જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાના મોટાભાગના શિક્ષકો એસઆઇઆરની કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં ધો.૩ થી ૮ માં વાંચન, લેખન, ગણન અભિયાનના ફતવાથી ભારે દેકારો બોલી ગયો છે. મતદાર યાદી સઘન સુધારણાની કામગીરીના કારણે સરકારી શાળાઓમાં શિક્ષકોને ભણાવવાનો સમય મળતો નથી ત્યારે આ અભિયાન અંતર્ગત ઉપચારાત્મક શિક્ષણકાર્યના ભારથી અનેક સવાલ ઉઠ્યા છે. બીજી બાજુ એસઆઇઆરની લાંબી, જટીલ અને માથના દુ:ખાવારૂપ કામગીરીથી રોષે ભરાયેલા શિક્ષકોમાં હવે તો બસ કરોનો સૂર ઉઠ્યો છે. નવાઇની વાત તો એ છે કે, એસઆઇઆર કામગીરીના ભારણથી રાજયમાં બીએલઓ શિક્ષકોના મૃત્યુના કિસ્સા પણ બન્યા હોવા છતાં તેમાંથી કોઇ બોધપાઠ શિક્ષણ વિભાગ દ્રારા લેવામાં આવ્યો ન હોવાની ફરિયાદો પણ શિક્ષકોમાં ઉઠી છે.
જામનગર સહીત રાજયભરમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી ચાલી રહી છે. એસઆઇઆરની આ કામગીરીમાં બીએલઓ તરીકે મોટાભાગના શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. આથી સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે પણ સમય મળતો ન હોય કોર્સ પૂરા કયારે થશે તે સળગતી સમસ્યા બની છે. એસઆઇઆરની કામગીરીના ભારે દબાણથી બીએલઓ શિક્ષકોના મૃત્યુના બનાવો પણ રાજયમાં બન્યા છે. આ સ્થિતિમાંથી શિક્ષણ વિભાગે બોધપાઠ લેવાને બદલે નીતનવા ફતવાની કાર્યપ્રણાલી યથાવત રાખી છે. કારણ કે, ૩ ડીસેમ્બરના જીસીઇઆરટી, પ્રાથમિક શિક્ષણ નિયામક અને સમગ્ર શિક્ષાની વડી કચેરીએ જામનગર સહીત રાજયના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને ધો.૩ થી ૮ માં વાંચન, લેખન, ગણન અભિયાનમાં સાતત્ય જાળવવા પરિપત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યાનુસાર ગત તા.૬ થી ૧૪ નવેમ્બર દરમ્યાન ધો.૩ થી ૮ના છાત્રને ધોરણ અનુરૂપ વાચન, લેખન અને ગણન શીખડાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારે આ અભિયાન અંતર્ગત જે તે વર્ગ શિક્ષકોએ સઘન ઉપચારાત્મક શિક્ષણની જરિયાતવાળા વિધાર્થીઓની કરેલી ઓળખ અનુસાર ઉપચારાત્મક શિક્ષણકાર્ય આગામી સમયમાં પણ ચાલુ રાખવાનું છે. આ માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. જેમાં શાળાના નિયત સમયપત્રક મુજબ જે તે વર્ગ-વિષય શિક્ષક દ્રારા જે તે ધોરણ-વિષય અંતર્ગત મુખરવાચન, વાચન અર્થગ્રહણ, શ્રુતલેખન અને સ્વતંત્ર લેખનની કામગીરી કરવાની રહેશે. જે બાળકોને બીલકુલ વાંચતા નથી આવડતું અને કેટલાક અક્ષરો કે અંકો ઓળખવામાં પણ તકલીફ છે તેવા વિધાર્થીઓને મૂળભૂત વાચન અને અંકજ્ઞાન શીખવવા સૂચના અપાઇ છે. તદઉપરાંત બાળકોને પોતાના ધોરણના જે તે વિષય અંતર્ગત સતત મુખર વાચન અને વાચન અર્થગ્રહણ તેમજ સ્વતંત્ર લેખનનો મહાવરો કરાવવો. જે બાળકો અર્થગ્રહણ કરી શકતા નથી તેઓને વર્ગખંડ પ્રક્રીયા દરમ્યાન વારંવાર મુખર વાંચન કરાવવું. દરેક વિષયમાં બાળકોને વર્ગકાર્ય દરમ્યાન જે કંઇ લેખન કરવાનું આવે તે લેખન કાર્ય શ્રુતલેખન અથવા સ્વતંત્ર લેખન દ્રારા કરાવવું. કોઇપણ સંજોગોમાં અનુલેખન ન કરાવવા ખાસ તાકીદ કરાઇ છે.
પરંતુ હાલમાં જામનગરની સરકારી શાળાના મોટાભાગના શિક્ષકો એસઆઇઆરની કામગીરીમાં વ્યસ્ત છે. આમ છતાં વાંચન,લેખન અને ગણનના અભિયાનમાં સાતત્ય જાળવવાના ફતવારૂપી પરિપત્રથી શિક્ષકોમાં ભારે રોષ સાથે દેકારો બોલી ગયો છે. ત્યારે શિક્ષણકાર્ય ઉપરાંત એસઆઇઆર અને અન્ય કામગીરીના સતત ભારણ અને દબાણથી વધુ કોઇ શિક્ષક મહામૂલી જીંદગી ગુમાવશે તો જવાબદાર કોણ તે સવાલ પણ જોરશોરથી ઉઠ્યો છે.
ફેબ્રુઆરીમાં ધો.૩ થી ૮ ના બાળકોનું બાહ્ય મૂલ્યાંકન કરાશે
આગામી ફેબ્રુઆરી મહીનામાં ધો.૩ થી ૮ ના તમામ બાળકોનું વાચન, લેખન અને ગણનનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. આથી બાળકો પોતાના ધોરણ મુજબના સ્તરનું વાચન, લેખન અને ગણન કરી શકે તે અપેક્ષીત હોવાનું પરિપત્રમાં જણાવાયું છે. આટલું જ નહીં બાહ્ય મૂલ્યાંકન દરમ્યાન જે તે ધોરણના કોઇપણ વિષયમાંથી મુખર વાચન, વાચન અર્થગ્રહણ, શ્રુત લેખન અને સ્વતંત્ર લેખનની ચકાસણી કરવામાં આવશે. આથી અભિયાનને સફળ બનાવવા ધો.૩ થી ૮ ના તમામ શિક્ષકો વર્ગખંડ કાર્ય કરે તે અંગે સૂચના આપવા જણાવાયું છે. ત્યારે શિક્ષકો એસઆઇઆરની કામગીરી કરે કે અભિયાનને સફળ બનાવે તે સળગતો સવાલ ઉઠ્યો છે.