ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક સણસણતા નિવેદને રાજ્યના રાજકારણમાં નવી હલચલ મચાવી દીધી છે. વાઘેલાએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો હેતુ કોઈપણ પાર્ટીના સર્ટિફિકેટ વગર માત્ર ને માત્ર ગુજરાતની જનતાના પ્રશ્નો માટે સક્રિય રીતે લડવાનો છે. તેમણે નકારાત્મક રાજકારણથી દૂર રહીને પ્રજાકીય મુદ્દાઓના વ્યવહારુ ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે. પોતાની કામગીરી અને જનસેવાના જોરે આગળ વધવાનો નિર્ધાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે જાહેર જીવનમાં કોઈની મહેમાની વગર જનતાની શક્તિ એટલે કે "પીપલ પાવર"ને કેન્દ્રમાં રાખીને કામ કરવામાં આવશે.
કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર વિરામ મૂકતા શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં જોડાવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, કારણ કે તેમનો મુખ્ય લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટી સામે લડવાનો અને તેને સત્તા પરથી હટાવવાનો છે. કોઈપણ ચૂંટણી જીતવા માટે ૧૨ મહિનાનું અગાઉથી આયોજન કરવું પડે છે અને લોકો વચ્ચે જઈને વિશ્વાસ સંપાદિત કરવો પડે છે. તેમણે ઉમેર્યું કે, "મારે કંઈ મેળવવું નથી, જો મારી સાથે કોઈ નહીં આવે તો પણ હું એકલો લડીશ. મારે કોઈની 'એ' કે 'બી' ટીમ હોવાના સર્ટિફિકેટની જરૂર નથી."
પોતાની આગામી રાજકીય રણનીતિ અંગે ફોડ પાડતા તેમણે જણાવ્યું કે ૨ ઓક્ટોબરના રોજ ગુજરાતમાં એક વિશાળ 'વિશ્વાસ સંમેલન'નું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જનસમર્થન એકત્રિત કરવાનો પ્રયાસ હાથ ધરાશે. ભાજપ સામે સીધી ટક્કર ઝીલવા માટે તેઓ એક નવી 'ફોજ' તૈયાર કરી રહ્યા છે. કોંગ્રેસ અંગે વાત કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાની રીતે નિર્ણય લેશે, પરંતુ જો તેમને લાગશે કે મારો ઉપયોગ કરવો છે તો તેઓ સંપર્ક કરશે. હાલના તબક્કે મારે ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને મારો નિર્ણય કરવાનો છે અને તૈયારીઓ માટે મારી દ્રષ્ટિએ મોડું થઈ ગયું છે.
ગુજરાતના મુખ્ય જ્વલંત પ્રશ્નો અંગે સરકાર સામે કડક વલણ અપનાવતા પૂર્વ મુખ્યમંત્રીએ દારૂબંધીના અમલીકરણ, વધતી જતી મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર સીધો હુમલો બોલ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે પ્રજાના પ્રશ્નો સાંભળીને માત્ર વિરોધ કરવો પૂરતો નથી, પરંતુ દરેક સમસ્યાનું યોગ્ય સોલ્યુશન પણ આપણી પાસે છે. આગામી ચૂંટણીઓ પૂર્વે શંકરસિંહ વાઘેલાની આક્રમક જનસંપર્ક ઝુંબેશ અને સંગઠનાત્મક હિલચાલને કારણે રાજ્યના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો આવી ગયો છે.