BREAKING NEWS

શાપર પાસે આવેલા પીપળીયા પાળ ગામમાં ગુજરાત ગેસના ૩ લાખના છ પાઇપની ચોરી

  • January 02, 2026 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપર વેરાવળ પાસે પીપળીયા પાર્ક ગામના ગેટ સામે ગુજરાત ગેસની પાઇપલાઇન ફીટીંગની કામગીરી ચાલતી હોય અહીંથી ૪૦ ફૂટની લંબાઇ અને ૪૫૦ કિલો વજનવાળા રૂપિયા ત્રણ લાખની કિંમતના છ પાઇપ ચોરી થયા અંગે સાઈટ સુપરવાઇઝર દ્વારા લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી પાઇપની ચોરી કરી જનાર તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ શાપરમાં મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા મૂળ યુપીના બરેલી જિલ્લાના ખારોવા ગામના વતની મુકેશકુમાર ગોરીલાલ શાહુ (ઉ.વ.35) દ્વારા લોધીકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા દોઢ વર્ષથી અમદાવાદ સ્થિત શ્યામ ઇન્ફ્રાટેક નામની કંપનીમાં ગેસ પાઇપ કન્ટ્રક્શન, ગેસ પાઇપલાઇન ફીટીંગની સાઈટમાં ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. શ્યામ ઇન્ફ્રાટેક કંપનીના માલિક ઈલેશકુમાર પાનસુરીયા છે અને તેમની કંપનીએ હાલ ગુજરાત ગેસ તરફથી ગેસ પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે. ફીટીંગ કરવા માટેના પાઇપ તથા તેની સાથેનું અન્ય મટીરીયલ્સ ગુજરાત ગેસ પાઇપલાઇન તરફથી કંપનીને આપવામાં આવે છે અને હાલમાં પાઇપ ફિટિંગની સાઈટ શાપર વેરાવળથી પીપળીયા પાળ ગામ થઈ હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ સુધી પાઇપ લાઇન ભૂગર્ભમાં ફીટીંગ કરવાનું કામ ચાલે છે. જે કામગીરીમાં 15 મજૂરો કામ કરે છે.


ગઈ તા. 28/12 ના ગુજરાત ગેસ કંપની તરફથી સૂર્યપ્રકાશ પાઇપ ભરેલ કુલ પાંચ ટ્રક જે પાંચ ટ્રકમાં કુલ 245 પાઇપ ફરિયાદીને કંપનીને આપવામાં આવ્યા હતા. જે 40 ફૂટની લંબાઈ અને 450 કિલો વજનવાળા હોય અને આઠ ઇંચ ગોળાઇ વાળો હોય આ તમામ પાઇપ શાપર વેરાવળથી પીપળીયા પાળ ગામથી આગળ સુધી ત્રણ કિલોમીટર સુધી રોડની સાઈડમાં ખરાબાની જગ્યામાં નીચે ઉતાર્યા હતા અને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. જે પાઇપ માંથી કુલ નવ પાઇપ શાપર વેરાવળથી પીપળીયા પાળ તરફ જતા રોડ પર પીપળીયા પાળ ગામના ગેટ પાસે ઉતાર્યા હતા.


સાંજના છ વાગ્યા સુધી આ પાઇપલાઇનનું ઉતારવાનું કામ પૂરું કરી બધા શાપર વેરાવળ રહેતા શેડ ખાતે જતા રહ્યા હતા. બાદમાં બીજા દિવસે તારીખ 29/12 ના સવારના આઠેક વાગ્યે ફરિયાદી તથા તેની સાઈટ પરના મજૂરો લાઈન ફીટીંગ સાઈટ પર આવતા રૂટ ચેક કરતા પીપડીયા પાળ ગામના મેઇન ગેટ પાસે આવેલ જગ્યાએ રાખેલા પાઇપમાંથી છ પાઇપ જોવા મળ્યા ન હતા આ એક પાઇપની અંદાજિત કિંમત રૂપિયા 50,000 હોય તેમ કુલ છ પાઇપ કિં. રૂ. ૩ લાખની કોઈ અહીંથી ચોરી કરી ગયા અંગે ફરિયાદીએ તેમના માલિક ઇલેશકુમારને વાત કર્યા બાદ આ બાબતે ફરિયાદ કરવાનું નક્કી થતાં લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application