અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડાની આશાથી આજે બુધવારે ફરી એક વખત બંને કીમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં મોટું પરિવર્તન જોવા મળ્યું હતું. એમસીએક્સ પર સવારે 9:20 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.34 ટકા ઉછાળા સાથે રૂ.1,38,354 પ્રતિ 10 ગ્રામ તથા ચાંદી 1.74 ટકા વધારા સાથે રૂ.2,23,481 પર ટ્રેન્ડ કરતી જોવા મળી હતી. ત્યારબાદ એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદા વાળું સોનું 0.4 ચાર ટકા વધારા સાથે રૂ.1,38,428 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરતું જોવા મળ્યું હતું. તો આ તરફ રાજકોટની સ્થાનિક બજારમાં જીએસટી સાથે સોનાના ભાવ ગઈકાલ કરતા 550 ઉછળીને રૂપિયા 1,41,350 પર ટ્રેન્ડ કરતી જોવા મળી હતી..જ્યારે એમસીએક્સ પર માર્ચના વાયદા વાળી ચાંદી 2 ટકા ઉછળીને રૂ.2,23,742ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઈ હતી.
સોનાના ભાવ વધારાની અત્યાર સુધીની તમામ તાસીરને બદલી નાખી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રથમ વખત આજે બુધવારે 24 ડિસેમ્બરે 4500 ડોલર પ્રતિ ઔંસને પાર પહોંચી ગયો. કારણ કે નવા વર્ષમાં અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડાની આશાથી સલામત રોકાણ મનાતા સોનાની માગમાં સતત લાવ-લાવ જોવા મળી રહી છે. આ સિવાય ડોલર નબળો પડતા અને અમેરિકા તથા વેન્ઝયુલા વચ્ચે વધી રહેલા તનાવના કારણે પણ સોનાના ભાવ વધારાની અત્યાર સુધીની તમામ તાસીરને બદલી નાખી છે.
ડોલર સૂચકઆંક 0.20 ટકા ઘટાડાથી વિદેશી મુદ્રાઓમાં સોનુ સસ્તું બન્યું
સોની બજારના વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે ચલણની સ્થિતિમાં પરિવર્તન અને રોજગારની સ્થિતિ નબળી પડવાના કારણોસર આગામી દિવસોમાં નવા વર્ષ 2026માં અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા બે વખત વ્યાજ દર ઘટાડવામાં આવે તેવી સંભાવના છે. આ સાથે જ અમેરિકા દ્વારા તેલના ટેન્કરોને રોક્યા બાદ અમેરિકા અને વેન્ઝયુલા વચ્ચેના તનાવના કારણે સલામત રોકાણની માગને વધુ તીવ્ર બનાવી છે. ડોલર સૂચકઆંક 0.20 ટકા ઘટાડાથી વિદેશી મુદ્રાઓમાં સોનુ સસ્તું બન્યું છે. જેની અસર ભારતીય બજાર પર પડી રહી છે.
હાજરમાં સોનુ 4500 ડોલરની સપાટી પર પહોંચ્યું
દેશના વાયદા બજારમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી રહી છે. હાજરમાં સોનુ 4500 ડોલરની સપાટી પર પહોંચ્યું છે જ્યારે હાજરમાં ચાંદી 2 ટકા વધારા સાથે વિદેશ વેપારમાં પ્રથમ વખત 70 ડોલર પ્રતિ ઔંસના નિશાનને પાર કરી ગઈ છે. આ ઘરથી તેજી વચ્ચે 2026 માં ફેડરલ રિઝર્વ એક કરતાં વધુ વખત વ્યાજદરો ઘટાડે તેવી સંભાવના અને ભૂ રાજકીય તનાવને કારણે ચાંદીમાં સલામત રોકાણનું વલણ મજબૂત બનાવ્યું છે.
ગઈકાલે ચાંદી રૂ.2,17,250 ની સર્વોચ્ચ સપાટી પર બંધ થઈ હતી
વૈશ્વિક બજારમાં મજબૂત વલણથી સોનાના ભાવમાં વધારો સતત ત્રીજે દિવસે બુધવારે યથાવત જોવા મળ્યો છે. આ અગાઉ મંગળવારે સ્થાનિક બજારમાં જીએસટી સાથે સોનું અંદાજે 3000 ઉછાળા સાથે રૂ.1,40,850 પ્રતિ 10 ગ્રામની નવી સપાટી પર પહોંચ્યું હતું. જ્યારે ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ રૂ. 2750ના ઉછાળા સાથે રૂ.2,17,250 ની સર્વોચ્ચ સપાટી પર બંધ થઈ હતી.