. ગોકુલનગર ખોડીયારનગરને રોકડા ૮૦૪૭૦ તથા ૭ મોબાઇલ કિ. ૨૭ હજાર એક મોટરસાયકલ કિ. ૬૦ હજાર મળી કુલ ૧.૬૭.૪૭૦ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.