BREAKING NEWS

થાઈલેન્ડમાં પૂરથી ભારે તબાહી: અત્યાર સુધીમાં 31 લોકોના મોત, બેંગકોક આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર

  • October 05, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થાઈલેન્ડમાં મુસળધાર વરસાદ અને અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી દીધી છે. કુદરતી આપત્તિના કારણે અત્યાર સુધીમાં 31 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 35 લાખથી વધુ લોકો આ પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મિટિગેશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર વીકેન્ડ અને સોમવારે પડેલા ભારે વરસાદના કારણે રાજધાની બેંગકોકના મોટાભાગના વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં કાર અને અન્ય વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બેંગકોકમાં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે તંત્રે શહેરને અધિકૃત રીતે 'આપત્તિ-પ્રભાવિત ક્ષેત્ર' જાહેર કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે સતત બીજા દિવસે પણ તમામ શાળાઓ બંધ રાખવામાં આવી હતી અને લોકોને ઘરેથી જ કામ (વર્ક ફ્રોમ હોમ) કરવાની અપીલ કરવામાં આવી છે. પૂરના પાણી ભરાવાને કારણે બેંગકોક એરપોર્ટ પર ફ્લાઈટ્સના પરિચાલનને પણ મોટી અસર પહોંચી છે. પૂર વચ્ચે લોકો પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.


આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક લોકોની અનુકૂલન ક્ષમતા પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયો અનુસાર, સ્થાનિક વેપારીઓએ શોપિંગ મોલ બહાર ભરાયેલા પૂરના પાણી વચ્ચે જ અસ્થાયી 'ફ્લોટિંગ માર્કેટ' (તરતી બજાર) શરૂ કરી દીધી હતી. વેપારીઓ ફ્લોટિંગ પ્લેટફોર્મ અને ફોમ બોક્સનો ઉપયોગ કરીને પૂરના પાણી વચ્ચે જ માછલીઓ અને શાકભાજી વેચતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત દુકાનો અને સુપરમાર્કેટમાં પાણી ભરાયા હોવા છતાં લોકો કામકાજ કરતા જોવા મળ્યા હતા.



થાઈલેન્ડના હવામાન વિભાગે વધુ આકરી ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે બુધવાર સુધી ઉત્તરી થાઈલેન્ડના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડું, તીવ્ર પવન અને અતિભારે વરસાદ ચાલુ રહેશે. આ સિવાય બેંગકોક સહિત મધ્ય, પૂર્વ અને દક્ષિણ ક્ષેત્રોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેનાથી અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) નો ખતરો વધુ વધી શકે છે. પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News