ટાટા ગ્રૂપના ભવિષ્ય અને તેની પરોપકારી પરંપરાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને વિદેશનાં છ પારસી તથા ઝોરોસ્ટ્રિયન સંગઠનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. સંગઠનોએ ચેતવણી આપી છે કે ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટેડ કરવાથી ગ્રૂપની લાંબા ગાળાની વ્યવસ્થાપન પદ્ધતિ, સામાજિક જવાબદારી અને પરોપકારી વારસાને અસર થઈ શકે છે.અહેવાલ અનુસાર, 7 ઑક્ટોબરે લખાયેલા પત્રમાં ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા પરિવાર પ્રત્યે સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું છે. ટાટા સન્સ એ ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની છે. તેના શેરબજારમાં લિસ્ટિંગના મુદ્દે કંપની અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચે મતભેદ ઊભા થયા છે. ટાટા ટ્રસ્ટ્સ પાસે ટાટા સન્સનો આશરે 66 ટકા હિસ્સો છે. પત્ર પર બોમ્બે પારસી પંચાયત (બીપીપી), ફેડરેશન ઑફ પારસી ઝોરોસ્ટ્રિયન અંજુમન્સ ઑફ ઇન્ડિયા (એફપીઝેડએઆઈ), ફેડરેશન ઑફ ઝોરોસ્ટ્રિયન એસોસિયેશન્સ ઑફ નોર્થ અમેરિકા (ફેઝાના), ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઑફ યુરોપ (ઝેડટીએફઇ), ગ્લોબલ કાઉન્સિલ ઑફ ઝોરોસ્ટ્રિયન્સ ટ્રસ્ટ (જીસીઝેડટી) અને વર્લ્ડ ઝોરોસ્ટ્રિયન ચેમ્બર ઑફ કોમર્સ (ડબલ્યુઝેડસીસી)એ હસ્તાક્ષર કર્યા છે. આ સંગઠનો ભારત અને વિદેશમાં પારસી તથા ઝોરોસ્ટ્રિયન સમુદાયના ધાર્મિક, સામાજિક, વ્યાવસાયિક અને પરોપકારી હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. સંગઠનોએ વડાપ્રધાનને અપીલ કરી છે કે ટાટા સન્સના લિસ્ટિંગને માત્ર નિયમનકારી અથવા ટેક્નિકલ મુદ્દા તરીકે ન જોવામાં આવે. તેમના મતે, આ નિર્ણય ગ્રૂપના મૂળભૂત મૂલ્યો અને ભવિષ્યની દિશાને અસર કરી શકે છે. પત્રમાં જણાવાયું છે કે લાંબા ગાળાના વ્યવસ્થાપન અને ટૂંકા ગાળાની બજારની અપેક્ષાઓ વચ્ચેનું સંતુલન બદલાવાથી ટાટા ગ્રૂપની વિશિષ્ટ ઓળખ પર અસર પડી શકે છે. પત્રમાં જમશેદજી ટાટા, જેઆરડી ટાટા, હોમી ભાભા, સેમ માણેકશૉ અને નાની પાલખીવાલા જેવી હસ્તીઓના યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ અને ટાટા મેમોરિયલ હૉસ્પિટલ જેવી સંસ્થાઓને ટાટાની પરોપકારી પરંપરાનાં ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવી છે. સંગઠનોના મતે, ટાટા ગ્રૂપની સામાજિક જવાબદારી અને લાંબા ગાળાના વિકાસની દૃષ્ટિ ભારતના ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય સાથે પણ સંબંધિત છે.