સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવની ગતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ અઠવાડિયાના માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં, 1 કિલો ચાંદી રૂ.32,000 થી વધુ મોંઘી થઈ છે. જયારે ભારતીય શેરબજારમાં આજે પણ ઉથલ પાથલ યથાવત રહી અને સેન્સેક્સે ૮૩૦૦૦ની સપાટી ગુમાવી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૯૪૯ પોઈન્ટ ઘટીને 82,297ના સ્તરે પહોંચી ગયો હતો હતો, જ્યારે નિફ્ટી 25,400 થી નીચે આવી ગયો હતો. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી, ત્રીજા ક્વાર્ટરના મિશ્ર પરિણામો અને વૈશ્વિક વેપાર યુદ્ધની વધતી જતી આશંકાએ રોકાણકારોનું મનોબળ નબળું પાડ્યું હતું.
સોનાના ભાવ પણ ખુલતા જ એક જ ઝાટકે રૂ.2,500 વધ્યા
ચાંદીના ભાવમાં તાજેતરના વધારા વિશે વાત કરીએ તો, બે દિવસમાં ભાવ રૂ.32,187 પ્રતિ કિલો વધ્યા છે. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ચાંદીના વાયદાના ભાવ રૂ. 2,87,762 પર બંધ થયા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ચાંદીનો ભાવ રૂ.3,19,949ના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. આ લખાય છે ત્યારે, એમસીએક્સ પર ચાંદીના ભાવ રૂ.7,000ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ચાંદી તો છોડો સોનું પણ અટકતું નથી. એમસીએક્સ પર સોનાના ભાવ પણ ખુલતા જ એક જ ઝાટકે રૂ.2,500 વધ્યા હતા.
વૈશ્વિક તણાવને કારણે સોનું અને ચાંદી ચમક્યા
મંગળવારે, જ્યારે કોમોડિટી બજારો ખુલ્યા, ત્યારે સોનું રૂ.1,45,500 પર ખુલ્યું, જે તેના અગાઉના બંધ ભાવ રૂ.1,45,639 પ્રતિ 10 ગ્રામથી થોડો ઘટાડો હતો. ત્યારબાદ તે શરૂઆતના ઘટાડામાંથી બહાર આવ્યું અને નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યું. વૈશ્વિક તણાવને કારણે સોનું અને ચાંદી ચમક્યા.
ચલણ બજારમાં ઉથલપાથલ
સોના અને ચાંદીના દરોમાં સતત તીવ્ર વધારા પાછળના કારણો અંગે, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ તણાવને વેગ આપ્યો છે, જેના કારણે વૈશ્વિક તણાવમાં વધારો થયો છે. આ સ્થિતિમાં, રોકાણકારો ફરી એકવાર સલામત આશ્રયસ્થાનો તરીકે સોના અને ચાંદી તરફ વળ્યા છે, જેનાથી તેમની માંગ અને ભાવ બંનેમાં વધારો થયો છે. વધુમાં, ચલણ બજારમાં ઉથલપાથલ પણ ભાવમાં વધારામાં ફાળો આપે છે.
20 જાન્યુઆરીએ વોલ સ્ટ્રીટ ફ્યુચર્સ 1% થી વધુ ઘટ્યા
યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને યુએસ-યુરોપ વેપાર તણાવમાં સંભવિત વધારો થવાની આશંકાએ વૈશ્વિક ઇક્વિટીમાં વેચવાલીનું કારણ બન્યું, જેની ભારતીય બજારો પર પણ અસર પડી. એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લીલા રંગમાં રહ્યો, જ્યારે જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો SSE કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ લાલ રંગમાં ટ્રેડ થયો. યુએસ બજારો સોમવારે રજા માટે બંધ હતા, પરંતુ 20 જાન્યુઆરીએ વોલ સ્ટ્રીટ ફ્યુચર્સ 1% થી વધુ ઘટ્યા.
રૂપિયો યુએસ ડોલર સામે 8 પૈસા ઘટીને 90.98 થયો
રૂપિયો યુએસ ડોલર સામે 8 પૈસા ઘટીને 90.98 થયો. આયાતકારો તરફથી ડોલરની મજબૂત માંગ અને વિદેશી રોકાણના સતત પ્રવાહને કારણે ભારતીય ચલણ દબાણ હેઠળ રહ્યું. ફોરેક્સ વેપારીઓના મતે, ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને નબળા સ્થાનિક શેરબજાર રૂપિયા પર દબાણ ચાલુ રહ્યું.