સૌરાષ્ટ્રના વિવિધ કૃષિ યાર્ડોમાં મગફળીની મબલખ આવક ચાલુ હોય તેવા સમયે સિંગતેલના બજારમાં અચાનક તેજીને કારણે ગ્રાહકો સહિત વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા પંદર દિવસમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. લગ્નની સિઝન તેમજ વર્ષભર ચાલતી સિંગતેલની માંગ વચ્ચે બજારમાં અચાનક માંગ વધતા ભાવ વધ્યો છે. યાર્ડોમાં મગફળીના ભાવ પ્રતિ મણ આશરે ૨૦૦ રૂપિયા જેટલા વધ્યા છે, જ્યારે તેલના બજારમાં તો ભાવમાં સીધો ૨૧૦ રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
ડબ્બાનો ભાવ વધીને ૨૬૨૫ રૂપિયા થયો
પંદર દિવસ પહેલાં ૧૫ કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૪૧૫ રૂપિયાનો હતો, જ્યારે ગઈકાલે એ જ ડબ્બો વધીને ૨૬૨૫ રૂપિયે વેચાયો હતો. લગ્ન પ્રસંગોને કારણે સિંગતેલની માંગ વધી હોવાના કારણે બજારમાં આ તેજી હોવાનું વેપારીઓનું માનવું છે. બીજી તરફ મગફળીની કિંમતોમાં વધારો થતાં તેલ મિલરો દ્વારા પણ ભાવ વધારાનો દોર ચાલુ રાખવામાં આવ્યો છે.
ગ્રાહકો માટે આ વધેલા ભાવ ચિંતાજનક
ઓર્ગેનિક અને ઘાણી પદ્ધતિથી બનેલા સિંગતેલની તો હાલ બજારમાં ભારે માંગ છે. ગુણવત્તાની અસર અને મર્યાદિત ઉત્પાદનને કારણે આ કેટેગરીના ડબ્બાના ભાવ ૩૦૦૦ રૂપિયે પહોંચ્યા છે. ગ્રાહકો માટે આ વધેલા ભાવ ચિંતાજનક બન્યા છે, તો વેપારીઓ આગામી દિવસોમાં ભાવ વધુ સમતોલ થવાની આશા રાખી રહ્યા છે.
ભાવમાં થોડો ઘટાડો થવાની આશા
આ બધાની વચ્ચે મગફળીના નવા પાકનો જથ્થો બજારમાં વધુ પ્રમાણમાં આવશે તો ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે, તેવા અંદાજો વ્યાપક રીતે વ્યક્ત થઈ રહ્યા છે. હાલ માટે, સૌરાષ્ટ્રમાં સિંગતેલ બજારમાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે.