શાંતિદૂત, સંહારદૂત, કલ્યાણદૂત

  • July 21, 2023 02:10 PM 

મહાભારતના યુધ્ધમાં કૃષ્ણની ભૂમિકા ત્રણ સ્તરે તપાસવી આવશ્યક છે. યુધ્ધ પહેલા સંધિ માટેના પ્રયાસો, યુધ્ધ વખતે પાંડવોને વિજેતા બનાવવા માટેના પ્રયાસો અને યુધ્ધ પછી પાંડવોને બચાવવા માટેના પ્રયત્નો. યુધ્ધ પહેલાં કૃષ્ણ શાંતિદૂત હતાં, યુધ્ધ વખતે સંહારદૂત હતાં અને યુધ્ધ પછી કલ્યાણદૂત હતાં. મહાયુધ્ધ આવશ્યક અને અનિવાર્ય છે એ જાણતા હોવા છતાં કૃષ્ણએ શાંતિ માટે બનતા પ્રયાસો કર્યા. પણ, યુધ્ધ અનિવાર્ય જ છે એ જાણતા હોવાના કારણે એમના પર સતત દોષારોપણ થયું કે તેમણે યુધ્ધ અટકાવ્યું નહીં. આ દોષારોપણ પછીથી ત્યાં સુધી લંબાયું કે કૃષ્ણએ યુધ્ધ કરાવ્યું. કૌરવ પક્ષના દુર્યોધનથી માંડીને કર્ણ અને અશ્ર્વત્થામા સુધીના યોધ્ધાઓ એક અથવા બીજા તબકકે એવું જતાવ્યું જ હતું કે કૃષ્ણએ આ યુધ્ધ કરાવ્યું. યુધ્ધ પછી ગાંધારીએ પણ આ જ આરોપ લગાવ્યા.


અશ્ર્વત્થામાનો મણી લઇને જીવતો જવા દીધા પછી જ્યારે પાંડવો દ્રોપદી પાસે આવ્યા ત્યારે ભીમે પાંચાલીના હાથમાં મણી આપીને જે શબ્દો કહ્યા તે યુધ્ધ થવામાં દ્રોપદીની ભૂમિકા સ્પષ્ટ કરી આપનાર છે. પોતાના પુત્રોને અશ્ર્વત્થામાએ વાઢી નાખ્યા તેના શોકમાં આક્રંદ કરતી દ્રોપદીને ભીમે સમજાવી કે ક્ષત્રિયાણીના પુત્રો યુધ્ધમાં મરે ત્યારે તેણે શોક કરવો જોઇએ નહીં કારણ કે ક્ષાત્રધર્મ જ યુધ્ધમાં ખપી જવાનો છે. યુધ્ધ થવા પાછળ તારી જીદ પણ કારણભૂત છે એવું સમજાવવા માટે ભીમે કહ્યું ‘વાસુદેવ કૃષ્ણ જયારે શાંતિ સ્થાપવા માટે નીકળ્યા ત્યારે તેં જે વચનો કહ્યાં હતાં તે યાદ કર. જો મારા પતિઓ શાંતિ સ્થાપવા ઇચ્છતા હોય તો હું સમજું છુ કે મારા પતિઓ મારા નથી, મારા પુત્રો મારા નથી, મારા ભાઇઓ મારા નથી અને હે ગોવિંદ, તમે પણ મારા નથી. તેં આ કઠોર વચનો કહ્યાં હતાં તે યાદ કર. (તું યુધ્ધ ઇચ્છતી હતી અને એ ક્ષાત્રધર્મને અનુ‚પ હતું, હવે એ જ ક્ષાત્રધર્મને યાદ કરીને શોક મૂકી દે.)


જે પ્રશ્ર્ન અગાઉ ધૃતરાષ્ટ્રએ પૂછયો હતો એ જ પ્રશ્ર્ન યુધિષ્ઠિરે કૃષ્ણને પૂછ્યો, આ અશ્ર્વત્થામા યુધ્ધમાં કોઇ પરાક્રમ કરી શકયો નહીં અને આજે કેમ આટલો શક્તિશાળી બની ગયો કે અસંખ્ય મહારથીઓને તે એકલે હાથે મારી શકયો ? કૃષ્ણએ જવાબ આપ્યો કે તેણે શંકરને પ્રસન્ન કર્યા હતાં એટલે તે સમગ્ર છાવણીનો વિનાશ કરી શકયો. અને પછી કૃષ્ણ શંકરનું મહાત્મ્ય સમજાવતી કથા કહે છે જેમાં દેવતાઓએ શંકરને યજ્ઞભાગ ન આપ્યો તેનાથી ક્રોધે ભરાઇને મહાદેવે લોકયજ્ઞ દ્વારા ધનુષ્યનું સર્જન કર્યું. અહીં શંકરને લોકગુ‚ તથા તેમના યજ્ઞને લોકયજ્ઞ કહેવામાં આવ્યો છે. દેવતાઓએ મહાદેવને પોતાનામાંનાં નહીં ગણીને તેને યજ્ઞભાગ ન આપ્યો એ બાબતને આ શબ્દોના પ્રકાશમાં સમજવા જેવી છે. કૃષ્ણ કથામાં અગાઉ કહે છે કે બ્રહ્માએ આદી-અજન્મા મહાદેવને જોયા એટલે તેમને પ્રજાનું સર્જન કરવાનું કહ્યું મહાદેવે તથાસ્તુ કહીને બ્રહ્માને રવાના કર્યા પણ પ્રજા ઉત્પન્ન કરવી એ સદોષ લાગતાં તેમણે જળમાં પ્રવેશીને તપ આદર્યું. ખૂબ વર્ષો વીતી ગયા સુધી બ્રહ્માએ પ્રતિક્ષા કરી પણ શંકર જળમાંથી બહાર ન આવ્યા એટલ તેમણે બીજો એક પુરુષ ઉત્પન્ન કર્યો. તે પુરુષે સૃષ્ટિનું નિર્માણ કર્યું. શંકર તપસ્યામાંથી જાગ્યા ત્યાં સુધીમાં સૃષ્ટિ વિકસી ચૂકી હતી, પ્રજા પોતાની રીતે જ વિકાસ પામી રહી હતી. આ જોઇને ક્રોધિત થયેલા શંકર ભગવાને પોતાનું લિંગ કાપીને પૃથ્વી પર ફેંકયું અને બ્રહ્મા તરફ નારાજગી વ્યક્ત કરીને મુંજવાન પર્વતની તળેટીમાં તપસ્યા માટે ચાલ્યા ગયા. સતયુગ વીતી ગયો એટલે દેવતાઓએ યજ્ઞ કર્યો એમાં મહાદેવને યજ્ઞભાગમાંથી બાકાત રખાયા. દેવતાઓ શંકરને બહારના ગણતા હતાં. વેદોના ઉલ્લેખોમાં પણ શંકરને પીળા રંગના, કિસત સ્વ‚પે વર્ણવવામાં આવ્યા છે જે પહાડી પ્રદેશમાં રહેતા હોય. શંકર સામાન્ય જનોના દેવ છે. અન્ય દેવતાઓ સ્વર્ગમાં, વૈકુંઠમાં, બ્રહ્મલોકમાં વગેરે પૃથ્વી સિવાયના લોકમાં વસે છે, શંકર જ એકમાત્ર એવા દેવ છે જે પૃથ્વી પર, માનવીઓની સાથે વસે છે. દેવતાઓ તેમનાથી અંતર રાખે અને યજ્ઞભાગ ન આપે તે મહાદેવ સહન કરે નહીં. તેમણે લોકધનુષ વડે યજ્ઞના હૃદયને વીંધી નાખ્યું એટલે યજ્ઞ અગ્નિ સાથે હરણનું ‚પ લઇને ભાગ્યો, શિવે એનો પીછો કર્યો એટલે આકાશમાં નક્ષત્ર તરીકે ચમકવા માંડ્યા. આકાશમાં મૃગ આકારનું નક્ષત્ર છે તેનો અહીં ઉલ્લેખ છે. મહાદેવે સૂર્યની બંને ભૂજાઓ કાપી નાખી, ભગ દેવતાની આંખો ફોડી નાખી અને પૂષા દેવતાના દાંત તોડી નાખ્યા. કેટલાક દેવ ભાગી ગયા, કેટલાક બેહોશ થઇ ગયા. ગભરાયેલા દેવોના કહેવાથી વાણી દેવીએ શિવના લોકધનુષની દોરી કાપી નાખી. યજુર્વેદમાં ધનુષ્યરહિત શિવની સ્તુતિ પણ છે. દેવો યજ્ઞને લઇને શિવના શરણે ગયા અને શિવજીએ પોતાના ક્રોધને સમુદ્રમાં ફેંકી દીધો જયાં હજી તે વડવાનલ બનીને સળગી રહ્યો છે. કૃષ્ણએ કહેલી આ કથા શિવની દેવોના દેવ તરીકે પ્રતિષ્ઠા તો કરે જ છે, લોકોના દેવને પહેલા દેવતાઓએ સ્વીકાર્યા નહોતા તે બાબત તરફ પણ આંગળી ચીંધે છે. કૃષ્ણએ આ કથા કહીને યુધિષ્ઠિરને સમજાવ્યું કે ‘આ કૃત્ય અશ્ર્વત્થામાએ કર્યું છે એમ મનમાં ન લાવશો, આ તો મહાદેવની કૃપાથી થયેલું કૃત્ય છે.’ શંકર પ્રલયના દેવ છે. અશ્ર્વત્થામાને વરદાન આપતી વખતે મહાદેવે કૃષ્ણ માટે પોતે શિબિરનું રક્ષણ કરતા હોવાનું કહ્યું અને પછી કૃષ્ણની જ આડકતરી ઇચ્છાને લીધે અશ્ર્વત્થામાને સમર્થ બનાવ્યો. સામા પક્ષે કૃષ્ણએ શિવજીને સર્વ દેવોના દેવ કહીને તેમને જ સંપૂર્ણ શ્રેય આપ્યું.



