ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આજે પોતાની દીકરી નિધ્યાના સાથે અચાનક વિધાનસભા પહોંચતા કુતૂહલ સર્જાયું હતું. જાડેજાએ અધ્યક્ષની ગેલેરીમાં બેસીને પોતાની પત્ની અને રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાને સભાગૃહમાં પ્રશ્નોના જવાબ આપતા નિહાળ્યા હતા.
જામનગર ઉત્તરના ધારાસભ્ય અને હાલમાં શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી રહેલા રિવાબા જાડેજા જ્યારે ગૃહમાં વિરોધ પક્ષ અને અન્ય સભ્યોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા, ત્યારે રવિન્દ્ર જાડેજા પ્રેક્ષક ગેલેરીમાં શાંતિપૂર્વક બેસી તેમને સાંભળતા જોવા મળ્યા હતા. આ તકે તેમની દીકરી પણ પિતા સાથે મંત્રી માતાની કામગીરી જોઈને ઉત્સાહિત જણાતી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યારે રિવાબાએ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો ત્યારે પણ રવિન્દ્ર જાડેજા તેમની સાથે રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સામાન્ય રીતે ક્રિકેટના મેદાન પર જોવા મળતા જાડેજાને વિધાનસભાના સંકુલમાં જોઈ ધારાસભ્યો અને મુલાકાતીઓમાં આકર્ષણ જાગ્યું હતું. રાજકીય વિશ્લેષકો આ મુલાકાતને એક ‘ફેમિલી ગોલ્સ’ તરીકે જોઈ રહ્યા છે, જ્યાં એક સફળ ખેલાડી પતિ પોતાની પત્નીની રાજકીય કારકિર્દીમાં સતત પડખે ઉભો રહે છે. અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જાડેજાએ પત્ની માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો અને તાજેતરમાં જ તેઓ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા પણ છે.