યુધ્ધ પુરું થતાં કૃષ્ણનું કામ પુરું ન થયું, ઉલટું વધી ગયું. પાંડવોને અશ્ર્વત્થામાથી તો બચાવ્યા, હવે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીથી પણ બચાવવાના હતાં. મહાભારતના સ્ત્રીપર્વની શ‚આતમાં જનમેજય બે શાપની વાત કરે છે. અશ્ર્વત્થામાએ પાંડવોના વંશજ પર દિવ્યાસ્ત્ર પડશે જ એવો શાપ આપ્યો એની સામે કૃષ્ણએ માનવજાતમાં કોઇને ન મળ્યો હોય એવો ભયંકર શાપ આપ્યો એના ઉલ્લેખથી શ‚ થયેલું સ્ત્રીપર્વ કૃષ્ણને ગાંધારીએ આપેલા શાપ સાથે પૂરું થાય છે. પુત્રશોકથી વિહ્વળ ધૃતરાષ્ટ્રને વિદુરે આપેલું છ અધ્યાયમાં પથરાયેલું જ્ઞાન ભગવદ્ ગીતાના છાંટણાંવાળું છે. એ વાંચતા એમાં ગીતા પડઘાયા કરે છે. હતોઅપિ લભતે સ્વર્ગ, હત્વ ચ લભતે યશ:, યથા ર્જીણમ્ અર્જીણમ વા વસ્ત્રં ત્યક્તવા તુ વૈ નર: વગેરે તો જાણે ગીતામાંથી જ ઉતારાયાં હોય એવા વાકયો છે. કૂવામાં લટકતો બ્રાહ્મણ જે મૂળિયાંના આધારે ટકી રહ્યો છે તેને સફેદ અને કાળા ઉંદર સતત કાપી રહ્યા છે છતાં તે વિપ્ર ઉપર લટકતા મધપૂડામાંથી ઝરતાં મધનો સ્વાદ લેવામાં મશગુલ છે એ અદ્ભૂત ‚પક પણ વિદુરના ઉપદેશમાં જ આવે છે.
​​​​​​​
મહાવિનાશ પછી પાંડવો ધૃતરાષ્ટ્રને મળવા માટે આવ્યા ત્યારે અંધ રાજાએ યુધિષ્ઠિરને આલિંગન તો આપ્યું પણ કશા ઉમળકા વગર. એ પછી ભીમને આલિંગન આપવા માટે આગળ વધ્યા. પોતાના સો પુત્રોને મારી નાખનાર ભીમ તરફ ધૃતરાષ્ટ્રને કેટલો ક્રોધ હશે એ કૃષ્ણ સમજતા હતાં એટલે જેવો તેમણે ભીમને બાથમાં લેવા પ્રયત્ન કર્યો કે તરત જ કૃષ્ણએ ભીમને હટાવીને ભીમની લોખંડની મૂર્તિ મૂકી દીધી. આ પૂતળું દુર્યોધને ગદાયુધ્ધના અભ્યાસ માટે બનાવડાવ્યું હતું. ધૃતરાષ્ટ્રએ પૂતળાંને ભીમ સમજીને એવી ભયંકર ભીંસ આપી કે તેના ચૂરેચૂરા થઇ ગયા. જે પૂતળું દુર્યોધનની ગદાથી નહોતું ભાંગ્યું એ દસ હજાર હાથીનું બળ ધરાવતા ધૃતરાષ્ટ્રએ ભાંગી નાખ્યું. પોતે ભીમને મારી જ નાખ્યો છે એવું સમજીને તેમણે હાય ભીમ, હાય ભીમ કરીને પોક મૂકી એટલે કૃષ્ણએ કહ્યું કે એ ભીમ નહોતો, એનું પૂતળું હતું, ભીમ જીવે છે તમારું મન પુત્ર શોકને કારણે ધર્મથી વિમુખ થઇ ગયું હતું એટલે તમે તેને મારી નાખવા પ્રયત્ન કર્યો. ધૃતરાષ્ટ્રનો ક્રોધ શાંત થઇ ગયા પછી કૃષ્ણએ એમની ભૂલો ગણાવી. જયાં બોલવું જ‚રી હોય ત્યાં કૃષ્ણ કયારેય મૌન રહ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application